એર ઈન્ડિયા અને ઈન્ડિગોના નવા લગેજ નિયમો, જાણો આ ફેરફારોથી પ્રવાસીઓને શું ફાયદા થશે અને શું નુકસાન
Air India And Indigo’s New Baggage Policy: છેલ્લા થોડા વર્ષોમાં ભારતના લોકોમાં હવાઈ મુસાફરીનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. એર લાઈન્સની સંખ્યા પણ ભૂતકાળમાં હતી એના કરતાં વધારે થઈ ગઈ છે. 2025માં અમેરિકા અને યુરોપ સહિત દુનિયાભરની એરલાઈન્સ પ્રવાસીઓ માટે નવા નિયમો લાવી રહી છે, જેમાં ભારતની ‘એર ઈન્ડિયા’ અને ‘ઈન્ડિગો’ જેવી એરલાઈન્સનો પણ સમાવેશ થાય છે. ચાલો, આજે જાણીએ કે કેબિન બેગ અને ચેક્ડ બેગેજની વજન મર્યાદા બાબતે નવા નિયમોને લીધે મુસાફરોની સગવડો વધશે કે અગવડો?
નવા લગેજ નિયમો
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના નિયમોને અનુરૂપ ‘એર ઈન્ડિયા’ 2 મે, 2025 ના રોજથી કેબિન બેગેજની નવી નીતિઓ અમલમાં લાવશે.
કેબિન બેગ માટેનો નિયમ
એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સના મુસાફરોએ હવે નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશેઃ
- 55 સેમી x 40 સેમી x 20 સેમીના માપની એક કેબિન બેગ લઈ જઈ શકાશે.
વજન મર્યાદા:
- ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમીમાં મુસાફરી કરનાર માટે કેબિન બેગનું મહત્તમ વજન: 7 કિલો.
- બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ માટે વજન મર્યાદા: 10 કિલો.
- કેબિન બેગનું કદ કે વજન વધી જશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
પ્રી-બુકિંગ કરનાર માટે રાહત રૂપ છે આ નિયમ
એર ઈન્ડિયાની ટિકિટ 2 મે, 2024 પહેલા બુક કરાવનારને ઉપરોક્ત ફેરફારો લાગુ નહીં પડે. તેમના માટે નીચે મુજબની વજન મર્યાદા હશેઃ
- ઈકોનોમી ક્લાસ માટે વજન મર્યાદા: 8 કિલો.
- પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે વજન મર્યાદા: 10 કિલો.
- બિઝનેસ ક્લાસ માટે વજન મર્યાદા: 12 કિલો.
આ પણ વાંચોઃ દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે એમિરેટ્સની એરબસ A350 ફ્લાઈટ શરૂ થશે
આ કારણસર એર ઈન્ડિયાએ નિયમોમાં ફેરફાર કર્યા
ખોટ ખાતી એર ઈન્ડિયાને ડૂબતી બચાવવા માટે ટાટા ગ્રૂપે પોતાની પાંખમાં લઈ લીધી છે. તેથી વજન મર્યાદાના આ નવા બદલાવ ટાટા ગ્રૂપ દ્વારા લાગુ પાડવામાં આવ્યા છે. અગાઉ એર ઈન્ડિયામાં ચેક્ડ બેગેજનું વજન 20 કિલોથી ઘટાડીને 15 કિલો સુધી કરી દેવાયું હતું.
ઈન્ડિગોએ પણ બદલ્યા છે નિયમો
ભારતીયોએ ઓછી કિંમતમાં હવાઈ મુસાફરીની સવલત પૂરી પાડતી ઈન્ડિગો એરલાઈને પણ પોતાના નિયમોમાં BCAS ના નવા નિયમોને અનુરૂપ ફેરફાર કર્યા છે. એના નવા નિયમો પણ એર ઈન્ડિયાની જેમ 2 મે, 2025 ના રોજથી લાગુ પડશે.
- મુસાફરો મહત્તમ 55 સેમી x 40 સેમી x 20 સેમી માપની એક કેબિન બેગ લઈ જઈ શકશે.
વજન મર્યાદા:
- ઈકોનોમી ક્લાસ માટે વજન મર્યાદા: 7 કિલો.
- બિઝનેસ ક્લાસ માટે વજન મર્યાદા: 10 કિલો.
- કેબિન બેગનું કદ કે વજન વધી જશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
કડક નિયમોથી પડશે મુસાફરોને અસર
નવા નિયમોને લીધે મુસાફરોએ પેકિંગ કરતી વખતે બરાબર ધ્યાન રાખવું પડશે. અન્યથા વધારાના સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.
નિયમ બદલાવ માટે એરલાઈન્સે આવું કારણ આપ્યું
એર ઈન્ડિયા અને ઈન્ડિગો બંને એરલાઈન્સનું કહેવું છે કે કેબિન બેગેજ બાબતે કડક નિયમો લાગુ કરીને તેઓ મુસાફરોની હવાઈ-પ્રવાસની આદત અને અનુભવને સુધારવા માંગે છે. કડક નિયમોને લીધે ઘરથી જ નિયત માત્રામાં વજન લઈને ચાલનાર મુસાફરે એરપોર્ટ પર વધારાનું વજન દૂર કરવાની ઝંઝટ નહીં કરવી પડે અને તેનો સમય વ્યય નહીં થાય. ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં વજન મર્યાદા જાળવવાની આદત પડશે તો ભારતીયોને એનો લાભ આંતરરાષ્ટ્રીય મુસાફરી વખતે પણ કામ લાગશે. આ છેલ્લો મુદ્દો થોડો વાજબી કહી શકાય એવો ખરો. તમારું શું માનવું છે?