ખેડૂત આંદોલન વચ્ચે સંસદમાં કૃષિ મંત્રીની મોટી જાહેરાત, MSP પર ખરીદવામાં આવશે પાક
Farmer Protest: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે (6 ડિસેમ્બર) રાજ્યસભામાં કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર ખરીદશે. રાજ્ય સભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રશ્નકાળ દરમિયાન ખેડૂતોના એમએસપી મુદ્દે પૂરક પ્રશ્નનો જવાબ આપતા આ આશ્વાસન આપ્યું હતું.
તમામ પેદાશને એમએસપી મૂલ્ય પર ખરીદવામાં આવશેઃ કૃષિ મંત્રી
મંત્રીએ આ આશ્વાસન એ દિવસે આપ્યું, જ્યારે ખેડૂતો પોતાની માગને લઈને દિલ્હી સુધી પગપાળા માર્ચ કરી રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં જણાવ્યું કે, હું ગૃહના માધ્યમથી ખેડૂતોને આશ્વસ્ત કરવા ઈચ્છુ છું કે, ખેડૂતોની તમામ પેદાશને એમએસપી મૂલ્ય પર ખરીદવામાં આવશે. આ મોદી સરકાર છે અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી છે.
વિપક્ષ પર કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારે અમારા મિત્ર સત્તામાં હતાં ત્યારે તેઓએ રેકોર્ડ પર કહ્યું હતું કે, એમ.એસ સ્વામીનાથન આયોગની ભલામણનો સ્વીકાર નહીં કરી શકીએ. ખાસ કરીને ખેત પેદાશની કિંમતથી 50 ટકા વધુ આપવાની વાત. મારી પાસે રેકોર્ડ છે. ચૌહાણે પોતાના દાવાના સમર્થનમાં પૂર્વ કૃષિ રાજ્ય મંત્રી કાંતિલાલ ભૂરિયા, કૃષિ મંત્રી શરદ પવાર અને કે. વી થોમસનો ઉલ્લેખ કર્યો હતો.
શિવરાજ ચૌહાણની ટિપ્પણી બાદ, રાજ્ય સભાના ચેરમેન જગદીપ ધનખડે તેમને પોતાના દાવાસની પુષ્ટિ કરવા માટે દસ્તાવેજ ગૃહના ટેબલ પર રજૂ કરવા કહ્યું. ચૌહાણ તેના પર સંમત થયાં અને દાવો કર્યો કે, અગાઉની યુપીએ સરકારે ક્યારેય ખેડૂતોનું સન્માન નથી કર્યું અને ક્યારેય ખેડૂતોની લાભકારી કિંમતોની માગ પર ગંભીરતાથી વિચાર નથી કર્યો.
આ પણ વાંચોઃ ભાજપના અનેક નિર્ણયોથી નીતિશની પાર્ટી નારાજ, રાજધર્મની યાદ અપાવી, બિહારમાં ફરી થશે 'ખેલ'?
50 ટકા લાભ મળી રહ્યો છેઃ કૃષિ મંત્રી
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, તમારા માધ્યમથી હું ગૃહને આશ્વત કરવા ઈચ્છુ છુ કે, 2019થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 50 ટકા લાભ આપીને લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. ડાંગર, ઘઉં, જુવાર, સોયાબીનને ત્રણ વર્ષ પહેલા ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકા વધુ ભાવે ખરીદવામાં આવે છે. આ સિવાય શિવરાજ સિંહે ચૌહાણે નિકાસ ડ્યુટી અને માલના ભાવ ઘટે ત્યારે બદલાતી કિંમતોમાં હસ્તક્ષેપનો પણ ઉલ્લેખ કર્યો હતો.