ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપનું ડેમેજ કંટ્રોલ: સરકારથી લઈ સંગઠનમાં થશે મોટા ફેરફાર
BJP's Damage Control: લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં કેટલાક રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા વિપરીત ખૂબ જ ખરાબ રહ્યું છે. તેમાં યુપીથી લઈને હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સામેલ છે. હવે ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધુ છે. પાર્ટીએ અનેક રાજ્યોમાં સમીક્ષા બેઠક કરી છે. તેમાં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ કર્યો છે. આ ઉપરાંત કાર્યકર્તાઓએ સંગઠનની પદ્ધતિ અને ટિકિટ વહેંચણી અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ભાજપ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપની સમીક્ષા બેઠકમાં અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને વધુ પડતું પ્રાધાન્ય આપવું અને મૂળ કેડરની નારાજગી પણ મુખ્ય કારણ બની છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં પાર્ટીની અંદર મોટા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપને 63 બેઠકોનું નુકસાન થયું છે અને પાર્ટીને બહુમતી મેળવવા માટે ગઠબંધનના સાથીઓની જરૂર પડી છે.
યુપીમાં થયુ સૌથી વધુ નુકસાન
ભાજપને સૌથી મોટું નુકસાન યુપીમાં થયુ છે જ્યાં પાર્ટીની વોટ ટકાવારી 49.98 ટકાથી ઘટીને 41.37 ટકા થઈ ગઈ હતી. યુપીમાં ભાજપને થયેલા નુકસાન અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાર્ટીના નેતાઓએ રાજ્યથી લઈને કેન્દ્ર સુધીની ખામીઓ ગણાવી હતી. આટલું જ નહીં નેતાઓએ આગ્રહ કર્યો કે, નુકસાન માટે જવાબદાર એ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
યુપીના નેતાઓએ ચૂંટણીમાં નુકસાન અંગે કહ્યું કે જો આ મુદ્દાઓને હમણા ઉકેલવામાં નહીં આવે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં યુપીમાં પાર્ટીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. નેતાઓએ માગ કરી છે કે અન્ય પાર્ટીમાંથી આવતા નેતાઓને પ્રાધાન્ય આપવું જોઈએ પરંતુ પોતાના નેતાઓની અવગણના ન કરવી જોઈએ. એ પણ નોંધનીય છે કે યુપી ક્વોટામાંથી જે 11 નેતાઓને મોદી સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે તેમાંથી મૂળ કેડરના માત્ર ત્રણ નેતા છે.
આ રાજ્યોમાં પણ મોટો પડકાર
સૂત્રોનું એમ પણ કહેવું છે કે, હવે કાર્યકર્તાઓમાં શિથિલતા આવી શકે છે. આવી સ્થિતિમાં પાર્ટી ઝડપથીથી ખામીઓને દૂર કરવાનું કામ કરી શકે છે, જો આવું ન થયું તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઘણી મુશ્કેલી થઈ શકે છે. યુપીની જેમ જ હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ સમીક્ષા રિપોર્ટ ભાજપ માટે સારો નથી રહ્યો. પૂર્વોત્તરની વિભિન્ન ઘટનાઓને યોગ્ય રીતે ઉકેલી ન શકવાના કારણે પાર્ટીને નુકસાન થયુ છે. પશ્ચિમ બંગાળમાં TMCથી પીડિત કાર્યકર્તાઓની ચિંતા ન કરવી પણ ભાજપ માટે ઝટકો આપનાર સાબિત થઈ છે.
એવી શક્યતા છે કે, પાર્ટી તમામ રાજ્યોના રિપોર્ટ સામે આવી ગયા બાદ સંગઠનથી લઈને રાજ્ય સરકાર સુધી મોટા ફેરફાર કરી શકે છે. ઘણા મંત્રીઓએ રાજીનામું પણ આપવું પડી શકે છે.