વીવો ઈન્ડિયા સામેના રૂ. 62,476 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચારની ધરપકડ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વીવો ઈન્ડિયા સામેના રૂ. 62,476 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચારની ધરપકડ 1 - image


- ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની સામે ઈડીની કાર્યવાહી

- ગયા વર્ષે જુલાઈમાં રૂ.૭૩ લાખની રોકડ, બે કિલો સોના સહિત રૂ. ૪૬૫ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હતી 

- કંપનીએ ભારતમાં ટેક્સચૂકવણી ટાળવા રૂ. ૧.૨૫ લાખ કરોડના ટર્નઓવરનો ૫૦ ટકા હિસ્સો ચીન મોકલ્યો ઃ ઈડી

નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન મોબાઈલ કંપની વીવો ઈન્ડિયા પ્રા. લિ. વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં ચીનના એક નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં લાવા ઈન્ટરનેશનલના એમડીનો પણ સમાવેશ થાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, વીવો મોબાઈલ્સ પર ગયા વર્ષે જુલાઈમાં પાડવામાં આવેલા દરોડાના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં એક ચીનના નાગરિક ગુઆંગવેન ક્યાંગ ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ, લાવા ઈન્ટરનેશનલના એમડી હરિ ઓમ રાય અને રાજન મલિક તથા નિતિન ગર્ગ નામના ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા વર્ષે જુલાઈમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ વીવો કંપની અને તેના સહયોગીઓ પર દરોડા પાડયા હતા. તપાસ એજન્સીએ તે સમયે દાવો કર્યો હતો કે તેમણે ચીનના નાગરિકો અને અનેક ભારતીય કંપનીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ ઓપરેશનનો ઘટસ્ફોટ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ઈડીએ આરોપ મૂક્યો હતો કે વીવો ઈન્ડિયાએ કથિત રીતે ભારતમાં ટેક્સ ચૂકવણીથી બચવા માટે ગેરકાયદે રીતે રૂ. ૬૨,૪૭૬ કરોડની રકમ ચીન મોકલી દીધી હતી.

ઈડીની તપાસમાં જણાયું હતું કે, ચીનના ત્રણ નાગરિકો વર્ષ ૨૦૧૮-૨૧ દરમિયાન ભારત છોડી ગયા હતા, તેમણે અને ભારતમાં સ્થપાયેલી ૨૩ કંપનીઓએ વીવો ઈન્ડિયામાં મોટાપાયે નાણાંની હેરાફેરી કરી હતી. આ ૨૩ કંપનીઓએ વીવો ઈન્ડિયાને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. વધુમાં વીવો ઈન્ડિયાએ ભારતમાં ટેક્સની ચૂકવણી ના કરવી પડે તે માટે આ ૨૩ કંપનીઓનો ઉપયોગ કરીને તેના રૂ. ૧,૨૫,૧૮૫ કરોડના કુલ વેચાણમાંથી ૫૦ ટકા એટલે કે અંદાજે રૂ. ૬૨,૪૭૬ કરોડ ચીન મોકલી દીધા હતા. ત્યાર પછી ઈડીએ જુલાઈ ૨૦૨૨માં વીવો ઈન્ડિયા સાથે જોડાયેલ ૨૩ કંપનીઓના ૪૮ સ્થળો પર દરોડા પાડયા હતા અને તેના ૧૧૯ બેન્ક ખાતામાંથી ૪૬૫ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, તેમાં ૭૩ લાખની રોકડ અને બે કિલો સોનાનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં તણાવ શરૂ થયા પછી ભારત સરકારે ચીનની કંપનીઓ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી દેશમાં ટિકટોક સહિત ૨૦૦થી વધુ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.



Google NewsGoogle News