એર માર્શલ અમર પ્રીત સિંહ હશે વાયુસેનાના નવા પ્રમુખ, વિવેક રામ ચૌધરીની જગ્યા સંભાળશે
New Chief of the Air Staff: એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના આગામી પ્રમુખ હશે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના ઉપ-પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર 2024ના બપોરથી આગામી વાયુસેના પ્રમુખ તરીકે એર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી 30 સપ્ટેમ્બર 2024એ પદમુક્ત થઈ રહ્યા છે.
એર માર્શલ અમર પ્રીત સિંહ અંગે જાણીએ
એર માર્શલ અમર પ્રીત સિંહનો જન્મ 27 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો. તેમને ડિસેમ્બર 1984માં ભારતીય વાયુસેનાના લડાકૂ પાયલટ સ્ટ્રીમમાં સામેલ કરાયા હતા. લગભગ 40 વર્ષની પોતાની લાંબી અને પ્રતિષ્ઠિત સેવા દરમિયાન તેમણે અનેક કમાન્ડ, સ્ટાફ, ઇન્સ્ટ્રક્શનલ પદો પર કામ કર્યું છે. તેમણે વિદેશમાં વાયુસેના માટે મહત્વની જવાબદારી સંભાળી છે.
59 વર્ષની ઉંમરમાં ઉડાવ્યું તેજસ
ઈન્ડિયન એર ફોર્સના નવા ચીફ બનનારા એર માર્શલ અમર પ્રીત સિંહે હાલમાં જ ઇન્ડિયન ફાઇટર જેટ તેજસને ઉડાવીને ન માત્ર સૌને ચોંકાવ્યા હતા, પરંતુ પોતાની ઉંમરના કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું હતું ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી. પોતાની સેવા માટે પરમ વિશિષ્ઠ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાઈ ચૂક્યા છે.
5000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ
એર માર્શલ અમર પ્રીત સિંહ રાષ્ટ્રીય રક્ષા એકેડમી, રક્ષા સેવા સ્ટાફ કોલેજ અને રાષ્ટ્રીય રક્ષા કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા છે. તેઓ એક યોગ્ય ઉડાન પ્રશિક્ષક અને શાનદાર પાયલોટ છે. તેમની પાસે ફિક્સ્ડ અને રોટરી વિંગ વિમાનો પર 5000 કલાકથી વધુની ઉડાનનો અનુભવ છે.
ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી ચૂક્યા છે
પોતાના કરિયર દરમિયાન તેઓ ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી ચૂક્યા છે. પાયલોટ તરીકે તેમણે મોસ્કો, રશિયામાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ રાષ્ટ્રીય ઉડાન પરીક્ષણ કેન્દ્રમાં પરિયોજના નિદેશક પણ હતા.
મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા
તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ઉડાન પરીક્ષણનું કામ સોંપાયું હતું. તેમણે દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનમાં વાયુ રક્ષા કમાન્ડર અને પૂર્વી વાયુ કમાનમાં વરિષ્ઠ વાયુ સ્ટાફ અધિકારીના મહત્વના પદો પર પોતાની સેવા આપી છે. વાયુસેના ઉપ-પ્રમુખનો પદભાર સંભાળતા પહેલા તેઓ મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા.