એર ઈન્ડિયાની સ્થાપનાના 6 દાયકા બાદ બદલાયો સ્ટાફનો યુનિફોર્મ, ભારતના જાણીતા ડિઝાઈનરે કર્યો તૈયાર
એર ઇન્ડિયાએ કેબિન ક્રૂ અને કોકપિટ ક્રૂ માટે તૈયાર કર્યો નવો યુનિફોર્મ
Air India New Uniform : એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ નવા યુનિફોર્મને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.
એરલાઈન્સની સ્થાપના થયાના છ દશકામાં પહેલીવાર પોતાના યુનિફોર્મમાં ફેરફાર કર્યા
એરલાઈન્સની 1932માં સ્થાપના થયાના છ દશકામાં પહેલીવાર પોતાના યુનિફોર્મમાં ફેરફાર કર્યા છે. ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ તેના કેબિન અને કોકપિટ ક્રૂ માટેનો યુનિફોર્મ બદલવામાં આવ્યો છે. આ નવા યુનિફોર્મના લુકને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટાફના નવા યુનિફોર્મ સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ નવા યુનિફોર્મની ડિઝાઈન ભારતના ખ્યાતનામ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કરી છે જેમાં એર ઈન્ડિયાના યુનિફોર્મનો ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે. એરલાઈન્સની જાહેરાત મુજબ જ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ સ્ટાઈલ અને કમ્ફર્ટ બંને આપતાં શૂઝ પણ ડિઝાઈન કર્યા છે.
નવા યુનિફોર્મને તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે
આ નવા યુનિફોર્મમાં એરલાઇનની મહિલા કેબિન ક્રૂ મેમ્બર્સ આધુનિક લુક સાથે ઝરોખા પેટર્નવાળી ઓમ્બ્રે સાડી, બ્લાઉઝ અને વિસ્ટા (એર ઈન્ડિયાનું નવું લોગો આઈકન) સાથે બ્લેઝર પહેરશે, જ્યારે પુરુષો બંધગાલા સૂટ પહેરશે. નવો યુનિફોર્મ નવી અને પરંપરાગત શૈલીના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં નવા યુનિફોર્મને તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. સૌથી પહેલા તેને એર ઈન્ડિયાના પહેલા એરબસ A350ની સેવામાં લોન્ચ કરવામાં આવશે.
એર ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી
એર ઇન્ડિયાએ 25 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત કરી હતી કે એર ઈન્ડિયા કેબિન ક્રૂ, પાઇલોટ્સ અને ફ્લાઇટ સ્ટાફ માટે યુનિફોર્મ બદલવા જઈ રહી છે અને આ યુનિફોર્મ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. એર ઈન્ડિયા દ્વારા ડિસ્પલે કરવામાં આવેલ નવો લુક સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની સૌથી જૂની એરલાઈનના સ્ટાફને ખૂબ જ ફેશનેબલ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી નવી પેઢી તેની સાથે જોડાઈ શકે.