અગ્નિ-૫નું સફળ પરીક્ષણઃ સમગ્ર ચીન હવે ભારતની રેન્જમાં
અગ્નિ મિસાઈલની પાંચ હજાર કિલોમીટરની મારક ક્ષમતા
આધુનિક ટેકનોલોજીથી સજ્જ અગ્નિ મિસાઇલ એક સાથે અનેક ટાર્ગેટ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે
નવી દિલ્હીઃ ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતા બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પાંચનું સફળ પરીક્ષણ કર્યુ. આ મિસાઇલની રેન્જ પાંચ હજાર કિલોમીટર માનવામાં આવે છે. તેને એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવ્યું. ભારતે બુધવારે સાંજે સાત અને 50 વાગે અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ. જો કે ભારતે જણાવ્યું હતું કે તેની નીતિ હંમેશા પહેલો હુમલો નહી કરવાની રહેવાની છે. પણ ભારત પોતાની તાકાત વધારવા માટે પૂરેપૂરુ જોર લગાવી રહ્યું છે. આમ અગ્નિ-પાંચની એન્ટ્રીથી ભારતની તાકાત અનેકગણી વધી ગઈ છે. ચીનથી લઈને પાકિસ્તાન તેનાથી બેચેન બની ગયા છે.
અગ્નિ મિસાઈલની તાકાત વિશેષ એટલા માટે છે કેમકે તેના એન્જિન પર ખાસ્સુ કામ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અગ્નિ પાંચના એન્જિનને ત્રણ તબક્કાવાળા ઘન બળતણથી બનાવવામાં આવ્યું છે. આના લીધે બીજી મિસાઇલોની તુલનાએ તેની ક્ષમતા અને ચોકસાઈ વધારે રહેવાની છે.
અગ્નિ-૫ આંતરમહાદ્વીપિય બેલિસ્ટિક મિસાઇલનું વજન 50 હજાર કિલોગ્રામ છે. તે 17.5 મીટર લાંબી છે. તેનો વ્યાસ બે મીટર એટલે કે 6.8 ફૂટ છે. તેના પર 1,500 કિલોગ્રામ વજનનો પરમાણુ બોમ્બ લગાવી શકાય છે. આ મિસાઇલમાં ત્રણ સ્ટેજના રોકેટ બુસ્ટર છે અને તે ઘન બળતણથી ઉડે છે. તેની ઝડપ અવાજ કરતાં 24 ગણી વધારે છે. એટલે કે તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. આમ તે દસ જ મિનિટમાં લગભગ પાંચ હજાર કિ.મી.નો પ્રવાસ ખેડીને લક્ષ્યાંક પર ત્રાટકે છે.
આ ઉપરાંત અગ્નિ પાંચમાં એમઆઇઆરવી ટેકનિક પણ ખાસ છે. તેના લીધે તેના પર એક જ જગ્યાએ ઘણા શસ્ત્રો લગાવી શકાય છે. આમ તેના લીધે આ મિસાઇલ એક જ વખતમાં એકસાથે ઘણા લક્ષ્યાંકોને ધ્વસ્ત કરી શકે છે. આ મિસાઈ સમગ્ર એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સાને પણ આવરી લે છે.
આ મિસાઇલનું પરીક્ષણ પહેલા 2020માં થવાનું હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાના લીધે તે શક્ય બન્યું ન હતું. મિસાઇલનું પરીક્ષણ મલ્ટિપલ ઇન્ડેપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ દ્વારા પણ કરવામાં આવશે તેવા સમાચાર છે.
આ પહેલા ડીઆરડીઓએ જૂનમાં અગ્નિ પ્રાઇમનું પરીક્ષણ કર્યુ હતું. અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ એક હજાર કિ.મી.થી બે હજાર કિ.મી.ની છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલને ચાર હજાર કિ.મી.ની રેન્જવાળી અગ્નિ-ચાર અને પાંચ હજાર કિ.મી.ની રેન્જવાળા અગ્નિ-પાંચ મિસાઇલમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવાયું છે.