અગ્નિવીરો માટે ખુશખબર, આવકવેરા વિભાગે ફોર્મ બદલ્યું, જવાનોને થશે મોટો ફાયદો
image Twitter |
Agniveer Salary : આવકવેરા વિભાગે ITR ફોર્મ-1માં મહત્ત્વના ફેરફારો કર્યા છે, જેની સીધો લાભ અગ્નિવીરોને મળશે. ફોર્મમાં એક નવો વિભાગ સેક્શન CCH સામેલ કરવામાં આવ્યો છે, જે દ્વારા અગ્નિવીર તેના સર્વિસ નિધિ કોષ પર કર કપાતનો લાભ લઈ શકે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, આ કલમ અગ્નિપથ યોજનામાં નોંધણી કરાવનાર અને 1 નવેમ્બર, 2022ના રોજ અથવા તે પછી અગ્નિવીર ફંડમાં રકમ જમા કરાવનાર વ્યક્તિઓને કર કપાતનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફેરફારને સમાવવા માટે ITR ફોર્મ 1 અપડેટ કરવામાં આવ્યું છે, જેથી કરીને કરદાતાને કલમ 80CCH હેઠળ કપાત માટે પાત્ર રકમ વિશે વિવરણ પુરુ પાડવાની મંજૂરી મળી શકે.
બંને ટેક્સ સિસ્ટમમાં લાભ મળશે
કલમ 80CCH હેઠળ કપાતને નવી અને જૂની બંને કર વ્યવસ્થાઓમાં મંજૂરી આપવામાં આવશે. આ પરવાનગી કલમ 115BAC હેઠળ હશે. નાણાકીય વર્ષ 2023-24 અને તે પછીના નાણાકીય વર્ષો માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે કલમ 80CCH હેઠળ કર કપાતનો લાભ લઈ શકે છે.
સેવા નિધિ કોષ પર કોઈ ટેક્સ નહીં
ચાર વર્ષની સેવા પૂરી થવા પર અગ્નિવીરને સ્કીમમાં જમા કરવામાં આવેલી રકમ લગભગ 10.04 લાખ રૂપિયા અને વ્યાજ મળશે. આવકવેરા અધિનિયમની કલમ 10માં નવી કલમ ઉમેરીને કોર્પસ ફંડમાંથી મળતી રકમને આવકવેરામાંથી રાહત આપવામાં આવી હતી. તેનો હેતુ એ છે, કે અગ્નિવીર યોજના-2022 હેઠળ નોંધાયેલ વ્યક્તિ અથવા તેના નોમિનીને અગ્નિવીર સેવા નિધિ ફંડમાંથી મળેલી રકમ પર આવકવેરામાં છૂટ મળશે. આ અગ્નિવીર સેવા નિધિ ફંડને મુક્તિ-મુક્તિ-મુક્તિ (EEE) દરજ્જો મળી જાય છે.
શું છે અગ્નિવીર કોર્પસ ફંડ ?
ઉલ્લેખનીય છે કે, 14 જૂન, 2022ના રોજ સેનાની ત્રણેય શાખાઓ આર્મી, નેવી અને એરફોર્સની મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત યુવાનોએ ચાર વર્ષ સુધી સેવા આપવાની હોય છે. અગ્નિવીરને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે, અગ્નિવીર કોર્પસ ફંડ બનાવવામાં આવ્યું છે, અને તેનું સંચાલન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આમાં અગ્નિવીરો તેમની માસિક આવકની 30 ટકા રકમ આ ફંડમાં જમા કરાવવી ફરજિયાત છે.
પાકતી મુદતે વ્યાજ સહિત આ રકમ અંદાજીત રુ. 10.04 લાખ
કેન્દ્ર સરકાર પણ સમાન રકમનું યોગદાન આપે છે. વ્યાજ સહિત પાકતી મુદતે આ રકમ અંદાજે રુપિયા 10.04 લાખ થઈ જાય છે. આમાં, સરકારના યોગદાનને અગ્નિવીરોની આવક માનવામાં આવે છે, જેના પર ટેક્સ ચૂકવવો પડે છે. શરૂઆતમાં અગ્નિવીર કોર્પસ ફંડમાં યોગદાન પર કર મુક્તિ આપવાનો પ્રસ્તાવ હતો. આ સિવાય સેવાના છેલ્લા વર્ષમાં મળતા નાણાકીય પેકેજમાં ટેક્સમાં છૂટ આપવાનો પણ પ્રસ્તાવ હતો. પરંતુ તે પછી તેમાં રાહત આપવામાં આવી હતી.