ચીન-પાકિસ્તાન ભારતની મિસાઈલોથી નહીં, MIRV ટેક્નોલોજીથી ફફડે છે, જે ‘પ્રલય’ સર્જવા સક્ષમ છે
અગ્નિ-5 મિસાઈલમાં MIRV ટેક્નોલોજી 50 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી
Agni-5 Missile: ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પહેલીવાર MIRV ટેક્નોલોજીથી સજ્જ પરમાણુ મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. MIRV ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ભારતની આ સિંગલ મિસાઈલ એક સાથે અનેક પરમાણુ બોમ્બ લઈ જઈ શકે છે અને અનેક શહેરોને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કારણથી વિશ્લેષકો અગ્નિ-5 મિસાઈલને 'સિટી કિલર' મિસાઈલ કહી રહ્યા છે. આ મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ પાંચ હજાર કિલોમીટરથી વધુ છે અને તે ચીનના મોટાભાગના વિસ્તારોમાં પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે. આ સફળ પરીક્ષણ સાથે, ભારત વિશ્વના એવા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ MIRV ટેક્નોલોજીથી સજ્જ મિસાઈલો ધરાવે છે. MIRV ટેક્નોલોજીના આ પરીક્ષણથી એ પણ ખબર પડે છે કે ભારત હવે નાના પરમાણુ બોમ્બ બનાવવામાં સફળ થઈ ગયું છે.
ભારતીય મિસાઈલ ચીન અને પાકિસ્તાનમાં પ્રલય લાવી શકે
ભારતના આ નાના એટમ બોમ્બ ચીન અને પાકિસ્તાનમાં પ્રલય લાવી શકે છે અને તેના કારણે ભારતના બંને દુશ્મનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મિસાઈલ અગ્નિ-5 દુશ્મનની બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ છેતરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી એક જ મિસાઈલની અંદર નાના પરમાણુ હથિયારોને ફિટ કરવાની ક્ષમતા આપે છે. આ સંખ્યા 4, 5, 6 પણ હોઈ શકે છે. સાથે એક જ મિસાઈલથી ચીનના અનેક શહેરો અથવા અન્ય કોઈ દુશ્મનને એક સાથે નિશાન બનાવી શકે છે.
અગ્નિ-5 મિસાઈલ અને MIRV ટેકનોલોજી શું છે?
અગ્નિ-5 ભારતની લાંબા ગાળાની સુરક્ષા જરૂરિયાતો માટે મહત્ત્વપૂર્ણ છે. અગ્નિ-5 મિસાઈલની રેન્જ પાંચ હજાર કિલોમીટર છે. તે પાંચ હજાર કિલોમીટર દૂરના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. અગ્નિ-5ની રેન્જ લગભગ સમગ્ર એશિયા, ચીનના છેલ્લા ઉત્તરીય વિસ્તારો અને યુરોપના કેટલાક ભાગોને આવરી લેશે. અગાઉ અગ્નિ-1થી અગ્નિ-4 મિસાઇલોની રેન્જ માત્ર 700 થી 3500 કિલોમીટરની હતી. અગ્નિ-5 સેન્સરથી સજ્જ છે, જેના કારણે તે કોઈપણ ચૂક વિના તેના લક્ષ્ય સુધી પહોંચે છે. ભારત પાસે 1990થી અગ્નિ મિસાઈલ છે. સમય સાથે તેના નવા અને વધુ આધુનિક સ્વરૂપો ઉભરી રહ્યા છે. અગ્નિ-5 મિસાઈલમાં MIRV ટેક્નોલોજી 50 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ ટેક્નોલોજી માત્ર થોડા જ દેશો પાસે છે.
અમેરિકાએ સૌપ્રથમ MIRV ટેક્નોલોજી વિકસાવી
અહેવાલ અનુસાર,, MIRVથી સજ્જ મિસાઈલ એક જ લક્ષ્ય અથવા એક સાથે અનેક લક્ષ્યોને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઈલો સામાન્ય રીતે એક જ હથિયાર વહન કરે છે. આ સફળ પરીક્ષણથી ભારતનો પરમાણુ વિકલ્પ વધ્યો છે. આની મદદથી હવે દુશ્મનને સરળતાથી ઘૂંટણિયે લાવી શકાશે. MIRV ટેક્નોલોજી નવી નથી, તે સૌપ્રથમ 1960ના દાયકામાં અમેરિકા દ્વારા વિકસાવવામાં આવી હતી. MIRVથી સજ્જ મિસાઈલને સૌપ્રથમ 1970ના દાયકામાં તહેનાત કરવામાં આવી હતી. અમેરિકા પછી સોવિયત સંઘે આ ટેક્નોલોજીમાં નિપુણતા મેળવી અને તેનો ઉપયોગ કર્યો હતો.
મિસાઈલમાં કેટલા પરમાણુ હથિયાર ફીટ કરી શકાય?
MIRV ટેક્નોલોજી સાથેની એક સમસ્યા એ છે કે તેના માટે પરમાણુ હથિયારો નાના હોવા જરૂરી છે જેથી મોટી સંખ્યામાં એક મિસાઈલની અંદર ફીટ કરી શકાય. આ સિવાય દરેક હથિયારમાં નેવિગેશન સિસ્ટમ લગાવવી પડે છે. MIRV ટેક્નોલોજીમાં બાદમાં ફ્રાન્સ, બ્રિટન અને ચીને પણ નિપુણતા મેળવી. મિસાઈલમાં કેટલા પરમાણુ હથિયાર ફીટ કરી શકાય છે તે તેની ડિઝાઈન, વજન, કદ, રેન્જ અને અન્ય પરિમાણો પર આધાર રાખે છે. ડીઆરડીઓના પૂર્વ વડા વીકે સારસ્વતના જણાવ્યા અનુસાર, 'ભારતની આ અગ્નિ મિસાઈલમાં 3થી 4 પરમાણુ બોમ્બ ફીટ કરી શકાય છે. કેટલીક અન્ય મિસાઈલો છે જે 15 જેટલા બોમ્બ ફીટ કરી શકાય છે.'