સંદેશખલીમાં ફરી હિંસા : સ્થાનિકોએ શાહજહાંની સંપત્તિને આગ લગાવી
- રાશન કૌભાંડ પછી હવે શાહજહાં સામે જમીન પચાવી પાડવાનો કેસ
- શાહજહાં અને તેના ભાઈ સિરાજે સમુદ્રનું ખારું પાણી નાંખી ગ્રામવાસીઓના અનેક ખેતરો પર ગેરકાયદે કબજો કર્યાનો દાવો
કોલકાતા : પશ્ચિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લાના સંદેશખલીના કેટલાક ભાગમાં શુક્રવારે સવારે ફરી એક વખત તૃણમૂલ નેતા શાહજહાં શેખ વિરુદ્ધ દેખાવો થયા હતા. સ્થાનિક મહિલાઓનું વર્ષો સુધી જાતીય શોષણ કરવા અને જમીન પચાવી પાડવા બદલ ગુસ્સે ભરાયેલા લોકોએ શાહજહાં શેખની સંપત્તિઓને આગ લગાવી દીધી હતી. બીજીબાજુ ઈડીએ રાશન કૌભાંડ પછી હવે લોકોની જમીન પચાવી પાડવાના મામલામાં શાહજહાં શેખ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને ૬થી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા.
ઉત્તર ૨૪ પરગણાં જિલ્લાના સંદેશખલીમાં વર્ષોથી મહિલાઓના જાતીય શોષણ અને લોકોની જમીન પચાવી પાડવાના આરોપોનો સામનો કરતા ભાગેડુ તૃણમૂલ નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ છે. સતત બીજા દિવસે અહીં લોકોએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ દેખાવો કર્યા હતા. લાકડીઓથી સજ્જ દેખાવકારોએ સંદેશખલીના બેલમાજુર વિસ્તારમાં માછલી પકડવાના યાર્ડ પાસે છાપરાવાળી સંપત્તિઓને આગ લગાવી દીધી હતી. આ સંપત્તિઓ તૃણમૂલ નેતા શાહજહાં અને તેના ભાઈ સિરાજની હતી.
એક દેખાવકારે કહ્યું કે, પોલીસે વર્ષો સુધી કશું જ કર્યું નથી. આ જ કારણે અમે અમારી જમીન અને સન્માન પાછા મેળવવા માટે આ કરી રહ્યા છીએ. સ્થાનિક લોકોએ ગુરુવારે બપોરથી ઉગ્ર દેખાવો શરૂ કર્યા પછી શાહજહાં શેખના ભાઈ સિરાજની સંપત્તિને પણ આગ લગાવી દીધી હતી. તેમણે રમત-ગમતના એક મેદાન પર પણ કબજો કરી લીધો હતો, જેના પર ભાગેડૂ નેતા શાહજહાં શેખે ગેરકાયદે કબજો કર્યો હતો.
સ્થાનિક લોકોએ શેખ સિરાજના ફાર્મ હાઉસમાં એક ગોદામને આગ લગાવી દીધી હતી. તેમનો આરોપ હતો કે, જે ખેતરમાં આ ગોદામ હતું તે તેમની જમીન પર બનાવાયેલું હતું અને તેના પર તૃણમૂલ નેતા અને તેના સંબંધીઓએ ગેરકાયદે રીતે કબજો કરી લીધો હતો. સિરાજુદ્દિને ખેતરમાં સમુદ્રનું ખારું પાણી નાંખીને જમીન ખરાબ કરી નાંખી હતી અને ત્યાર પછી આ જમીન પર કબજો કર્યો હતો. શાહજહાં શેખ અને સિરાજે આ રીતે ગામવાસીઓના અનેક ખેતરો ગેરકાયદે રીતે પચાવી પાડયા હતા.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડના આરોપી શાહજહાં શેખ વિરુદ્ધદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે નવો કેસ નોંધ્યો છે. ઈડીએ જમીનો પર કબજો કરવા સંબંધિત કેસોમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ સાથે ઈડીના અધિકારીઓએ શાહજહાં શેખ અને તેની સાથે સંકળાયેલા લોકોના છથી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા. બીજીબાજુ શાહજહાં શેખ હજુ સુધી ઈડી સામે હાજર થયો નથી. તેને કરોડો રૂપિયાના રાશન કૌભાંડમાં ત્રીજી વખત સમન પાઠવવામાં આવ્યું હતું. એજન્સીએ તેની સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી છે.
ભાજપ નેતા પર સેક્સ રેકેટનો તૃણમૂલનો આરોપ, 11ની ધરપકડ
પશ્ચિમ બંગાળમાં સંદેશખલીનો વિવાદ ચાલી રહ્યો છે આવા સમયે પોલીસે ભાજપ નેતા સવ્યસાચી ઘોષની શુક્રવારે ધરપકડ કરી છે. તેના પર હાવડામાં વેશ્યાવૃત્તિ કૌભાંડ ચલાવવાનો આરોપ મૂકાયો છે. સંદેશખલી મુદ્દે ભાજપના આરોપો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હતું કે, બંગાળ ભાજપના નેતા સવ્યસાચી ઘોષની હાવડાના સાંકરાઈલમાં તેની હોટેલમાં સગીર છોકરીઓનું સેક્સ કૌભાંડ ચલાવવા બદલ ધરપકડ કરાઈ છે. આ કેસમાં કુલ ૧૧ લોકોને ઝડપી લેવાયા છે. પોલીસે ૬ પીડિતાઓને સ્થળ પરથી બચાવી છે. આ ભાજપ છે, જે પુત્રીઓનું રક્ષણ નથી કરતી, તે દલાલોનું રક્ષણ કરે છે. બીજીબાજુ ભાજપે સવ્યસાચી તેની સાથે જોડાયેલ હોવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું કે તે પક્ષના કોઈપણ પદ પર નથી.