પપ્પાએ કહ્યું જાત મહેનતે કમાઈને બતાય...તો દીકરો યુટ્યુબ વીડિયો જોઈ બેન્ક લૂંટવા પહોંચ્યો
Kanpur Bank Robbery: દરેક પિતાની ઈચ્છા હોય છે કે, પોતાનો દીકરો યુવાન થયા પછી બે પૈસા કમાતો થાય અને પોતાનું નામ કમાઈ. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પિતાએ પોતાના યુવાન દીકરાને પૈસા કમાવા અને નામ કમાવા માટે કહ્યું તો દીકરાએ શોર્ટકટ રસ્તો અપનાવ્યો અન તેના માટે યોજના પણ બનાવી દીધી. આ દીકરાએ પૈસા કમાવવા માટે બેન્ક લૂંટવાની યોજના બનાવી. તેના માટે તેણે યુટ્યુબ પર વીડિયો જોવાનું શરૂ કર્યું. ગુનેગારોએ એકલા હાથે બેન્કો લૂંટી હતી તેવા વીડિયો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તે સંપૂર્ણ યોજના બનાવીને બેન્ક લૂંટવા ગયો. પરંતુ તે પહેલાં જ તે બેન્ક કર્મચારીઓ દ્વારા પકડાઈ ગયો. આ યુવક બીએસસીનો વિદ્યાર્થી છે.
ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવક સાયકલ પર પિસ્તોલ, છરી અને સર્જિકલ બ્લેડ લઈને બેન્ક લૂંટવા ગયો હતો. નવાઈની વાત એ છે કે આરોપીને પકડાઈ જવાનો બિલકુલ અફસોસ નથી. કાનપુરમાં શનિવારે સવારે લગભગ 10:00 વાગ્યે એક યુવાન સાયકલ પર ઘાટમપુર સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પતારા શાખાની બહાર પહોંચ્યો હતો. ત્યારબાદ તે પિસ્તોલ, છરી અને સર્જિકલ બ્લેડ લઈને બેન્કમાં ઘૂસ્યો. જ્યારે ગાર્ડે તેને રોક્યો ત્યારે તેણે ગાર્ડ પર છરી વડે હુમલો કરી દીધો. ત્યારબાદ બેન્ક મેનેજર, કેશિયર અને અન્ય બેન્ક કર્મચારીઓએ ખૂબ જ મુશ્કેલીથી યુવાનને કાબૂમાં લીધો અને તેને દોરડાથી બાંધી દીધો. આ દરમિયાન બેન્ક મેનેજર સહિત ત્રણ બેન્ક કર્મચારીઓ ઘાયલ થયા હતા. આરોપી યુવક પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
યુવક બીએસસીનો વિદ્યાર્થી
આરોપી ભાનમાં આવ્યો ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરી અને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે તેનું ચોંકાવનારું કારનામું સામે આવ્યું. લવિશ મિશ્રા નામનો આ યુવાન બીએસસીના ત્રીજા વર્ષમાં છે અને તે આઈટીઆઈ પણ કરી રહ્યો છે. તે ઝડપથી ખૂબ પૈસા કમાવા માંગતો હતો, તેથી તેણે બેન્ક લૂંટવાની યોજના બનાવી.
છેલ્લા એક વર્ષથી યુટ્યુબ પર બેન્ક લૂંટના વીડિયો જોઈ રહ્યો હતો
આરોપીનો મોટો ભાઈ અભય મિશ્રા દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને તેના પિતા અવધેશ મિશ્રા ખેડૂત છે. પરિવાર પૈસાની દ્રષ્ટિએ બહુ ધનવાન નથી, તેથી જ્યારે તે પૈસા માગતો ત્યારે ઘણી વાર તેના પિતા તેને કહેતા કે પોતે કોઈ કામ શરૂ કરી દે અને જાત મહેનતે પૈસા કમાઈ બતાવ. તેથી પૈસા કમાવવા માટે યુવકે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને યુટ્યુબ પર બેન્ક લૂંટના વીડિયો જોવાનું શરૂ કર્યું. તે છેલ્લા એક વર્ષથી યુટ્યુબ પર બેન્ક લૂંટના વીડિયો જોઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે તેણે મોટાભાગે એવા વીડિયો જોયા હતા જેમાં કોઈએ એકલા હાથે બેન્ક લૂંટી હતી.
