ગૂગલ સોફ્ટવેરના 25 ટકા કોડ એઆઈ લખે છે: પિચાઈ
- સોફ્ટવેર એન્જિનિયરોના ભાવિ અંગે ગૂગલના સીઈઓએ ખતરાની ઘંટડી વગાડી
નવી દિલ્હી : ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ કંપનીના ત્રીજા ક્વાર્ટરના અર્નિંગ કોલમાં જણાવ્યું હતું કે ગૂગલના ૨૫ ટકાથી વધારે નવા કોડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટ થાય છે અને તેની સમીક્ષા તેના વર્તમાન એન્જિનિયરો કરે છે.આના પગલે સોફ્ટવેર એન્જિનિયરો અને કોડર્સ માટે ખતરાની ઘંટી વાગી છે, આ કારણે કોડિંગ લેન્ડસ્કેપમાં મોટાપાયા પર ફેરફાર થયો છે.
કોડિંગના વર્કલોડમાં હવે એઆઇ તેની હિસ્સેદારી વધારી રહ્યુ હોવાથી તેના લીધે આ સેક્ટરમાં ઓછા માનવબળ કે માનવીય બુદ્ધિની જરૂર પડશે. જો કે આનો અર્થ તેવો ન કરી શકાય કે હાલના લોકો તેની નોકરી ગુમાવશે, પરંતુ એઆઇ એન્જિનિયરોને ઉચ્ચસ્તરીય પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. તેમનું કહેવું છે કે ઓટોમેશનથી કાર્યક્ષમતા વધી છે. જો કે તેની સાથે-સાથે એન્ટ્રી લેવલ અને દૈનિક કોડિંગ જોબની ભાવિ જરૂરિયાતોને લઈને પણ સંશય ઊભો થયો છે. આમ એઆઇ ડ્રિવન લેન્ડસ્કેપમાં એન્જિનિયરોએ તેમના કૌશલ્યને વધુને વધુ ધારદાર રાખવું પડશે. આનો અર્થ એમ થાય કે કોડરો અને સોફ્ટવેર એન્જિનિયરોએ ઓવરસીઇંગ, રિફાઇનિંગ અને ગાઇડિંગ એઆઇ-જનરેટેડ કોડમાં પૂરક કૌશલ્યો વિકસાવવા પડશે.
પિચાઈએ જણાવ્યું હતું કે કંપનીનું ધ્યેય છે કે એન્જિનીયરો વધારે ઝડપથી કામ કરવા સમર્થ બને અને તેની સાથે-સાથે ડેવલપમેન્ટ ટાઇમલાઇનમાં ઘટાડો કરી શકે. આ એઆઇ આધારિત કોડિંગ આસિસ્ટન્સ ગૂગલની અંદર જ કામગીરીની સુગમ કરવાના વ્યાપક ટ્રેન્ડનો હિસ્સો છે. આ માટે કંપનીએ તાજેતરમાં તેના રિસર્ચ, મશીન લર્નિંગ અને સિક્યોરિટી ટીમ્સને પ્લેટફોર્મ્સ અને ડિવાઇસીસ ટીમ સાથે જોડયા હતા, જેથી જેમિની જેવા નવા મોડેલ્સ વધારે ઝડપથી અમલમાં લાવી શકાય.
ગૂગલ એઆઇનો ઉપયોગ આંતરિક પ્રક્રિયાઓ માટે અને યુઝર્સ માટેની પ્રોડક્ટ્સ માટે કરી રહ્યુ છે, જેથી તે ટેક ઇનોવેશનના આગામી મોજાની આગેવાની લઈ શકે. આ ફેરફારનું ધ્યેય તે જોવાનું છે કે સોફ્ટવેર વિકસાવવાની પદ્ધતિમાં કેવો ફેરફાર લાવી શકાય છે અને નવા એઆઈ ફીચર્સ સાથે ગૂગલ પ્રોડક્ટ્સની કાર્યક્ષમતામાં કેટલો સુધારો કરી શકાય છે.