ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુશિયારા નદીના પાણીની વહેંચણી સહિત 7 કરાર પર હસ્તાક્ષર
નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર 2022 મંગળવાર
પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની અધ્યક્ષતામાં આજે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થઈ અને આ દરમિયાન બંને પક્ષો તરફથી અમુક મહત્વના વિષયો પર કરાર કરવામાં આવ્યા.
આ અવસરે પીએમ મોદીએ કહ્યુ કે આજે બાંગ્લાદેશ ભારતનુ સૌથી મોટુ વિકાસ ભાગીદાર અને આપણો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. આજે આપણે આતંકવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ સહયોગ પર પણ જોર આપ્યુ. વડાપ્રધાન શેખ હસીનાજીની યાત્રા આપણા આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન થઈ રહી છે અને મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃતકાળમાં ભારત-બાંગ્લાદેશ મિત્રતા નવી ઊંચાઈઓ સ્પર્શશે.
કુશિયારા નદીના પાણીની વહેંચણી અંગેનો કરાર
IT, અંતરિક્ષ અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો, જે આપણી યુવા પેઢીઓ માટે રસ રાખે છે. અમે જળવાયુ પરિવર્તન અને સુંદરવન જેવી ભાગીદારીની ધરોહરને સંરક્ષિત રાખવા પર પણ સહયોગ જાળવી રાખીશુ.
આજે અમે કુશિયારા નદીના પાણીની વહેંચણી પર મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આવી 54 નદીઓ છે જે ભારત-બાંગ્લાદેશ સરહદેથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી રહી છે. આ નદીઓ તેમના વિશેની લોક-વાર્તાઓ, લોકગીત, આપણા સાંસ્કૃતિક વારસાની સાક્ષી રહી છે.
ભારત-બાંગ્લાદેશએ રેલ્વે કનેક્ટિવિટી અને આઇટી ટેક્નોલોજી, કુશિયારા નદીના પાણીની વહેંચણી, ન્યાયિક સેવાઓમાં ક્ષમતા નિર્માણ સહકાર, વૈજ્ઞાનિક અને સંશોધન સહયોગ, અવકાશ તકનીકમાં સહકાર અને પ્રસાર ભારતી અને બાંગ્લાદેશ ટેલિવિઝન વચ્ચે સહકાર પર સાત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.