'પ્લેસેસ ઑફ વર્શિપ એક્ટ લાગુ થાય', મસ્જિદો પર દાવાઓને લઈને AIMPLBએ સુપ્રીમ કોર્ટને સ્વતઃ સંજ્ઞાન લેવાની કરી માગ
દેશભરના અલગ-અલગ ભાગોમાં મસ્જિદ અને દરગાહો પર દાવાઓને લઈને ચાલી રહેલી કાયદાકીય લડાઈઓ પર જમીયત ઉલેમા-એ-હિન્દ બાદ હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સુપ્રીમ કોર્ટની દખલની માગ કરી છે. બોર્ડે નિવેદન જાહેર કરી ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને આગ્રહ કર્યો છે કે તેઓ આ પ્રકારના દાવાઓ પર નીચલી કોર્ટની સુનાવણી રોકવા સ્વતઃ સંજ્ઞાન લે.
બોર્ડે કહ્યું કે, 'સંસદ તરફથી પાસ થયેલા કાયદાને અસરકારક રીતે લાગુ કરવા કેન્દ્ર અને રાજ્યની જવાબદારી છે. એવું ન થવાના કારણે દેશભરમાં વિસ્ફોટક સ્થિતિ બની શકે છે, જેના માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર જવાબદાર હશે.'
AIMPLBએ નિવેદન જાહેર કરીને શું કહ્યું?
AIMPLBના પ્રવક્તા સૈયદ કાસિમ ઇલિયાસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'પર્સનલ લો બોર્ડ દેશભરમાં અલગ-અલગ કોર્ટમાં મસ્જિદો અને દરગાહો પર દાવો કરવા પર ચિંતા વ્યક્ત કરે છે. આ પ્રકારના દાવા કાયદો અને બંધારણની મજાક સમાન છે. પૂજા સ્થળ અધિનિયમ, 1991ને ધ્યાને રાખતા આ પ્રકારના દાવાઓનો કોઈ આધાર નથી બનતો કારણ કે સંસદ તરફથી પસાર થયેલા કાયદામાં સ્પષ્ટ કહેવાયું છે કે 15 ઓગસ્ટ 1947 સુધી કોઈ પણ પૂજા સ્થળની સ્થિતિ અપરિવર્તિત રહેશે અને તેને પડકાર નહીં આપી શકાય.'
આ પણ વાંચો: સંભલ હિંસા મામલે CM યોગી આકરા પાણીએ, ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે
અજમેર શરીફ દરગાહને લઈને કોર્ટે નોટિસ જાહેર કરી
અજમેર દરગાહમાં શિવ હોવાનો દાવો કરતા એક અરજી સ્થાનિક કોર્ટમાં દાખલ કરાઈ છે. કોર્ટ તેના પર સુનાવણી કરવા માટે રાજી થઈ ગયાછે. કોર્ટે અજમેર દરગાહ સમિતિ, અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.