એરલાઇન્સને ફટકારાયો 30 લાખનો દંડ, મુંબઈ એરપોર્ટ પર વ્હિલ ચેરની ન મળતા 80 વર્ષીય વૃદ્ધનું થયું હતું મોત
નવી મુંબઇ, તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર
ગત 12 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ-૧૧૬માં ન્યુ યોર્કથી મુંબઇ આવેલાં ભારતીય મૂળના ૮૦ વર્ષના ઇકોનોમી ક્લાસના પ્રવાસીએ ફલાઇટમાં વ્હિલચેર પ્રિ બુક કરાવી હોવા છતાં તેને વિમાનમાંથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધીનું દોઢ કિલોમીટરનું અંતર ચાલીને કાપવાની ફરજ પડાવાને પગલે આ પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર જ હ્ય્દયરોગના હુમલાનો ભોગ બન્યા હતા જેને પરિણામે પત્નીની હાજરીમાં જ તેમનું મોત થયું હતું.
હવે આ ઘટનાને લઇને DGCA મોટી કાર્યવાહી હાથ ધરી છે. DGCA હવે એરઇન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો છે.
આ સિવાય નવી ગાઇડલાઇન પણ બહાર પાડવામા આવી છે જે મુજબ, DGCA એર ઇન્ડિયાની ઘટનાને લઇને બધી એર કંપનીઓને એ સુનિશ્વિચત કરવાનું કહ્યું છેકે, જે યાત્રીઓને પોતાની યાત્રા દરમિયાન વિમાનમાં ચઢવા કે ઉતરવા માટે સહાયતાની જરુર હોય તેવા યાત્રિઓને વ્હિલચેર આપવામાં આવે એટલે વ્હિલચેર પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ હોવી જોઇએ.
એર ઇન્ડિયાએ આપી હતી સ્પષ્ટતા
એર ઇન્ડિયાના પ્રવક્તાએ 16 ફેબ્રુઆરીએ આ મામલે નિવેદન બહાર પાડી સ્પષ્ટતા કરી હતી કે વ્હિલચેરની માગ ખૂબ હોવાથી અમે પ્રવાસીને વ્હિલચેર ઉપલબ્ધ થાય ત્યાં સુધી રાહ જોવા જણાવ્યું હતું પણ તેમણે તેમની પત્ની સાથે ચાલીને જવાનું પસંદ કર્યું હતું. વ્હિલચેરની અછત હોવાથી આ દંપતીની સહાય માટે એક જ વ્હિલચેર સાથે સહાયક આવ્યો હતો. જેને પગલે પત્નીએ વ્હિલચેરમાં બેસવાનું અને પતિએ તેની સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. પ્રવાસીએ દોઢ કિલોમીટર ચાલીને ઇમિગ્રેશન કાઉન્ટર સુધીનું અંતર કાપ્યુ હતું. એ પછી હૃદયરોગ નો હુમલો આવતાં 80 વર્ષના પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર જ ઢળી પડયો હતો. પ્રવાસીને મુંબઇ એરપોર્ટ મેડિકલ સુવિધા કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને ડોક્ટરની સલાહ અનુસાર તત્કાળ નાણાંવટી હોસ્પિટલમાં લઇજવામાં આવ્યો હતો પણ તમેને ત્યાં મૃત જાહાર કરાયા હતા.