Get The App

ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો ઈડીના રડારમાં

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો ઈડીના રડારમાં 1 - image


- અમેરિકામાં ગેરકાયદે રહેતા 4,200 ભારતીયો પર નજર

- ગુજરાતમાં 1,700 સહિત ભારતમાં 3,500 એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનો ઈડીનો દાવો

- એજન્ટોએ ગેરકાયદે વસાહતીઓને અમેરિકામાં ઘૂસાડવા માટે કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓની જાળ પાથરી : ઈડી

- ઈડીએ એક વર્ષમાં ૩૫ દરોડા પાડી રૂ. 92 લાખની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી : અમેરિકાએ ૧૦૪ ગેરકાયદે ભારતીય વસાહતીઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે ભારત તગેડી મૂક્યા છે અને આ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. ઈડીએ કહ્યું કે, તે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા ૪,૨૦૦ ભારતીયોની તપાસ કરી રહી છે અને ૮,૫૦૦ નાણાકીય વ્યવહારો પર તેની ચાંપતી નજર હોવાનું કહ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડાની સરહદે ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોના મોતના પગલે ૨૦૨૩માં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં કરાયેલા ૮,૫૦૦થી વધુ નાણાકીય વ્યવ્હારો શંકાસ્પદ હોવાનું જણાયું છે. 

ગુજરાત અને પંજાબ સ્થિત એજન્ટો વિરુદ્ધ ચાલી રહેલી તપાસ હેઠળ ઈડીને ભારતીયોને કેનેડા મોકલવા અને ત્યાંથી અમેરિકા લઈ જવા સંબંધિત ૪,૦૦૦થી વધુ શંકાસ્પદ લેવડ-દેવડ મળી છે. આ એજન્ટ્સ નિયમિતરૂપે અલગ અલગ માર્ગથી લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલે છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, વિદેશમાં ભંડોળ મોકલતી કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર તેની ચાંપતી નજર છે. ઈડીએ એક વર્ષમાં ૩૫ દરોડા પાડયા હતા અને રૂ. ૯૨ લાખની સંપત્તિ જપ્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦૪ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકતા આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે. 

ઈડીની તપાસમાં જણાયું છે કે અનેક એજન્ટોએ અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે રીતે ઘૂસાડવા માટે શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. તેના હેઠળ અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને કેનેડાની કોલેજોમાં પ્રવેશ અપાવાય છે. આ પ્રવેશના આધારે તેમને કેનેડાના વિઝા મળે છે અને તેઓ ભારતથી કેનેડા પહોંચી જાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ ક્યારેય કોલેજ જતા નથી અને કેનેડામાં એજન્ટો દ્વારા જમીન માર્ગે અમેરિકા પહોંચે છે.

તપાસ એજન્સીએ કહ્યું કે, તેની તપાસમાં જણાયું છે કે ગુજરાતમાં અંદાજે ૧,૭૦૦ એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે ૩,૫૦૦ એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે, જેમાંથી ૮૦૦ એક્ટિવ છે. આ સિવાય કેનેડામાં ૧૧૨ કોલેજોએ એક કંપની અને અન્ય કંપની સાથે ૧૫૦થી વધુ કોલેજો સાથે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કરાર કર્યા છે. જેમને પાછળથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે.

ઈડીની તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે તપાસ દરમિયાન જણાયું કે, કેનેડા સ્થિત કોલેજોને ફીની ચૂકવણી એબિક્સકેશના માધ્યમથી કરાતી હતી, જે નાણાકીય સર્વિસ કંપની છે અને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડે છે. એબિક્સકેશની પૂછપરછ કરતા જણાયું કે, ૭ ડિસેમ્બર ૨૦૨૧થી ૯ ઑગસ્ટ ૨૦૨૪ સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં ૮,૫૦૦માંથી લગભગ ૪,૩૦૦ની ડુપ્લિકેટ લેવડદેવડ થઈ હતી, જે દર્શાવે છે કે એક જ વ્યક્તિ સાથે બે વખત લેવડ-દેવડ થઈ હતી. ઈડીને શંકા છે કે આ એક જ મોડસ ઓપરેન્ડીથી ૩૭૦ લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.


Google NewsGoogle News