એઆઈ સ્ટાર્ટઅપની સીઈઓ સૂચના સેઠે ગોવામાં ચાર વર્ષના પુત્રની હત્યા કરી
- 'કળિયુગી માતા'નો પુત્ર છૂટાછેડા બાદ પૂર્વ પતિને મળે તે ગમતું નહોતું
- હાર્વર્ડ રિટર્ન સૂચના સેઠે પુત્ર વિના મોટી બેગ સાથે ચેકઆઉટ કરતા હોટેલના સ્ટાફની સમયસૂચક્તાથી હત્યાનો ઘટસ્ફોટ થયો
- ગળું દબાવી પુત્રની હત્યા બાદ સૂચનાએ કાંડાની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પણજી : કર્ણાટકમાં દેશની ટોચની એઆઈ સ્ટાર્ટઅપ કંપની માઈન્ડફુલ એઆઈ લેબની ૩૯ વર્ષની સીઈઓ સૂચના સેઠની ગોવામાં ચાર વર્ષના પુત્રની હત્યા કરવા બદલ કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ થતાં દેશભરમાં ચકચાર મચી ગઈ છે. ગોવા પોલીસે હાર્વર્ડ રિટર્ન અને અત્યંત બુદ્ધિશાળી ઉદ્યોગપતિ સુચના સેઠની સોમવારે તેની સુટકેસમાં પુત્રના મૃતદેહ સાથે એક ટેક્સીમાં બેંગ્લુરુ જતી વખતે ધરપકડ કરી હતી. તેને મંગળવારે ટ્રાન્ઝિટ રીમાન્ડ પર ગોવા લાવીને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાઈ છે.
ગોવાની કલંગુટ પોલીસનું માનવું છે કે ચાર વર્ષના પુત્રની હત્યા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી. જોકે, એઆઈ સ્ટાર્ટઅપ માઈન્ડફુલ એઆઈ લેબની સ્થાપક સીઈઓ ૩૯ વર્ષીય સૂચના સેઠે ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં ચાલતી હોેટેલમાં રૂમ ભાડે લીધો હતો.
સૂચના સેઠ ૬ જાન્યુઆરીએ તેના પુત્ર સાથે ગોવા આવી હતી. ત્યાર પછી બે દિવસ માટે રોકાઈ હતી. તેણે સોમવારે હોટેલમાંથી ચેક-આઉટ કર્યું હતું. આ સમયે તેનો પુત્ર તેની સાથે નહોતો. આથી હોટેલ સ્ટાફે પુત્ર અંગે પૂછપરછ કરતાં સૂચનાએ કહ્યું કે તેને તેમે મિત્રના ઘરે મોકલી દીધો છે. ચેકઆઉટ કરતી વખતે તેણે બેંગ્લુરુ જવા ભાડાની ટેક્સી બોલાવવા હોટેલ સ્ટાફને કહ્યું હતું. હોટેલના કર્મચારીએ સૂચનાને ફ્લાઈટમાં બેંગ્લુરુ જવા ભલામણ કરી હતી. તેણે કહ્યું ટેક્સીમાં બેંગ્લુરુ જવું મોંઘું પડશે અને ફ્લાઈટમાં વહેલા પહોંચી શકાશે. જોકે, સૂચનાએ ટેક્સીમાં જ જવા પર ભાર મૂકતા તેના માટે ટેક્સી બોલાવાઈ હતી. આ સમયે તે એક મોટી સૂટકેસ લઈને રવાના થઈ હતી.
દરમિયાન હોટેલનો સ્ટાફ સાફ-સફાઈ માટે તેના રૂમમાં પહોંચતા ત્યાં લોહીના ડાઘ દેખાતા પોલીસ બોલાવાઈ હતી. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી ટેક્સી ડ્રાઈવરનો ફોન નંબર મેળવી તેને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવાયું હતું, જ્યાં સૂચના સેઠની તપાસ કરાતા તેની સૂટકેસમાંથી ચાર વર્ષના પુત્રનો મૃતદેહ નીકળ્યો હતો. ત્યાર પછી ગોવાની કલંગુટ પોલીસે ચિત્રદુર્ગ પહોંચી ટ્રાન્ઝિટ રીમાન્ડ પર સૂચના સેઠની કસ્ટડી મેળવી હતી.
કલંગુટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પરેશ નાયકે જણાવ્યું હતું કે, ચિત્રદુર્ગમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. સૂચના સામે કેસ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સૂચનાને મંગળવારે મપુસામાં કોર્ટ સમક્ષ હાજર કરી છ દિવસની પોલીસ કસ્ટડી મેળવાઈ છે. સૂચનાએ પુત્રની હત્યા કેમ કરી તેનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
સૂચનાએ પોલીસને જણાવ્યું કે, તે અને તેનો પતિ અલગ રહે છે. બંનેના છૂટાછેડાનો કેસ ચાલે છે. તેનો પતિ દર રવિવારે પુત્રને મળતો હતો, જે તેને ગમતું નહોતું. આથી તેણે પુત્રની હત્યા કરી નાંખી. પોલીસે કહ્યું કે, મૂળ પશ્ચિમ બંગાળની સૂચના સેઠ બેંગ્લુરુમાં રહે છે અને તેનો પતિ વેંકટ કેરળનો છે. જોકે, વેંકટ હાલ જકાર્તામાં છે. તેના પતિને ઘટનાની જાણ કરાઈ છે.
સૂચનાએ ફિશ ટેન્ક સાથે પુત્રનો ફોટો પોસ્ટ કરી સવાલ કર્યો હતો 'વોટ વીલ હેપન'
બેંગ્લુરુ સ્થિત એઆઈ સ્ટાર્ટઅપ માઈન્ડફુલ એઆઈ લેબની સ્થાપક સૂચના સેઠે પુત્રની હત્યાના ત્રણ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે ફિશ ટેંક સાથે પુત્રની તસવીર પણ પોસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું હેશટેગ વોટવીલ હેપન. સૂચના સેઠની સોમવારે ધરપકડ કરાયા પછી આ પોસ્ટ વાયરલ થઈ છે. સૂચના સેઠ ચાર વર્ષથી માઈન્ડફુલ એઆઈ લેબની સીઈઓ છે. તેની કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રોગ્રેસ પર કામ કરતી હતી અને અમેરિકા સહિત દુનિયાની ટોચની કંપનીઓને એઆઈ અંગે સલાહ આપે છે. તેણે બે વર્ષ સુધી બર્કમેન ક્લેન સેન્ટરમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેણે મશીન લર્નિંગ પર પણ કામ કર્યું છે. તેણે ડેટા સાયન્સ ગૂ્રપમાં વરિષ્ઠ વિશ્લેષણ સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. સૂચના સેઠ શૈક્ષણિક અભ્યાસમાં હંમેશા ફર્સ્ટ ડિવિઝનમાં રહી હતી. આ સાથે તેણે અનેક ડિગ્રીઓ પણ મેળવી છે.