તાજમહેલમાં શાહજહાંના ઉર્સની ઉજવણી વચ્ચે વિરોધમાં હિન્દુ મહાસભાએ શિવ ચાલીસાનો કર્યો પાઠ
- મુગલ બાદશાહ શાહજહાંનો મંગળવારથી 369મો ઉર્સ તાજમહેલમાં ઉજવવામાં આવી રહ્યો છે
Image Source: Twitter
આગ્રા, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર
ઉત્તર પ્રદેશના આગ્રામાં ઐતિહાસિક સ્મારક તાજમહેલમાં શરૂ થયેલા શાહજહાં ઉર્સનો અખિલ ભારતીય હિંદુ મહાસભાએ વિરોધ કર્યો છે. હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ તાજમહેલની પાર્શ્વમાં જઈને જળાભિષેક કર્યો હતો અને આ સાથે જ શિવ ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે, જ્યારે તાજમહેલમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે તો પછી અહીં કોની મંજૂરીથી શાહજહાંના ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે?
કોર્ટે ઉર્સ કમિટીને નોટિસ પાઠવી છે
આ મુદ્દે હિન્દુ મહાસભાએ આગ્રા કોર્ટમાં શાહજહાંનો ઉર્સ રોકવા માટે કેસ પણ દાખલ કરી રાખ્યો છે. તેની સુનાવણી 4 માર્ચના રોજ થવાની છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના જિલ્લા અધ્યક્ષ સૌરભ શર્માએ કહ્યું- ઉર્સનો અમે સતત વિરોધ કરતા આવીએ છીએ. અમે પૂર્વમાં પુરાતત્વ વિભાગને મેમોરેન્ડમ આપી ચૂક્યા છીએ. વહીવટી તંત્રને પણ અનેક વખત વિનંતી કરી છે. સુનાવણી ન થવાને કારણે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે ઉર્સ કમિટીને પણ નોટિસ પાઠવી છે. નોટિસ છતાં પણ ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જો ઉર્સનો કાર્યક્રમ કરવામાં આવશે તો અમે પણ ભગવાન રામના વંશજ છીએ અને શિવ તાંડવ કરીશું.
શાહજહાંનો ઉર્સ, વિરોધમાં હિન્દુ પક્ષ
મુગલ બાદશાહ શાહજહાંનો મંગળવારથી 369મો ઉર્સ તાજમહેલમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસીય ઉર્સમાં વિવિધ ધાર્મિક વિધિઓ અદા કરવામાં આવે છે. ઉર્સમાં ગુસ્લ, સંદિલ અને ચાદરપોશીની વિધિઓ થાય છે. આ ઉપરાંત કવ્વાલી અને મુશાયરા પણ થાય છે. વર્ષમાં માત્ર એક જ શાહજહાં અને મુમતાઝની ભૂતળની અસલી કબરો સુધી જવા માટે દરવાજા ખોલવામાં આવે છે. ત્રણ દિવસ સુધી સામાન્ય પ્રવાસીઓ પણ અસલી કબરો જોઈ શકે છે. 6 અને 7 ફેબ્રુઆરીના રોજ તાજમહેલમાં 2:00 વાગ્યા બાદથી તમામ માટે પ્રવેશ ફ્રી રહેશે. ઉર્સના અંતિમ દિવસે એટલે કે, 8 તારીખે આખો દિવસ પ્રવેશ ફ્રી માં કરી શકાશે. ગત મંગળવારે પ્રથમ દિવસે ગુસ્લની વિધિ સાથે શાહજહાં ઉર્સની શરૂઆત થઈ તો હિન્દુ સંગઠનોના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. લગભગ અડધો ડઝન લોકો તાજમહેલના પાર્શ્વમાં મહેતાબ બાગ પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ભગવાન શિવના ચિત્રની સામે જળાભિષેક કર્યો હતો અને શિવ ચાલીસાનો પાઠ કર્યો હતો.