આંદોલનકારી ખેડૂતો-પોલીસ આમને સામને : અનેક ઘાયલ
- ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના શેલનો મારો, પથ્થરમારામાં પોલીસ પણ ઘાયલ
- શંભુ બોર્ડર પર સિમેન્ટ-કોંક્રિટના બેરિકેડ્સને ટ્રેક્ટરથી ઉખેડી ખેડૂતો આગળ વધ્યા, આજે રાજધાનીને ઘેરવાની તૈયારી : અનેક લોહીલુહાણ ખેડૂતો-પોલીસકર્મીઓને અંબાલાની હોસ્પિટલમાં ખસેડાયા
નવી દિલ્હી : ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. ખેડૂતો પર રબર બૂલેટ પણ ચલાવાઇ હોવાના અહેવાલો છે. લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ વિફરેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ખેડૂતો અને પોલીસ બન્ને સામસામે આવી જતા અનેક ઘાયલ થયા હતા. ખાસ કરીને હરિયાણાની શમ્ભૂ બોર્ડર પર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે અગાઉથી તૈનાત કરેલા સિમેન્ટ-કોંક્રિટના બ્લોકને ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી હટાવી લીધા હતા અને તેઓ દિલ્હી તરફ આગળ વધી ગયા હતા.
પંજાબથી દિલ્હી તરફ જઇ રહેલા ખેડૂતોને રોકવા માટે હરિયાણાની શમ્ભૂ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત હતો, અંબાલામાં પોલીસ અને ખેડૂતો બન્ને સામસામે આવી ગયા હતા. આંસુ ગેસના શેલ અને રબર બૂલેટનો મારો કરાતા વિફરેલા કેટલાક ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જેને પગલે આ ઘર્ષણમાં અનેક ખેડૂતો ઉપરાંત સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા છે. ખુબ જ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા જેમને રોકવા માટે પોલીસે હાઇવે પર પણ બેરિકેડ્સ લગાવી દીધા હોવાથી દિલ્હીની આસપાસ ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ હતી. ખાસ કરીને ગાઝીપુર સરહદ પાસે દિલ્હી-મેરઠ હાઇવે પર વાહનોની અનેક કિમી લાંબી લાઇનો લાગી હતી.
શમ્ભૂ બોર્ડર પર અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી, આંદોલનની આગેવાની લઇ રહેલા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ પોલીસ કાર્યવાહી બદલ કેન્દ્રની ટિકા કરી હતી, સાથે કહ્યું હતું કે આશરે ૧૦૦થી વધુ ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા છે. આંદોલનમાં સામેલ કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના સચીવ સરવણસિંહ પંઢેરે કહ્યું હતું કે ખેડૂતો પર થયેલા અત્યાચારને ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ ધલ્લેવાલે કહ્યું હતું કે અમે જે માગણીઓ કરી રહ્યા છીએ તે નવી નથી, ખુદ કેન્દ્ર સરકારે જ ટેકાના ભાવ માટે કાયદો ઘડવા કમિટીની રચના કરી છે, અમે માત્ર સરકારનું તે તરફ ધ્યાન દોરી રહ્યા છીએ. અમારી માગણીઓ વર્ષોથી પડકર છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દિલ્હીમાં આંદોલન કરવા જઇ રહેલા ખેડૂતોની તમામ માગણીઓ યોગ્ય છે અને અમે તેમની સાથે છીએ. હરિયાણામાં ખેડૂતોને રોકવા માટે અર્ધ સૈન્ય દળની ૬૪ કંપનીઓ અને રાજ્યનો પીલોસની ૫૦ કંપનીઓ પણ તૈનાત કરાઇ હતી, જેથી પોલીસ અને અર્ધ સૈન્ય દળના જવાનો પણ પથ્થરમારામાં ઘાયલ થયા હતા. ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે અમને નથી લાગી રહ્યું કે સરકાર અમારી માગણીઓેને લઇને ગંભીર છે, બે વર્ષ પહેલા કમિટી બનાવી હતી જેનો કોઇ નિકાલ નથી આવ્યો. ખેડૂતોના આંદોલનનું લાઇવ કવરેજ કરી રહેલા કેટલાક પત્રકારો પણ ઘાયલ થયા હતા. હાલ ખેડૂતો હરિયાણાને પાર કરીને દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. જેને પગલે બુધવારે દિલ્હીની સરહદોએ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણના એંધાણ છે. કેમ કે દિલ્હી સરહદોએ પણ હરિયાણાની જેમ સિમેન્ટ-કોંક્રિટ અને લોખંડના ખીલા ધરબી દેવાયા છે.