બેંગ્લુરુમાં પત્નીના અત્યાચારથી કંટાળી એઆઈ એન્જિનિયરની આત્મહત્યા
- સુભાષની 40 પેજની સ્યુસાઇડ નોટ, દોઢ કલાકનો વિડીયો
- ચુકાદો આવે નહીં ત્યાં સુધી અસ્થિ વિસર્જન ન કરો અને ન્યાય ન મળે તો મારા અસ્થિ કોર્ટની બહાર ગટરમાં વહાવી દો
નવી દિલ્હી : ૩૪ વર્ષના અતુલ સુભાષ બેંગ્લુરુમાં એઆઈ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આત્મહત્યા પહેલા તેમણે ૪૦ પેજની સ્યુસાઇડ નોટ લખી છે. તેમા તેમણે પત્ની અને તેના સાસરિયા પર પજવણીના આરોપ લગાવ્યા છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે પત્નીએ સેટલમેન્ટ માટે ત્રણ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આ રકમ બાળકને મહિને ભરણપોષણના ૪૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા તેનાથી અલગ રકમ હતી. પત્ની પોતે પાછી એક્સ્ચેન્ચરમાં કામ કરે છે. તેણે પ્રતિ માસે બે લાખ રૂપિયાની માંગ કરી હતી. આ બાબત ઉપરાંત સતત કોર્ટના ધક્કા, ૧૨૦ તારીખ ભ્રષ્ટાચારી જજ, ત્રસ્ત પત્નીથી કંટાળેલા સુભાષે આત્મહત્યા કરી લીધી.
ઉત્તરપ્રદેશના રહેવાસી અતુલ સુભાષે સોમવારે તેના ફ્લેટમાં ફાંસી લગાવી લીધી. તે બેંગ્લુરુ શહેરની પ્રાઇવેટ ફર્મમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડીજીએમના હોદ્દા પર કામ કરતા હતા. આત્મહત્યા કરતાં પહેલા અતુલે ૪૦ પેજનું સ્યુસાઇડ નોટ લખી હતી. અતુલ સુભાષે તેમા ન્યાયની માંગ કરી છે. તેણે પોતાના વિડીયો મેસેજમાં એક્સના માલિક મસ્ક અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટેગ કર્યા છે.
અતુલ સુભાષ પત્નીથી લાંબા સમયથી જુદો રહેતો હતો.તેના લગ્ન જોનપુરની નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી બધું બરોબર રહ્યુ. પછી નિકિતા અચાનક બેંગ્લુરથી જોનપુર પરત આવી. નિકિતાએ અતુલ સામે યુપીમાં ઘરેલું હિંસા, હત્યાનો પ્રયત્ન, અકુદરતી સમાગમ અને ૪૯૮એ હેઠળ કેસ નોંધાવ્યો હતો. તેના લીધે તેનું તનાવનું સ્તર વધી ગયું હતું. સોમવારે સવારે છ વાગે પોલીસને ફોન આવ્યો કે મંજૂનાથ વિસ્તારમાં કોઈએ આત્મહત્યા કરી છે. પોલીસ દરવાજો તોડીને અંદર ઘૂસી ત્યારે અતુલ લટકતો મળી આવ્યો હતો.
પોલીસને રૂમની તલાશમાં ઓફિસનું આઇ કાર્ડ મળ્યું. ઓફિસમાંથી તેના યુપીના ઘરનું કાયમી સરનામું મળ્યું. પોલીસે સૂચના આપતા તેનો ભાઈ વિકાસ બેંગ્લુરુ પહોંચ્યો. અતુલના ભાઈ વિકાસે જણાવ્યું હતું કે તેના લગ્ન ૨૦૧૯માં થયા હતા. તેની પત્ની અને તેના આખા કુટુંબે તેને ઘણા જૂઠા કેસમાં ફસાવ્યો હતો. તેના પગલે અતુલ પરેશાન રહેતો હતો, આ પરેશાનીનો કાયમી નીવેડો લાવવા તેણે આત્મહત્યા કરી લીધી.
