એર ઈન્ડિયા એક્સપ્રેસની કડક કાર્યવાહી, એક ઝાટકે 100થી વધુ સ્ટાફની નોકરી ગઇ! જાણો સંપૂર્ણ મામલો
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વગર બિમારી (Sick Leave)નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક 'સિક લીવ' લઈને રજા લઈ લીધી, જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લી ઘડીએ કેબિન ક્રૂ કર્મચારીઓ સિક લીવ પર ઉતરી ગયા
ગયા મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી, ત્યારે છેલ્લી ઘડીએ કેબિન ક્રૂના કર્મચારીઓ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના CEOએ જણાવ્યું હતું કે, 'મંગળવાર સાંજથી, અમારા 100 કરતા પણ વધારે કેબિન ક્રૂ સહકર્મીઓ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.'
લગભગ 15 હજાર મુસાફરોને અસર થઈ હતી
આ પછી એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી, જેના કારણે મંગળવાર રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ હતી.