મણિપુરમાં ઉગ્રવાદીઓના સ્થળે મસ્કની સ્ટારલિંકના ડિવાઇસ મળતા એજન્સીઓ એલર્ટ
- આતંકીઓ ઇલોન મસ્કના ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાની શંકા
- દાવો જુઠો, ભારત પર સ્ટારલિંક સેટેલાઇટ બીમ્સ બંધ અવસ્થામાં છે : અહેવાલો બાદ ઇલોન મસ્કનો બચાવ
ઇમ્ફાલ : પૂર્વોત્તર ભારતમાં ભારતીય સૈન્ય અને આસામ રાઇફલ્સે ઘુસણખોરોના કેટલાક સ્થળે દરોડા પાડયા હતા, આ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોમાં ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની સ્ટારલિંક ઇન્ટરનેટ ડિવાઇસ મળી છે. ખાસ કરીને હિંસાગ્રસ્ત મણિપુરમાંથી આ ડિવાઇસ મળી છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય તેમજ પોલીસ દળ એલર્ટ થઇ ગયા છે.
સ્ટારલિંક ડિવાઇસિસને સૈન્ય અને આસામ રાઇફલ્સના જવાનોએ મણિપુરના હિંસાગ્રસ્ત ચૂડાચંદ્રપુર, ચંદેલ, ઇમ્ફાલ અને કાંગપોક્પી શહેરોથી જપ્ત કર્યા હતા. સામાન્ય રીતે જ્યારે પણ આવા દરોડા દરમિયાન જપ્તી થાય છે ત્યારે હથિયારો, ગ્રેનેડ વગેરે જેવા હુમલામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળે છે પરંતુ પ્રથમ વખત વાતચીત માટે ઉપયોગમાં લેવાતુ ઇલોન મસ્કની કંપનીનું ઇન્ટરનેટ ડિવાઇસ મળી આવ્યું છે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે ઘુસણખોરો કે ઉગ્રવાદીઓ અથવા આતંકવાદીઓ પાસે આ ડિવાઇસ પહોંચ્યું કઇ રીતે.
સમગ્ર મામલે ભારે વિવાદ વચ્ચે ઇલોન મસ્કે પણ સ્પષ્ટતા કરી હતી. તેણે ટ્વીટર પર એક યૂઝરના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે આ દાવા જુઠા છે, ભારત ઉપર સ્ટારલિંક સેટેલાઇટ બીમ્સ બંધ અવસ્થામાં છે. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન જે પણ હથિયારો અને સામગ્રી જપ્ત કરવામાં આવ્યા છે તેમાં એક ઇન્ટરનેટ એન્ટેના, એક ઇન્ટરનેટ સેટેલાઇટ રાઉટર અને ૨૦ મિટર એફટીપી કેબલ મળી આવ્યા છે. જે પણ ડિવાઇસ જપ્ત કરાયા છે તેના પર સ્ટારલિંકનો લોગો કે અન્ય લખાણ પણ જોવા મળ્યું હતું. ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પુરી પાડે છે. જોકે તેને ભારતમાં સંચાલિત કરવાનું કોઇ લાઇસેંસ નથી મળ્યું. એવી શંકા છે કે ઉગ્રવાદીઓ સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરી રહ્યા છે. જેને પગલે હાલ એજન્સીઓ આ ડિવાઇસ મળ્યા બાદ એલર્ટ થઇ ગઇ છે.