'હવે મોત સિવાય મારી સામે કોઈ વિકલ્પ નથી..' ગર્લફ્રેન્ડના ટોર્ચરથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું
Self-Destruction In Uttar Pradesh: આગ્રામાં થોડા સમય પહેલા આપધાત કરનાર યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો હતો. યુવકે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને આપઘાત માટે તેની ગર્લફ્રેન્ડ અને તેના સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા હતા. યુવકે આરોપ લગાવ્યો હતો કે, 'મારી ગર્લફ્રેન્ડ અને તેના સંબંધીઓએ લગ્નના નામે મારી પાસેથી સાત લાખ રૂપિયા વસૂલ્યા હતા. બાદમાં મને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.'
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, આગ્રામાં રહેતા 26 વર્ષીય જીતેન્દ્ર સિંહનો મૃતદેહ 16મી ફેબ્રુઆરીના રોજ તેના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. તેના પિતા રાજેન્દ્ર સિંહે પોલીસને જણાવ્યું હતું કે, 'મારા પુત્રની આત્મહત્યાનું કારણ જાણી શકાયું ન હોવાથી, પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. 18મી ફેબ્રુઆરીના રોજ, તેમને એક પરિચિત વ્યક્તિ પાસેથી માહિતી મળી કે જીતેન્દ્રનો વીડિયો, સુસાઇડ નોટ અને તેની ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો ફેસબુક પર ફરતો થઈ રહ્યો છે.'
આઠ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જીતેન્દ્ર કહી રહ્યો હતો કે, 'હું આઠ વર્ષથી નીરુના પ્રેમમાં હતો. તે મારા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. હું લગ્ન માટે તૈયાર હતો. બાદમાં પ્રેમિકાએ તેના સંબંધીઓને કહ્યું કે તેઓ લગ્નની વિરુદ્ધ છે અને તેની પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા. મે સાત લાખ રૂપિયા આપ્યા. બાદમાં, પ્રેમિકાએ તેના ભાઈઓના પ્રભાવનું કારણ આપીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. જ્યારે મે પૈસા પાછા માંગ્યા ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું.'
પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યાનુસાર, જીતેન્દ્રના પિતા રાજેન્દ્રની ફરિયાદના આધારે, એતમાદપુર નિવાસી નીરુ, તેના ભાઈઓ મનોજ, સૌરભના પિતા કમલ સિંહ અને માતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.