ઉત્તરાખંડના ચારધામ બાદ વધુ એક મંદિરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ, કપડાં અંગે પણ દિશાનિર્દેશ
Image: Wikipedia
Maa Naina Devi Temple: ઉત્તરાખંડના ચાર ધામ બાદ હવે નૈનીતાલના વિશ્વ પ્રસિદ્ધ માતા નૈના દેવી મંદિરમાં રીલ બનાવવા પર સંપૂર્ણરીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાથે જ મંદિર તંત્રએ દિશા નિર્દેશ જારી કરીને મંદિર આવતા ભક્તોને મર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાના આદેશ જારી કર્યા છે. મંદિરનું સંચાલન કરનાર અમર ઉદય ટ્રસ્ટ તંત્રના પ્રવક્તા શૈલેન્દ્ર મેલકાનીએ જાણકારી આપતા જણાવ્યું કે માતા નૈના દેવી મંદિર 51 શક્તિપીઠોમાં પૈકીનું એક છે.
દેશના ખૂણે-ખૂણેથી ભક્તો માતા નૈના દેવી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. દરમિયાન મંદિર આવતા ભક્તો અને પર્યટકો દ્વારા રીલ્સ બનાવવામાં આવે છે, જેની પર મંદિર તંત્રએ પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ મંદિર આવતા ભક્તો માટે દિશા-નિર્દેશ જારી કરીને ભારતીય સંસ્કૃતિના અનુરૂપ કપડાં પહેરવાના આદેશ જારી કર્યા છે.
જો કોઈએ રીલ બનાવી તો મોબાઈલ જપ્ત થઈ જશે
શૈલેન્દ્ર મેલકાનીએ જણાવ્યું કે ગત દિવસોમાં એક મહિલા દ્વારા મંદિર પરિસરમાં વાંધાજનક રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેનાથી હજારો લાખો ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, જેને જોતાં મંદિર તંત્રએ મંદિરમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો મંદિર પરિસરમાં કોઈ પણ ભક્ત કે પર્યટકને રીલ બનાવતા જોવામાં આવ્યા તો તેમનો મોબાઈલ જપ્ત કરીને તેના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.