વીડિયો જોઈને બેન્ક લૂંટવાની યોજના બનાવી
આ તમામ વીડિયો જોયા અને પછી તેણે પતારાની સ્ટેટ બેન્ક લૂંટવાની યોજના બનાવી. એકલા હાથે બેન્ક લૂંટવા માટે યુવકે પોતાના હાથની હથેળી નીચે સર્જિકલ બ્લેડ અને પગમાં કોથળો સીવવાની સોય બાંધી. પછી હાથમાં ખુલ્લી પિસ્તોલ અને છરી લઈને તે સીધો બેન્કમાં ઘૂસી ગયો. આરોપીઓએ બેન્ક ગાર્ડ પર સીધો છરી વડે હુમલો કરી દીધો. હકીકતમાં તેની યોજના એવી હતી કે, જો હું પહેલા ગાર્ડ પર હુમલો કરીશ તો આખી બેન્ક ગભરાઈ જશે. આરોપીએ પોતાની પીઠ પર એક થેલી લટકાવી હતી જેમાં તે પૈસા લઈ જવા માગતો હતો. જોકે, તે પહેલાં ગાર્ડે બહાદુરી બતાવી અને આગળ વધીને બેન્ક કર્મચારીઓની મદદથી તેને કાબુમાં લઈ લીધો.
બે વાર રેકી કર્યાની કબૂલાત કરી
એસીપી રણજીત કુમારે જણાવ્યું કે, આરોપી યુવક એક દિવસ પહેલા શુક્રવારે પણ બેન્કમાં આવ્યો હતો, પરંતુ તે દિવસે ભારે ભીડ હોવાથી તે જતો રહ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયા, તેણે એક કે બે વાર રેકી કર્યાની પણ કબૂલાત કરી છે. બીજી તરફ તેણે દાવો કર્યો કે, કેટલાક લોકોએ મને રસ્તામાં રોક્યો હતો અને મને ધમકી આપીને બેન્ક લૂંટવા માટે તૈયાર કર્યો હતો, જોકે, તે બેન્ક લૂંટવા માટે એકલો ગયો હતો.
પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો
પોલીસે આરોપીને પૂછ્યું કે, શું તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તો તેણે ના પાડી. એસીપીએ કહ્યું કે, દરેક માતા-પિતા પોતાના બાળકોને પૈસા કમાવવાનું કહે છે. તેના પિતાએ પણ એવું જ કહ્યું હતું. પણ આ માટે તે આખી બેન્ક લૂંટવા ગયો. હવે પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
પરિવારને ખોટી સ્ટોરી જણાવી
આ પહેલા પિતા અવધેશ મિશ્રા પણ પોતાના પરિવાર સાથે પોતાના પુત્રને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવકે તેમને પણ એ જ સ્ટોરી કહી કે, રસ્તામાં કેટલાક લોકોએ મને રોક્યો અને બળજબરીથી બેન્ક લૂંટવા માટે મોકલ્યો અને ધમકી આપી કે જો હું લૂંટ કરવા ન જાઉં તો તેઓ મને મારી નાખશે. જોકે, પરિવારના સભ્યો પણ સમજી ગયા કે તે જૂઠું બોલી રહ્યો છે.
આ પણ વાંચો: નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી, એક પછી એક રાજનેતાઓના રાજીનામા
બેન્ક લૂંટની ઘટના સાથે સંબંધિત 50 જેટલા વીડિયો મળી આવ્યા
પોલીસને યુવકના મોબાઈલ ફોનમાંથી બેન્ક લૂંટની ઘટના સાથે સંબંધિત 50 જેટલા વીડિયો મળી આવ્યા છે. તે દર્શાવે છે કે તે કેટલા સમયથી બેન્ક લૂંટવાની યોજના બનાવી રહ્યો હતો અને તેણે દરેક વીડિયો ખૂબ કાળજીપૂર્વક જોયા હતા. આરોપી લેવિશની ધરપકડ પછી સૌથી મહત્વની વાત એ હતી કે, તેના ચહેરા પર પકડાઈ જવાનો કોઈ પસ્તાવો ન હતો.