11 મહિનામાં એરલાઇન્સને બોમ્બની 994 ખોટી ધમકીઓ મળી
- નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપેલી માહિતી
- જૂઠી ધમકીઓને રોકવા અને તેનો સામનો કરવા મંત્રાલયે સંબધિત કાયદાઓમાં સંશોધનની યોજના ઘડી
નવી દિલ્હી : ચાલુ વર્ષે ૧૩ નવેમ્બર સુધીમાં દેશની એરલાઇન્સને ૯૯૪ જૂૂઠી બોંબ ધમકીઓ મળી હતી અને આવી ધમકીઓને રોકવા માટે મજબૂત પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે.
જૂઠી ધમકીઓ આપવાના દૂષણને વ્યાપકપણે રોકવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 'સપ્રેસન ઓફ અનલોફુલ એક્ટસ અગેઇન્સ્ટ સેફટી ઓફ સિવિલ એવિએશન એક્ટ, ૧૯૮૨' અને 'એરક્રાફટ (સિક્યુરિટી) રુલ્સ, ૨૦૨૩'માં સંશોધન કરવાની યોજના બનાવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજય કક્ષાના પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૨૨થી ૧૩ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં એરલાઇન્સને ૧૧૪૩ જૂઠી બોંબ ધમકીઓ મળી હતી.
પ્રધાને આપેલી માહિતી મુજબ જાન્યુઆરીથી ૧૩ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં ૯૯૪ જૂઠી ધમકીઓ મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ધમકીઓ જૂઠી સાબિત થઇ હતી તપાસમાં કંઇ પણ મળી આવ્યું ન હતું.
આ જૂઠી ધમકીઓને કારણે એરલાઇન્સની કેટલીક ફલાઇટોના સંચાલનને અસર થઇ હતી. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) આવી ધમકીઓને રોકવા અને તેનો સામનો કરવા માટે મજબૂત પ્રોટોકોલ ઘડયા છે. આ માટે બોંબ થ્રેટ કન્ટીજન્સી પ્લાન (બીટીસીપી) અમલમાં મૂકવામાં આવ્યો છે.
બીસીટીસીપી હેઠળ દરેક એરપોર્ટને બોંબ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએસી)ની રચના કરવાની રહેશે. બીટીએસી ધંમકીની તપાસ કરશે અને તે મુજબ યોગ્ય કાર્યવાહી કરશે.