ભારતમાં વાયુ પ્રદૂષણનો હાહાકાર, વર્ષે 20 લાખથી વધુ લોકોનાં મોત, જ્યારે દુનિયાનો આંકડો ચોંકાવનારો
વાયુ પ્રદૂષણથી દુનિયામાં 83 લાખથી વધુનાં મોતઃ બીએમજેનો અહેવાલ
ચીનમાં વર્ષે 24 લાખનાં મૃત્યુ પાછળ વાયુ પ્રદૂષણ જવાબદારઃ ખરાબ હવાથી હૃદયરોગ, ડાયાબિટિસ, શ્વસનતંત્રના રોગોમાં ચિંતાજનક વધારો
Air pollution News | બ્રિટિશ મેડિકલ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ થતી બીએમજે જર્નલમાં વાયુ પ્રદૂષણને લગતો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. એ પ્રમાણે દુનિયામાં વાયુપ્રદૂષણના કારણે 83 લાખથી વધુ લોકો વર્ષે મૃત્યુ પામે છે. સૌથી વધુ મોત ચીન અને ભારતમાં થાય છે. બંને દેશમાં થઈને 45 લાખ જેટલાં લોકો દમ તોડી દે છે. જર્મનીના કેમિસ્ટ્રી ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ વિવિધ ડેટાના આધારે અહેવાલ રજૂ કર્યો હતો. બીએમજેમાં છપાયેલા એ રિપોર્ટ પ્રમાણે આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં 20 લાખથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. ચીન પછી આ મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
સર્વાધિક મોત ચીનમાં
ઘરની બહારના વાયુ પ્રદૂષણથી સર્વાધિક મોત ચીનમાં થાય છે. ચીનમાં વર્ષે 24 જેટલાં લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે. દુનિયામાં એર પોલ્યુશનથી વર્ષે 83 લાખ જેટલાં લોકોનો ભોગ લેવાય છે અને એમાં ભારત-ચીનના જ 45 લાખ લોકો છે. અહેવાલ પ્રમાણે કુલ વાયુ પ્રદૂષણમાંથી આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે 61 ટકા લોકોનાં મોત થાય છે. આઉટડોર વાયુ પ્રદૂષણ એટલે કારખાનામાંથી ઉત્સર્જિત થતી ખરાબ હવા, ખેતીનો પાક લીધા બાદ વધેલો કચરો બાળવાથી નીકળતો વાયુ કે પછી સરકારીતંત્ર દ્વારા થતાં કચરાના નિકાલના કારણે સર્જાતો વાયુ મુખ્ય છે.
અશ્મિગત ઈંધણના કારણે સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાય છે
સંશોધકોના અહેવાલમાં કહેવાયું હતું કે અશ્મિગત ઈંધણના કારણે સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાય છે. તેના બદલે ક્લિન એનર્જીનો ઉપયોગ વધારવાથી વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય છે. તેથી એવી એનર્જીના વપરાશ પર ભાર મૂકવાની હિમાયત કરવામાં આવી હતી. વાયુ પ્રદૂષણના કારણે હૃદયરોગ, ડાયાબિટિસ, શ્વસનતંત્રને લગતા રોગો, ફેંફસાની બીમારીઓ વધી છે.