'PMના હસ્તે રામમંદિરનું ઉદઘાટન ધર્મનિરપેક્ષતા અને ન્યાયની હત્યા..' AIMPLBના મૌલવીનું નિવેદન
એક નિવેદનમાં મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ સુપ્રીમકોર્ટના ચુકાદા પર સવાલો ઊઠાવ્યા
AIMPLB On Ram Mandir Pran Pratishtha: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) ના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાનીએ આગામી 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીના હસ્તે થવા સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે આ ન્યાય અને ધર્મનિરપેક્ષતાની હત્યા છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે એ વાતના કોઈ પુરાવા નથી કે ભગવાન રામનો જન્મ એ જ વિશેષ સ્થાને થયો હતો.
સુપ્રીમકોર્ટના ચુકાદા પર ઊઠાવ્યાં સવાલ
એક નિવેદનમાં મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ સુપ્રીમકોર્ટના ચુકાદા પર સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું AIMPLBના લેટર હેડ પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે અયોધ્યામાં જે થઈ રહ્યું છે તે ખરેખર ક્રૂરતા પર આધારિત છે કેમ કે સુપ્રીમકોર્ટે સ્વીકાર્યું હતું કે તેની નીચે કોઈ મંદિર નહોતું જેને તોડીને મસ્જિદ બનાવાઈ હોય અને એ વાતના પણ કોઈ પુરાવા નથી કે ભગવાન રામનો જન્મ એ વિશેષ સ્થળે થયો હતો. કોર્ટે કાયદાથી અલગ લઘુમતી સમુદાયના એક વર્ગની એવી આસ્થાના આધારે ચુકાદો આપ્યો હતો જેનો ઉલ્લેખ હિન્દુ ભાઈઓના પવિત્ર ગ્રંથમાં પણ નથી. આ નક્કી રીતે દેશના લોકતંત્ર પર એક મોટો હુમલો છે. આ ચુકાદાએ મુસ્લિમોને ઠેસ પહોંચાડી હતી.
રાજકીય ઉદ્દેશ્યથી પીએમ મોદીના હસ્તે ઉદઘાટન
મૌલાના રહેમાનીએ કહ્યું કે સુપ્રીમકોર્ટના ચુકાદાના આધારે એક મસ્જિદની જગ્યાએ રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જ્યાં સેંકડો વર્ષોથી નમાઝ પઢવામાં આવતી હતી. તેમાં સરકાર અને મંત્રીઓના ખાસ રસ અને વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદઘાટન ન્યાય અને ધર્મનિરપેક્ષતાની હત્યા છે. રાજકીય ઉદ્દેશ્યો માટે દેશભરમાં તેનો પ્રચાર લઘુમતીઓના ઘા પર મીઠું ભભરાવા સમાન છે. એટલા માટે AIMPLB સરકારના આ બિન ધર્મનિરપેક્ષ અને બિનલોકશાહી વલણની ટીકા કરે છે.
દીપ પ્રગટાવવા એ બિનઈસ્લામિક કાર્ય
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાં દીપ પ્રગટાવવાની અપીલ વિશે મૌલાના રહેમાનીએ કહ્યું કે જો હિન્દુ ભાઈ મંદિર નિર્માણની ખુશીમાં દીપ પ્રગટાવે કે પછી સુત્રોચ્ચાર કરે તો અમને વાંધો નથી પણ મુસ્લિમો માટે આ પ્રકારના કાર્યક્રમોમાં જોડાવું બિન ઈસ્લામિક કાર્ય છે.