શું એક પછી એક મસ્જિદોમાં સરવે માટે પૂર્વ CJI ચંદ્રચૂડ જવાબદાર? મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ભડક્યું
Former CJI D.Y Chandrachud: સંભલ અને અજમેર શરીફ પર નીચલી અદાલતોના નિર્ણય બાદથી હવે ઘણાં લોકો પૂર્વ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ પર આરોપ લગાવી રહ્યા છે. ચંદ્રચૂડ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, જ્ઞાનવાપી પર તેમના નિર્ણયથી દેશમાં ધાર્મિક સ્થળોના સર્વેક્ષણ અને અરજીઓ માટેના દરવાજા ખુલી ગયા છે. ઑલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ 2023માં ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા વારાણસીના જ્ઞાનવાપી પરિસરના સરવેની અનુમતિ આપતા નિર્ણયને ખોટો જણાવ્યો છે. સપા સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્ક અને મોહિબુલ્લાહ નદવીએ કહ્યું, 'ચંદ્રચૂડનો નિર્ણય ખોટો હતો. તેનાથી અન્ય સરવે અને અરજીઓનો રસ્તો ખુલી ગયો છે. સુપ્રીમ કોર્ટે તેના પર સંજ્ઞાન લેવું જોઈએ અને આવા સરવે રોકવા જોઈએ.'
પર્સનલ લૉ બોર્ડે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ નિર્ણય 'પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991'ની ભાવનાની વિરૂદ્ધ છે. બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે આ અધિનિયમને ટાંકીને કહ્યું હતું કે, 15 ઓગસ્ટ, 1947થી પૂજા સ્થળની સ્થિતિને બદલી ન શકાય. પરંતુ, જ્ઞાનવાપી મામલે કોર્ટે સરવેની અનુમતિ આપીને કોર્ટે પોતાની સ્થિતિ નરમ કરી દીધી.'
આ પણ વાંચોઃ '2012 સુધી સંભલની જામા મસ્જિદ હરિહર મંદિર જ હતું...', ભાજપના ધારાસભ્યનો ચોંકાવનારો દાવો
સરવેને લઈને વધતો વિવાદ
જ્ઞાનવાપી નિર્ણય બાદ મથુરાની શાહી ઈદગાહ, લખનૌની ટીલે વાલી મસ્જિદ અને હવે સંભલની જામા મસ્જિદ સાથે-સાથે અજમેર શરીફમાં મંદિર હોવાના દાવા પર અરજી દાખલ થઈ છે. પર્સનલ લૉ બોર્ડ અને વિપક્ષનું કહેવું છે કે, આ સર્વેક્ષણોથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું, '1991 ના કાયદાના અનુસાર પૂજા સ્થળની સ્થિતિ બદલી ન શકાય. એવામાં આ સરવેનો હેતુ શું છે?'
હિન્દુ પક્ષના વકીલે શું કહ્યું?
હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, 1991નો કાયદા ASI દ્વારા સંરક્ષિત સ્થળો પર લાગૂ નથી થતો. સંભલની સાઇટ ASI દ્વારા સંરક્ષિત છે. તેથી, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ અહીં લાગૂ નથી થતો. જૈને 1950ના પ્રાચીન સ્મારક અધિનિયમને ટાંકીને કહ્યું કે, જો કોઈ ધાર્મિક સ્થળ છે તો ASI તેની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે અને સંબંધિત સમુદાયને ત્યાં પૂજા કરવાની અનુમતિ આપશે.
આ પણ વાંચોઃ Fact Check | અજમેરની દરગાહમાં સ્વસ્તિકના નિશાનનો દાવો, જાણો એ તસવીરનું સત્ય
ચંદ્રચૂડનો નિર્ણય અને તેનો પ્રભાવ
3 ઓગસ્ટ, 2023 ના દિવસે સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની અનુમતિ આપી હતી. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે, 1991ના અધિનિયમની કલમ 3 પૂજા સ્થળની ધાર્મિક પ્રકૃતિની માહિતી મેળવવાની ના નથી પાડતી, જોકે કલમ 4 તેની સ્થિતિ બદલવા પર રોક લગાવે છે. તેમ છતાં અલાહાબાદ હાઈ કોર્ટે ડિસેમ્બર 2023માં મથુરાના શાહી ઈદગાહ પરિસરમાં સર્વેક્ષણની અનુમતિ આપી. આ પ્રકારે મધ્ય પ્રદેશની ભોજશાલામાં પણ સરવેને લઈને વિવાદ વધ્યો.
RSS પ્રમુખ મોહન ભાગવતના 2022 ના નિવેદનને ટાંકીને વિપક્ષે કહ્યું કે, દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદે કહ્યું, 'આ સર્વેક્ષણનો હેતુ ફક્ત સાંપ્રદાયિક તણાવ વધારવાનો છે.' હવે આ સરવે અને અરજી પર સુપ્રીમ કોર્ટની આગળની સુનાવણી પર લોકોની નજર ટકેલી છે.