Get The App

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા, પૂછપરછ શરૂ કરાઈ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા, પૂછપરછ શરૂ કરાઈ 1 - image


Ahmedabad Airport : ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અમદાવાદમાં IPLની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગત વર્ષ પોલીસે પોરબંદરથી ISIS માટે કામ કરનારા કેટલાક શંકાસ્પદોને પકડ્યા હતા. ત્યારે ISના ઇન્ડિયા મોડ્યૂલનો ભાંડાફોડ થયો હતો.

ચેન્નઈથી પહોંચ્યા અમદાવાદ

ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને શ્રીલંકાથી મોકલાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદથી ટાર્ગેટેડ લોકેશન પર પહોંચતા પહેલા જ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી લીધી. 

એ પણ સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ પાકિસ્તાનના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકવાદીઓ સુધી હથિયાર પણ અલગથી પહોંચાડવાના હતા. ATSએ એનક્રિપ્ટેડ ચેટ્સ આ આતંકવાદીઓના ફોનથી મેળવી છે. ગુજરાતમાં ISISના ચાર આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. જોકે, ત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ તપાસમાં મળી આવી ન હતી, પરંતુ આ આતંકવાદીઓના અમદાવાદ સુધી પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.


Google NewsGoogle News