Get The App

કટોકટી મુદ્દે બે મિનિટના મૌનથી સંસદમાં શોરબકોર

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
કટોકટી મુદ્દે બે મિનિટના મૌનથી સંસદમાં શોરબકોર 1 - image


- સત્રની શરૂઆતમાં જ સંગ્રામ : 1975માં ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સીનો 50મા વર્ષમાં પ્રવેશ, પ્રથમ વખત સંસદમાં ઠરાવ પસાર

- 1975માં કટોકટી લાગુ કરી દેશને જેલમાં ફેરવી નાખી બંધારણના મૂલ્યો અને લોકોના અધિકારો કચડવામાં આવ્યા હતા : અધ્યક્ષ બિરલા 

- ઓમ બિરલા કટોકટી વિરુદ્ધનો ઠરાવ વાંચવાનું શરૂ કરતા જ વિપક્ષના સાંસદોએ ઉભા થઇને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા 

- દેશના યુવાઓએ કટોકટી કાળને જાણવો જરૂરી : મોદી

- સંસદની બહાર ભાજપ સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી : ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી શરૂ થઇ ગયું છે, ૨૬ જૂન, ૧૯૭૫માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા દેશમાં લાગુ કરાયેલી કટોકટીને બુધવારે સંસદમાં યાદ કરવામાં આવી હતી. એટલુ જ નહીં કટોકટીના વિરુદ્ધમાં સંસદમાં ઠરાવ પસાર કરાયો અને મૌન પાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સંસદની કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટી વિરુદ્ધના ઠરાવને વાંચવાનું શરૂ કર્યું અને તેને ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી હતી, આ સમયે વિપક્ષના સાંસદો જગ્યા પર ઉભા થઇને ઉગ્ર નારા લગાવવા લાગ્યા હતા.  

ઓમ બિરલાએ ઠરાવ વાંચતા કહ્યું હતું કે ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને સમગ્ર દેશને જેલમાં ફેરવી નાખ્યો હતો. તે સમયે વિપક્ષના અનેક નેતાઓને જેલમાં કેદ કરી લેવાયા હતા. મીડિયા અને ન્યાય પાલિકા પર પ્રતિબંધો લાગુ કરી દેવાયા હતા. હવે આજે જ્યારે આપણે કટોકટી લાગુ કરી તેના ૫૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ૧૮મી લોકસભા લોકશાહી અને બંધારણ બચાવવા માટે કટિબદ્ધ છે. સ્પીકર ઓમ બિરલા અને ભાજપના સાંસદો દ્વારા કટોકટીના વિરુદ્ધમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.   

આ દરમિયાન વિપક્ષના સાંસદો ખાસ કરીને કોંગ્રેસના સાંસદો પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કટોકટીના કાળને યાદ કરવા બદલ અધ્યક્ષ ઓમ બિરલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે દેશના યુવાઓએ એ જાણવુ જરૂરી છે કે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવે છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે. 

આ પહેલા લોકસભાના નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કટોકટી દરમિયાન શહેરોમાં દબાણ હટાવવાના બહાને બળજબરીથી નસબંધી કરાવવામાં આવી રહી હતી, વર્તમાન લોકસભા કટોકટી સમયના તમામ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. કટોકટી લાગુ કરવા માટે બંધારણમાં ૩૮થી ૪૨મુ સંશોધન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય માત્ર એક વ્યક્તિને તમામ તાકતો આપવાનો હતો. આવુ કરીને નાગરિકોના અધિકારો, બંધારણના સિદ્ધાંતો અને લોકશાહીના મૂલ્યોને કચડી નાખવામાં આવ્યા હતા. 

તેમણે જણાવ્યું હતું કે કટોકટી કાળમાં ગરીબો, દલિતો, વંચિતોની જિંદગી બરબાદ કરી નાખવામાં આવી હતી. સમગ્ર ઠરાવને વાંચ્યા બાદ તેને લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. દરમિયાન વિપક્ષના સાંસદોના ઉગ્ર સુત્રોચ્ચાર અને વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગીત કરી દેવામાં આવી હતી.  લોકસભાની અંદર અને બહાર કટોકટીને લઇને હોબાળો જોવા મળ્યો હતો. સંસદની બહાર ભાજપના સાંસદો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને હાથમાં પોસ્ટરો લઇને કટોકટીનો વિરોધ કર્યો હતો.


Google NewsGoogle News