અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
Indian Air Force Chief AP Singh : ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોંપતા પહેલા વી.આર.ચૌધરીએ આજે સવારે વાયુ ભવનમાં પરંપરાગત ‘વૉક થ્રૂ’ કર્યું હતું અને તે પહેલા તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર દિવંગત વીરોને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા ચૌધરીને વિદાઈ સલામી રૂપે ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.
એ.પી.સિંહને 40 વર્ષનો અનુભવ
1964માં 27મી ઓક્ટોબરે જન્મેલા એર માર્શલ એ.પી.સિંહને ડિસેમ્બર-1984માં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે લગભગ 40 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન અનેક કમાન્ડ, સ્ટાફ, ઈન્સ્ટ્રક્શનલ અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે.
એ.પી.સિંહને 5000 કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી, સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજ અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના પૂર્વ વિદ્યાર્થી એ.પી.સિંહ એર ઑફિસર, ફ્લાઈટ પ્રશિક્ષક અને પ્રોયાગિક પરીક્ષણ પાયલટ છે. આ ઉપરાંત તેઓ ઘણાં પ્રકારના ફિક્સ્ડ અને રોટરી વિંગ વિમાનો પર 5000 કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવે છે.
59 વર્ષની ઉંમરમાં ઉડાવ્યું તેજસ
વાયુસેનાના નવા પ્રમુખ અમર પ્રીત સિંહે તાજેતરમાં જ ઈન્ડિયન ફાઇટર જેટ તેજસને ઉડાવીને ન માત્ર સૌને ચોંકાવ્યા હતા, પરંતુ પોતાની ઉંમરના કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું હતું ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી. પોતાની સેવા માટે પરમ વિશિષ્ઠ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાઈ ચૂક્યા છે.
સિંહે મોસ્કોમાં મિગ-29 અપગ્રેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું
પોતાના કરિયર દરમિયાન તેઓ ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી ચૂક્યા છે. પાયલોટ તરીકે તેમણે મોસ્કો, રશિયામાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ રાષ્ટ્રીય ઉડાન પરીક્ષણ કેન્દ્રમાં પરિયોજના નિદેશક પણ હતા.
આ પણ વાંચો : કર્ણાટકમાં એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત, મુસાફરો ભરેલી બસ પલટી, 20ને ઈજા
મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા
તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ઉડાન પરીક્ષણનું કામ સોંપાયું હતું. તેમણે દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનમાં વાયુ રક્ષા કમાન્ડર અને પૂર્વી વાયુ કમાનમાં વરિષ્ઠ વાયુ સ્ટાફ અધિકારીના મહત્વના પદો પર પોતાની સેવા આપી છે. વાયુસેના ઉપ-પ્રમુખનો પદભાર સંભાળતા પહેલા તેઓ મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા.
એ.પી.સિંહે કાર્યભાર સંભાળતાની સાથે જ અનોખો સંયોગ બન્યો
વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે આજે વાયુસેનાના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લેતાની સાથે જ અનોખો સંયોગ બન્યો છે. તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ કંઈક એવું બન્યું છે, જે ભૂતકાળમાં ક્યારેય નહોતું બન્યું, અને તે એ છે કે, દેશની ત્રણ સૈન્ય પાંખના વડા એકબીજાના કોર્સમેટ્સ અને ક્લાસમેટ્સ છે. ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર માર્શલ અમર પ્રીત સિંઘ ‘નેશનલ ડિફેન્સ એકેડેમી’ના 65 મા કોર્સમાં સાથે ભણ્યા હતા. તેઓ 1983માં ત્યાંથી પાસ આઉટ થયા હતા. બીજી તરફ જનરલ દ્વિવેદી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી મધ્ય પ્રદેશમાં રીવામાં આવેલી સૈનિક સ્કૂલમાં ક્લાસમેટ્સ હતા. ભારતીય સૈન્ય દળોમાં અગાઉ આવો સંયોગ ક્યારેય નહોતો સર્જાયો.
કોણે ક્યારે કાર્યભાર સંભાળ્યો?
ત્રણે વડાની નિમણૂક છેલ્લા પાંચ મહિના દરમિયાન જ થઈ છે. એડમિરલ ત્રિપાઠીએ 30 એપ્રિલ, 2024ના દિવસે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જનરલ દ્વિવેદીએ 31 જુલાઈએ થળસેનાનો કાર્યભાર સંભાળ્યો હતો. એર માર્શલ એ.પી. સિંહે આજથી (30 સપ્ટેમ્બર) વાયુસેનાનો કાર્યભાર સંભાળી લીધો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર માર્શલ એ.પી. સિંહ ખૂબ સારા મિત્રો છે. એના લીધે સેનાની ત્રણે પાંખ વચ્ચે સુમેળભર્યો તાલમેલ સધાશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં દેશના સંરક્ષણ દળો માટે થિયેટર કમાન્ડ બનાવવા બાબતે કામ ચાલી રહ્યું છે, એવામાં ત્રણે સેનાના વડાઓ વચ્ચેની ગાઢ મિત્રતા એમાં વધુ મદદગાર સાબિત થશે.
વાયુસેનાના નવા પ્રમુખની સિદ્ધી
- એ.પી.સિંહને ડિસેમ્બર 1984માં ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ તરીકે એરફોર્સમાં સામેલ કરાયા હતા. તેમણે લગભગ 40 વર્ષ સુધી વિવિધ કમાન્ડ અને સ્ટાફમાં સેવા આપી છે.
- તેમની પાસે 5000 કલાકથી વધુ ઉડ્ડયનનો અનુભવ છે.
- ભારતીય સૈન્ય વતી તેઓ વિદેશમાં પણ સેવા આપી ચૂક્યા છે.
- તેમને 2019માં 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' અને 2023માં 'પરમ વિશિષ્ટ સેવા મેડલ'થી નવાજવામાં આવ્યા છે.
- તેઓ સ્ક્વોશ રમવાના શોખીન છે.
એ.પી.સિંહના આગામી પડકારો
- એરફોર્સ ચીફ તરીકે અમર પ્રીત સિંહની પ્રાથમિકતાઓમાં નવા ફાઇટર એરક્રાફ્ટની ખરીદી રહેશે.
- હવાઈ દળના આધુનિકીકરણની દિશામાં પણ એમણે કામ કરવું પડશે.
- પડોશી દેશ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના પડકારોનો સામનો પણ એમણે કરવો પડશે.
- વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા સત્તાવાર રીતે 42 થી ઘટીને 30 જેટલી થઈ ગઈ છે. તેથી એ બાબતે પણ એમણે ઘટતું કરવું પડશે.