Get The App

'એઆઈથી દુનિયામાં બેરોજગારી સર્જાશે' ચેટજીપીટીના સર્જક ભારતની મુલાકાતે

Updated: Jun 9th, 2023


Google NewsGoogle News
'એઆઈથી દુનિયામાં બેરોજગારી સર્જાશે' ચેટજીપીટીના સર્જક ભારતની મુલાકાતે 1 - image


- ઓપન એઆઈના સીઈઓ સેમ એલ્ટમેન આઈઆઈટી દિલ્હીના મહેમાન

- હું ચેટજીપીટીના જવાબ પર ભરોસો નથી કરતો, એના કરતાં દુનિયાના કોઈ પણ માણસે આપેલા ઉત્તરમાં વધારે વિશ્વાસ છે: સેમ એલ્ટમેન

નવી દિલ્હી :  ચેટજીપીટી બનાવનારી ટેકનોલોજી કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેન ભારતની મુલાકાતે આવ્યા છે. એ દરમિયાન બહુ જ સૂચક નિવેદન આપતા સેમ અલ્ટમેને કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોજગારી સર્જશે. ચેટજીપીટીની વિશ્વસનીયતાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું: હું ચેટજીપીટીના જવાબો પર ખાસ ભરોસો કરતો નથી, એના કરતાં માણસોએ આપેલા જવાબો વધારે ભરોસેમંદ હોય છે.

ચેટજીપીટી સર્જનારી કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેન ભારતની મુલાકાતે આવ્યા છે. આઈઆઈટી દિલ્હીના મહેમાન બનેલા સેમ ભારતયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે એવી પણ શક્યતા છે. આઈઆઈટી દિલ્હીની ઈવેન્ટમાં હાજર રહેલા આ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભવિષ્ય બાબતે કહ્યું હતું: ''એઆઈ ટેકનોલોજી દુનિયામાં મોટું પરિવર્તન લાવશે. એનાથી બેરોજગારી પણ સર્જાશે. છતાં આ ટેકનોલોજી ભવિષ્યમાં નવી રોજગારી સર્જશે. ભારત અત્યારે એઆઈ ટેકનોલોજીનું કેન્દ્ર બન્યું છે. ચેટજીપીટી સર્જક કંપની ઓપન એઆઈ ભારતમાં એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારે છે. ભારતને એઆઈ સાથે વિકસતું જોઈને બહુ આનંદ થાય છે.'

ચેટજીપીટીના સંદર્ભમાં ચાલતી નેગેટિવ ચર્ચા બાબતે પણ તેમણે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું: 'ચેટજીપીટીની શક્તિ નિયંત્રિત કરવાની જરૂર છે. હું ચેટજીપીટીના જવાબમાં આંધળો ભરોસો કરતો નથી. એના કરતાં દુનિયાના કોઈ પણ ખુણેથી કોઈ માણસે આપેલા જવાબ પર મને વધારે ભરોસો છે.'

બેરોજગારી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને જોડીને દુનિયાભરમાં ભયનો માહોલ સર્જાયો છે. એ સંદર્ભમાં સેમ અલ્ટમેને કહ્યું હતું કે ટેકનોલોજીનું દરેક રિવોલ્યુશન નવી રોજગારી સર્જે છે. રોજગારીનું સ્વરૂપ બદલાઈ જાય છે. ટેકનોલોજી સદંતર બેરોજગારી સર્જે છે એવું નથી હોતું, પરંતુ અત્યારે એઆઈથી બેરોજગારી સર્જાઈ રહી છે એ વાત માનવા જેવી છે. આગામી સમયમાં અસંખ્ય લોકો આ ક્ષેત્રથી રોજગારી મેળવતા હશે. માન્યું કે કેટલીય નોકરીઓ એઆઈના કારણે ખતમ થઈ જશે, પરંતુ નવી, વધુ સારી નોકરીઓ આ ક્ષેત્રથી સર્જાશે. 

ચેટજીપીટીને રેગ્યુલેટ કરવાની તરફેણ કરતા આ ટેકનોક્રેટે કહ્યું હતું કે આ અંગે અમે સરકારોને સહકાર આપીશું. ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેન ભારત ઉપરાંત ઈઝરાયલ, જોર્ડન, કતાર, યુએઈ, દક્ષિણ કોરિયા જેવા દેશોની મુલાકાત કરીને ચેટજીપીટીના સંદર્ભમાં સરકારી અધિકારીઓ અને નેતાઓ સાથે ચર્ચા કરશે.


Google NewsGoogle News