પોલીસને અતુલ સુભાષના રૂમમાંથી ઘણા દસ્તાવેજ મળ્યા છે. અતુલે ફાંસી લગાવતા પહેલા દોઢ કલાકનો વિડીયો પણ બનાવ્યો હતો. તેણે ગૂગલ ડ્રાઇવ પર પુરાવા છોડયા હતા. પત્નીની ફોટો અને બાકી ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કર્યા હતા. તેણે ફાંસી લગાવતા પહેલા પોતાની સ્યુસાઇડ નોટનો ઇ-મેઇલ કેટલાય મિત્રો અને કુટુંબીઓને મોકલ્યો હતો.
સ્યુસાઇડ નોટની એક નકલ તેણે એનજીઓના વોટ્સએપ ગુ્રપમાં મોકલી હતી. અતુલ આ એનજીઓ સાથે જોડાયેલો હતો. તેણે પોતાના વિડીયો સંદેશામાં લખ્યું હતું કે સર, આ સંદેશો હું ગુડબાય બોલવા માટે છે. બની શકે તો મારા કુટુંબને મદદ કરજો. અત્યાર સુધી સમર્થન આપવા બદલ ધન્યવાદ. તેમા તેણે તેનો વિડીયો અને સ્યુસાઇડ નોટની લિંક પણ મોકલી હતી.
અતુલ સુભાષે જણાવ્યું હતું કે તેને કોર્ટમાંથી અત્યાર સુધીમાં ૧૨૦ તારીખ મળી છે, પણ છૂટાછેડા મળ્યા નથી. અતુલ પોતે બેંગ્લુરુથી જોનપુર ૪૦ વખત જઈ ચૂક્યા હતા. તેમના માબાપ અને ભાઈને પણ કોર્ટના ચક્કર કાપવા પડયા હોત. તે આ સિસ્ટમથી થાકી ચૂક્યા હતા. અતુલે લખ્યું હતું કે નિકિતા સિંઘાનિયાએ છ કેસ લોઅર કોર્ટમાં અને ત્રણ કેસ હાઇકોર્ટમાં નાખ્યા છે. નિકિતાએ તેના માબાપ, ભાઈ પર હત્યા, હત્યાનો પ્રયત્ન, અનનેચરલ સેક્સ, ઘરેલું હિંસા અને દહેજના ખોટા આરોપ લગાવ્યા, આમાના કેટલાક આરોપોની જોગવાઈ એવી છે કે તેમા જામીન મળવા પણ અઘરા છે. પત્નીએ એક કેસમાં આરોપ લગાવ્યો કે અમારી પાસે દસ લાખ રૂપિયાનું દહેજ માંગતા પિતા હાર્ટએટેકથી મરી ગયા. જ્યારે ઉલટતપાસમાં સાબિત થયું હતું કે તેના પિતાને દસ વર્ષથી હાર્ટની બીમારી હતી અને તેથી તે મર્યા હતા. તેમની માંદગીના લીધે લગ્ન ઉતાવળે થયા.
અતુલે જોનપુરની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજને ભ્રષ્ટ ગણાવ્યો હતો. તેની કોર્ટમાં તારીખ માટે અરજદારે લાંચ લેવી પડે છે.અતુલે આરોપ લગાવ્યો હતો કે કોર્ટમાં જજે તેના પર ત્રણ કરોડનું મેઇન્ટેનન્સ આપવા દબાણ કર્યુ હતું. તેની સાથે ડિસેમ્બર ૨૦૨૪માં કેસ સેટલ કરવા પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. તેણે જ્યારે તેને જણાવ્યું હતું કે તેની પત્ની તેને આત્મહત્યા માટે ઉશ્કેરી રહી છે, ત્યારે જજ હસવા માંડી હતી. ૨૦૨૨માં તેણે લાંચ પેટે ત્રણ લાખ માંગ્યા હતા. લાંચ ન આપતા મેઇન્ટેનન્સ અને એલી મની ઓર્ડર જારી કર્યો.