જાણો તાજ મહેલના વિવાદિત 22 રૂમ અંગે શું માન્યતા છે?
- ઈસવી 1600માં આવેલા તમામ પર્યટકોએ પોતાના યાત્રા વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે
લખનૌ, તા. 09 મે 2022, સોમવાર
ફારસી, ભારતીય અને ઈસ્લામી વાસ્તુકલાની અનોખી શૈલીથી બનેલો તાજ મહેલ પ્રેમનો પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે, મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં યમુના કિનારે સફેદ સંગેમરમર વડે તેની રચના કરાવી હતી. 1666માં શાહજહાં તો મરી ગયો પરંતુ તાજ મહેલ અંગેના વિવાદો આજે પણ જીવંત છે.
એવું કહેવામાં આવે છે કે, તાજ મહેલ હકીકતે તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રભારીએ તાજેતરમાં આ અંગે એક અરજી દાખલ કરી છે.
માનસિંહનો મહેલ હોવાનો તર્ક
અરજીકર્તાએ એવી માગણી કરી છે કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મંજૂરી આપવામાં આવે જેથી તેઓ તાજ મહેલની અંદરના 22 રૂમ ખોલે. તેનાથી ખબર પડશે કે, ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખ સંતાડેલા છે કે નહીં? અરજીકર્તા રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનો તર્ક છે કે, ઈસવી 1600માં આવેલા તમામ પર્યટકોએ પોતાના યાત્રા વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે.
વકીલ રૂદ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, તાજ મહેલ 1653માં બન્યો હતો. 1651નો ઔરંગઝેબનો એક પત્ર સામે આવ્યો તેમાં લખેલું છે કે, અમ્મીના મકબરાનું સમારકામ કરાવવાની જરૂર છે. આવા તમામ તથ્યોના આધાર પરથી હવે એ જાણવું જરૂરી બની ગયું છે કે, તાજ મહેલના આ બંધ પડેલા 22 રૂમોમાં શું છે?
થોડા સમય પહેલા અયોધ્યામાં તપસ્વી છાવણીના પીઠાધીશ્વર આચાર્ય પરમહંસને અયોધ્યાથી આગ્રા પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેના પહેલા કેટલાક હિંદુ દળના કાર્યકરોએ તાજ મહેલની અંદર હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું તે અંગે વિવાદ જાગ્યો હતો.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ
ઈતિહાસકાર પીએન ઓકના પુસ્તક 'ટ્રુ સ્ટોરી ઓફ તાજ'થી તાજ મહેલ અંગેના વિવાદની શરૂઆત થઈ હતી. તે પુસ્તકમાં તાજ મહેલ શિવ મંદિર હોવા સંબંધી અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. કેટલાક ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તાજ મહેલના મુખ્ય મકબરા અને ચમેલી ફર્શ નીચે 22 રૂમ બનેલા છે જેને બંધ કરી દેવામાં આવ્યા છે.
ઈતિહાસકારોના માનવા પ્રમાણે ચમેલી ફર્શ પર યમુના કિનારા તરફ બેઝમેન્ટમાં નીચે જવાની બે જગ્યાએ સીડીઓ બનેલી છે. તેના ઉપર લોખંડની જાળી લગાવીને તેને બંધ કરી દેવામાં આવી છે. આશરે 45 વર્ષ પહેલા સુધી સીડીઓ દ્વારા નીચે જવા માટેનો રસ્તો ખુલ્લો હતો. તે 22 રૂમને ખોલવા માટે જ અરજી દાખલ કરવામાં આવી છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ-કાશી વિશ્વનાથ મંદિર વિવાદ વચ્ચે આગ્રાનો તાજ મહેલ પણ ચર્ચામાં છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં તાજ મહેલ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજ મહેલના 22 રૂમ ખોલવામાં આવે જેથી ખબર પડે કે તેના અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ કે શિલાલેખ છે કે નહીં?
વધુ વાંચોઃ વિવાદની તપાસ કરવા અરજી