Get The App

શિવરાજ સિંહે ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી, કહ્યું- એર ઇન્ડિયા હજુ સુધરી નથી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
Shivraj Singh Chouhan


Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી હતી. આથી તેમણે એર ઇન્ડિયાથી નારાજ થઈને કહ્યું હતું કે, 'મને આશા હતી કે ભારત સરકાર તરફથી એર ઇન્ડિયાનું નિયંત્રણ ટાટા મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે, પરંતુ આ ભ્રમણા સાબિત થઈ. એર લાઇન મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.'

ફ્લાઇટમાં તૂટેલી સીટ બાબતે X પર કરી પોસ્ટ 

શિવરાજ સિંહ ચૌહાણે આ અને X પર એક પોસ્ટ લાંબી પોસ્ટ લખીને આ સમગ્ર ઘટનાની માહિતી આપતા લખ્યું કે, 'આજે મારે ભોપાલથી દિલ્હી આવવું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવું હતું, કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી મિશનની બેઠક અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી હતી. આથી મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI436માં સીટ બુક કરાવી. મને સીટ નંબર 8C ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર ખાબકેલી હતી. બેસવું તકલીફદાયક હતું.'

શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે, 'જ્યારે મેં એરલાઇન સ્ટાફને પૂછ્યું કે સીટ ખરાબ છે તો પછી તેને કેમ ફાળવવામાં આવી?' ત્યારે તેમણે કહ્યું કે, 'મેનેજમેન્ટને પહેલા જાણ કરવામાં આવી હતી કે આ સીટ સારી નથી અને તેની ટિકિટ વેચવી જોઈએ નહીં. પરંતુ આવી એક સીટ નહિ પરંતુ એકથી વધુ છે.'

મુસાફરોએ પૂર્વ સીએમને સીટ ઓફર કરી

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'મારા સાથી મુસાફરોએ મને મારી સીટ બદલીને વધુ સારી સીટ પર બેસવા માટે વિનંતી કરી હતી, પરંતુ હું મારા માટે બીજા કોઈ મિત્રને કેમ તકલીફ આપું, મેં નક્કી કર્યું કે હું મારી યાત્રા આ સીટ પર બેસીને પૂરી કરીશ.'

આ પણ વાંચો: ઇન્દિરા ગાંધીને 'દાદી' કહેવા મુદ્દે રાજસ્થાનમાં વિવાદ: કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભામાં વિતાવી રાત

એર ઇન્ડિયાની સેવામાં સુધારો થશે એ મારો ભ્રમ હતો 

કેન્દ્રીય કૃષિ મંત્રીએ એર ઇન્ડિયા વિષે વધુમાં કહ્યું કે, 'હું ધારતો હતો કે ટાટા મેનેજમેન્ટે સત્તા સંભાળ્યા પછી એર ઇન્ડિયાની સેવામાં સુધારો થયો હશે, પરંતુ તે મારો ભ્રમ સાબિત થયો. મને બેસવાની અસુવિધા અંગે ચિંતા નથી, પરંતુ મુસાફરો પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ્યા પછી તેમને ખરાબ અને પીડાદાયક સીટ પર બેસાડવું એ અનૈતિક છે. શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી? શું એર ઇન્ડિયા મેનેજમેન્ટ ભવિષ્યમાં કોઈ પેસેન્જરને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા પગલાં લેશે કે તે મુસાફરોની વહેલા પહોંચવાની મજબૂરીનો લાભ ઉઠાવવાનું ચાલુ રાખશે?

શિવરાજ સિંહે ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી, કહ્યું- એર ઇન્ડિયા હજુ સુધરી નથી 2 - image

Google NewsGoogle News