દિલ્હી, કોલક્તા અને મુંબઇ સહિતના ૧૦ મહા નગરોમાં ૭ ટકા મુત્યુ માટે વાયુ પ્રદૂષણ જવાબદાર
દિલ્હીમાં પીએમ ૨.૫ વાયુ પ્રદૂષણથી દર વર્ષે ૧૨૦૦૦થી વધુના મોત થાય છે
વાયુ ગુણવત્તા બગડતી અટકાવીને અનેક લોકોના જીવ બચાવી શકાય છે
નવી દિલ્હી ,5 જુલાઇ,2024,ગુરુવાર
ભારતમાં દિલ્હી,મુંબઇ અને કોલકત્તા સહિત મુખ્યત્વે ૧૦ શહેરોમાં ૭ ટકા જેટલા મુત્યુ માટે વાયુ પ્રદૂષણ જવાબદાર છે. આ સ્ટડીમાં દિલ્હી, મુંબઇ અને કોલકાતા ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂર્ણે, શિમલા અને વારાણસી જેવા શહેરોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ ૨.૫નું સ્તર ૯૯.૮ દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નકકી કરેલા પેરામિટર કરતા ૧૫ માઇક્રોગ્રામ કયૂબિક મીટર વધારે હતું.
દિલ્હીમાં પીએમ ૨.૫ વાયુ પ્રદૂષણથી દર વર્ષે ૧૨૦૦૦થી વધુના મોત થાય છે જે વર્ષે થતા કુલ મુત્યુના ૧૧.૫ ટકા છે. પીએમ ૨.૫ સાદ્રતામાં વૃધ્ધિ થવાથી મુત્યુનું જોખમ વધી જાય છે અને સ્થાનિક પ્રદૂષણ તેના મુખ્યકારકોમાનું એક છે. પીએમ ૨.૫ વધવાથી મુત્યુનું જોખમ વધી જાય છે જેમાં સ્થાનિક કારણોથી થતું પ્રદૂષણ જ જવાબદાર છે. ભારતીય વાયુ ગુણવત્તાના પેરામીટર કરતા વધારે હોય ત્યારે જોખમ બે ગણું વધી જાય છે.
આ સ્ટડીમાં ૨૦૦૮ થી ૨૦૧૯ દરમિયાન દસ ભારતીય શહેરોમાં મુત્યુ પામેલા ૨૬ લાખ લોકોના મુત્યુનો ડેટામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વારાણસી બનારસ હિંદુ યુનિવર્સિટી અને નવી દિલ્હીના ક્રોનિક ડિસીઝ કંટ્રોલ સેન્ટરના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમમાં ભાગ લીધો હતો. નિષ્ણાતોનું માનવું છે કે વાયુ ગુણવત્તા બગડતી અટકાવીને અનેક લોકોના જીવ બચાવી શકાય છે.
ભારતમાં આને લગતા કાયદાઓનો તાત્કાલિક અમલ કરવાની જરુરિયાત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર પૃથ્વી પર લગભગ દરેક વ્યકિત વાયુપ્રદૂષણથી ગ્રસ્ત રહે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી બ્રેઇન સ્ટ્રોક, હ્વદયરોગ, ફેફસાનું કેન્સર અને શ્વસન સંબંધી બીમારીઓ ઉત્પન્ન થાય છે.