ફડણવીસની બાબરી મસ્જિદની વાત બકવાસ, CAAથી મુસલમાનો-દલિતોને અન્યાય : ઓવૈસી
ફડણવીસના નિવેદન પર AIMIM નેતા ઓવૈસી ભડક્યા
ઓવૈસીએ CAA મામલે મોદી સરકાર પર પણ સાધ્યું નિશાન
Asaduddin Owaisi CAA Statement : ભાજપ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બાબરી મસ્જીદ (Babri Masjid) મામલે નિવેદન આપતા AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ભડક્યા છે. ફડણવીસે કહ્યું હતું કે, જ્યારે 6 ડિસેમ્બર-1992માં કાર સેવકોએ બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી, ત્યારે મેં ત્યાં હાજર રહી ગર્વ અને ખુશી અનુભવી હતી. ઓવૈસી કહ્યું કે, આવા નિવેદનોથી દેશમાં અરાજકતા ફેલાવાઈ રહી છે. બંધારણના પદ પર બેસી તમે બકવાસ કરી રહ્યા છો. આ ઉપરાંત એઆઈએમઆઈએમના નેતાએ CAA અંગે પણ ટિપ્પણી કરી છે.
‘તમારા હિંમત હોય તો કોર્ટમાં જઈને બોલવું હતું...’
ફડવીસના નિવેદન પર વળતો જવાબ આપી ઔવેસીએ કહ્યું કે, તમારા હિંમત હોય તો કોર્ટમાં જઈને બોલવું હતું કે, અમે બાબરી મસ્જિદ તોડી હતી. તમારો દ્રષ્ટિકોણ તમામ ધર્મ અને જ્ઞાતિ માટે એક હોવો જોઈએ. બંધારણના પદ પર બેસી એક ધર્મ સંપ્રદાય માટે આવી વાતો ન કરવી જોઈએ.
જ્યાં સુધી જીવું છું, ત્યાં સુધી 6 ડિસેમ્બરની વાત કરતો રહીશ
ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધી કહ્યું કે, તેમણે કહેવું જોઈએ કે, આ દેશ અંગે શું પૉલિસી છે ? તેમણે કહ્યું કે, જ્યાં સુધી જીવું છું, ત્યાં સુધી 6 ડિસેમ્બરની વાત કરતો રહીશ. મારી ગાડી પર હુમલો થયો હતો. શું હવે મને ગોળી મારી દેશે. 1955માં મથુરાના ઈદગાહ અંગે સમજુતી થઈ હતી. 6 ડિસેમ્બરે મસ્જિદને શહીદ કરાઈ હતી.
CAA અંગે ઓવૈસીએ શું કહ્યું ?
એઆઈએમઆઈએમના સાંસદે નાગરિકતા સુધારા કાયદો (CAA) અંગે કહ્યું કે, સીએએ બંધારણ વિરોધી છે. ધર્મના આધારે આ કાયદો બનાવાયો છે. સીએએને એનપીઆર-એનઆરસી સાથે વાંચવો અને સમજવો જોઈએ. તેમાં દેશમાં તમારી નાગરિકતા સાબિત કરવાની શરતો નક્કી કરાઈ છે. જો આવું થશે તો ખાસ કરીને મુસ્લિમો, દલિતો અને ભારતના કોઈપણ ધર્મ-જ્ઞાતિના ગરીબો સાથે અન્યાય થશે.