ભાજપ શાસિત આ રાજ્યમાં ફરી હિંસાનો દોર શરૂ, ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગચાંપી ગોળીબાર કર્યો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ભાજપ શાસિત આ રાજ્યમાં ફરી હિંસાનો દોર શરૂ, ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગચાંપી ગોળીબાર કર્યો 1 - image


Manipur News | છેલ્લા સવા વર્ષથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. વચ્ચે થોડા દિવસના વિરામ બાદ ફરી હિંસા ભડકી ઉઠી છે. ઉગ્રવાદીઓએ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ગામમાં છ ઘરોને આગ લગાવી દીધી હતી. જે બાદ સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો. જ્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહેતા રાજ્યના ડીજીપીએ વધુ કેન્દ્રીય દળોની મદદ માગી છે.

મણિપુર પોલીસે દાવો કર્યો હતો કે ઉગ્રવાદીઓએ આ હુમલા માટે રોકેટથી ઓપરેટ થતા ગ્રેનેડ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. સરકારે હાલ ઇમ્ફાલ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવા પોલીસને આદેશ આપ્યો છે. આ દરમિયાન રાજ્યના ડીજીપીએ કહ્યું છે કે રાજ્યની પરિસ્થિતિને કાબુ કરવા માટે માત્ર પોલીસ તંત્ર પુરતુ નથી. આ માટે કેન્દ્રીય દળોની પણ જરૂર પડશે. મણિપુરના ડીજીપી રાજીવ સિંઘે કહ્યું હતું કે રાજ્યની પરિસ્થિતિને કાબુ કરવા પોલીસ તમામ પ્રયાસો કરશે પરંતુ કેન્દ્રીય દળોની જરૂર પડશે. હવે ઉગ્રવાદીઓ ડ્રોનનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. અમે એનએસજી સાથે પણ વાત કરી છે. સાથે જ ડ્રોન હુમલાને અટકાવવા કમિટી પણ બનાવી છે. જ્યારે મણિપુરના મુખ્યમંત્રીએ ડ્રોન હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રી એન બિરેનસિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે નાગરિકો પર ડ્રોનથી બોમ્બ ફેંકવા આતંકી કૃત્ય છે. 

બીજી તરફ મણિપુર ભાજપના ધારાસભ્ય રાજકુમાર ઇમો સિંહે કહ્યું હતું કે મણિપુરમાં આશરે ૬૦ હજાર અર્ધ સૈન્ય દળના જવાનો તૈનાત છે તેમ છતા શાંતિ સ્થાપિત નથી થઇ રહી. તેથી કેન્દ્ર સરકારે આ દળોને રાજ્યમાંથી પરત બોલાવી લેવા જોઇએ. ધારાસભ્યએ આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે રાજ્યના સુરક્ષાદળો અને પોલીસને સ્થિતિ સંભાળવા દેવા કહ્યું હતું. દરમિયાન કોંગ્રેસના સાંસદ એ બિમોલ અકોઇજામે કહ્યું હતું કે મણિપુર આટલા મહિનાઓથી હિંસાની સ્થિતિમાં છે તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. જેનાથી કેન્દ્ર સરકાર મણિપુરને લઇને કેટલી ગંભીર છે તે સ્પષ્ટ થાય છે. મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી ફેરવવાની ઘટનાને ટાંકીને કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે આ ખરેખર મહાભારતમાં દ્વૌપદીના વસ્ત્રહરણ જેવી ઘટના છે, જેને જોઇને લોકો હસી રહ્યા છે. આ ખરેખર મણિપુરનું અપમાન છે.


Google NewsGoogle News