મણિપુરમાં ફરી ભડકી હિંસા, મૈતેઇ-કૂકી થયા સામ-સામે, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ફરી ભડકી હિંસા, મૈતેઇ-કૂકી થયા સામ-સામે, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત 1 - image


Manipur Violence: મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. કૂકી અને મૈતેઇ જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થઈ ગયા છે. શંકાસ્પદ લોકોએ એક મકાનમાં આગ ચાંપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘટનાસ્થળે અંધાધૂંધ ગોળીબાર ચાલુ છે. આ હુમલો જીરીબામ જિલ્લાના નુંગસેકપીમાં થયો હતો, જે જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 7 કિમી દૂર છે.

આ મામલો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. બીજી તરફ બે વિરોધી જૂથોના સશસ્ત્ર લોકો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં અન્ય 4 લોકોના મોત થઈ ગયા છે. 

પોલીસે જણાવ્યું કે, ઉગ્રવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને જ્યારે તે સૂતો હતો ત્યારે તેને ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લગભગ 7 કિલોમીટર દૂર પહાડીઓમાં લડતાં સમુદાયોના સશસ્ત્ર લોકો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 3 પહાડી ઉગ્રવાદીઓ સહિત 4 સશસ્ત્ર લોકોના મોત થઈ ગયા છે. 

આ પહેલા શુક્રવારે રાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના ઘર પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક વૃદ્ધનું મોત અને છ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

થોડા દિવસો પહેલા મણિપુરના સેનજમ ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. મણિપુર પોલીસે X પર એક નિવેદનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ એમ પણ કહ્યું કે સુરક્ષા દળો વિસ્તારમાં તેહનાત છે. તાજેતરનો આ હુમલો 'શંકાસ્પદ કૂકી વિદ્રોહીઓ' દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામમાં બોમ્બમારો (Manipur Dron Attack)ના એક દિવસ બાદ થયો છે. 

200થી વધુ લોકોના મોત 

મણિપુરમાં ગત વર્ષે મે મહિનાથી શરુ થયેલી જાતીય હિંસામાં 200થી વધારે લોકોના મોત થયા છે અને એક વર્ષ પછી પણ સ્થિતિ સામાન્ય નથી થઈ.


Google NewsGoogle News