Get The App

સાધુ-સંતો પછી હવે સંઘ પોતે પણ ભાગવત સામે મેદાનમાં

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સાધુ-સંતો પછી હવે સંઘ પોતે પણ ભાગવત સામે મેદાનમાં 1 - image


- મંદિર-મસ્જિદ મુદ્દે ભાગવતની ચેતવણી વચ્ચે  ઇજીજીના મુખપત્ર ઓર્ગેનાઈઝરે સંભલનો મુદ્દો ઉઠાવતા સંઘમાં ભડકાના એંધાણ

- મંદિરો માટેની લડાઈ સોમનાથથી સંભલ અને તેનાથી પણ આગળ ચાલશે  પૂજાના સ્થળોને મુક્ત કરાવવા કાયદાકીય પગલાંની માગ કરી શકાય

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના પછી દેશભરમાં શરૂ થયેલા મંદિર-મસ્જિદ વિવાદ મુદ્દે સંઘ પ્રમુખ મોહન ભાગવતે નારાજગી વ્યક્ત કરતાં રામ-મંદિર જેવા નવા મુદ્દા નહીં ઉઠાવવા ચેતવણી આપી હતી. પરંતુ આ મુદ્દે હવે મોહન ભાગવત એકલા પડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મોહન ભાગવતના નિવેદન સામે સાધુ-સંતોએ લાલ આંખ બતાવ્યા પછી હવે આરએસએસ પણ મોહન ભાગવતના નિવેદનની અવગણના કરી રહ્યું હોય તેમ જણાય છે. મોહન ભાગવતના નિવેદન વચ્ચે સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં સંભલ વિવાદને કવર સ્ટોરી તરીકે સ્થાન અપાયું છે. સાથે હજુ આવા અનેક મુદ્દા ઉઠશે તેવા સંકેતો પણ અપાયા છે.

ઉત્તર પ્રદેશના ઐતિહાસિક શહેર સંભલમાં જામા મસ્જિદ તરીકે ઓળખાતું માળખું અગાઉ શ્રી હરિહર મંદિર હોવાનો દાવો કરતાં તેના સરવેની માગ કરાયા બાદ દેશમાં અનેક જગ્યાએ મંદિર-મસ્જિદ વિવાદ ઉછળ્યો છે. આ સાથે આ મુદ્દાએ દેશભરમાં વ્યક્તિઓ અથવા સમાજોને અપાતા વિવિધ બંધારણીય અધિકારો અંગે નવી ચર્ચાનો માર્ગ ખોલી દીધો છે.

મંદિર-મસ્જિદ મુદ્દા પર આરએસએસમાં ભાગવતના નિવેદન મુદ્દે આંતરિક મતભેદો અને અસહમતિ જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે. આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઈઝરે તેના તાજા અંકમાં સંભલ મુદ્દાને જ કવર સ્ટોરી બનાવી છે અને તેનું મથાળુ છે, 'સંભલથી આગળ... સભ્યતાગત ન્યાય માટેની લડત'

ઓર્ગેનાઈઝરે લખ્યું છે કે સોમનાથથી સંભલ સુધી અને તેનાથી પણ આગળ આ લડાઈ કોઈનો પણ વ્યક્તિગત અથવા સામુદાયિક અધિકાર છે. કોઈપણ વ્યક્તિ પોતાના પૂજા સ્થળોને મુક્ત કરાવવા માટે કાયદાકીય પગલાંની માગ કરી શકે છે. તેમાં ખોટું કશું નથી. આ તો આપણને બધાને મળેલો બંધારણીય અધિકાર છે. આ સિવાય સામયિકે તેને સોમનાથથી સંભલ સુધીની લડાઈ સાથે જોડી દીધી છે.

સામયિકના મુખપત્ર પર સંભલના મંદિરની એક તસવીર છે. સામયિકમાં લખવામાં આવ્યું છે કે સંભલમાં જે એક સમયે શ્રી હરિહર મંદિર હતું તે હવે જામા મસ્જિદ બની ગઈ છે. ઉત્તર પ્રદેશના આ ઐતિહાસિક કસ્બામાં આવા આરોપે નવો વિવાદ ઊભો કરી દીધો છે. સામયિકમાં પ્રફુલ્લ કેતકરના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ-મુસ્લિમના વિવાદ પર મર્યાદિત રહેવાના બદલે છદ્મ નિરપેક્ષોથી સભ્યતાગત ન્યાય અંગે વાત કરવી જોઈએ. સંભલથી સોમનાથ સુધી અને તેનાથી પણ આગળ આ ઐતિહાસિક સત્યની લડાઈ છે. તેમાં ધાર્મિક શ્રેષ્ઠતા માટે સંઘર્ષની વાત નથી. આ અમારી રાષ્ટ્રીય ઓળખને ફરીથી તૈયાર કરવા અને સભ્યતાગત ન્યાયની માગ કરવા સમાન છે.

તાજેતરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશમાં દરેક મસ્જિદ નીચે મંદિરો શોધવાની જરૂર નથી. વધુમાં રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવીને કેટલાક લોકો હિન્દુ નેતા બનવા માગે છે. આવું સ્વીકારી શકાય નહીં. ભાગવતના આ નિવેદન મુદ્દે સાધુ-સંતોએ કહ્યું હતું કે, આરએસએસ ધાર્મિક સંસ્થા નથી અને મોહન ભાગવત અમારા નેતા નથી. તેઓ એક સાંસ્કૃતિક સંસ્થાના નેતા છે.

મંદિર-મસ્જિદ વિવાદમાં સાધુ-સંતોની નારાજગી યથાવત્ 

ધર્માચાર્યોને નિર્દેશ આપવાનો ભાગવતને અધિકાર નથી : સ્વામી રામભદ્રાચાર્ય

- સંઘ પ્રમુખ હિન્દુઓની દુર્દશા સમજી શક્યા નથી : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

નવી દિલ્હી : દેશમાં મંદિર-મસ્દિજ વિવાદ અને હિન્દુ સમાજ અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન ચર્ચામાં છે તેવા સમયે તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે નારાજગી વ્યક્ત કરી છે. રામભદ્રાચાર્યે કહ્યું કે, ભાગવત હિન્દુ ધર્મના પ્રમુખ નથી. તેમને સંતોને નિર્દેશ આપવાનો કોઈ અધિકાર નથી. જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ મોહન ભાગવતની ટીકા કરી હતી.

જગદગુરુ રામભદ્રાચાર્યે ભાગવતની ઝાટકણી કાઢતા કહ્યું કે, મસ્જિ-મંદિર વિવાદ છોડી દો તેમ કહેવાનો તેમને કોઈ અધિકાર નથી. અમારા મંદિરોની પ્રમાણિક્તા છે ત્યાં જ અમે મંદિરો માગી રહ્યા છીએ. હિન્દુઓએ ક્યારેય કોઈ મસ્જિદો તોડી નથી. આ સિવાય રામ મંદિર નિર્માણ પછી કેટલાક લોકો આવા મુદ્દા ઉઠાવી હિન્દુ નેતા બનવા માગે છે તેમ ભાગવત કહેતા હોય તો તેમણે એ પણ કહેવું જોઈએ કે કોણ નેતા બનવા માગે છે. ભાગવતે નાસિકમાં કહ્યું કે ધર્મની ખોટી વ્યાખ્યા કરાઈ રહી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે ધર્મની વ્યાાખ્યા કરનારા તે કોણ છે? ધર્માચાર્યો અમે છીએ, અમારા કરતાં વધુ ધર્મ તેઓ નથી જાણતા. તેઓ એક સંગઠનના પ્રમુખ છે, હિન્દુ ધર્મના નહીં. તેમણે ઉમેર્યું કે, મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન કરતા પહેલાં ધર્માચાર્યોને બોલાવીને તેમની ચિંતા પ્રગટ કરવાની જરૂર હતી. તેમણે અમને જણાવ્યું હોત તો અમે કોઈક સમાધાન આપત. પરંતુ અમને નિર્દેશ આપનારા તેઓ કોણ છે?

બીજીબાજુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ સંઘ પ્રમુખ મોહન ભાગવતની ટીકા કરતા કહ્યું કે, હિન્દુઓની દુર્દશા સમજી નહીં સકતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં લાખો હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા તે હકીકત છે, પરંતુ મોહન ભાગવતના નિવેદન પરથી લાગે છે કે તેઓ હિન્દુઓની દુર્દશા સમજી નથી શક્યા. અમે હિન્દુ નેતા બનવા નથી માગતા. અમે તો હિન્દુઓ સાથે જે અન્યાય થયો છે બસ તે મુદ્દો ઉઠાવીએ છીએ. 


Google NewsGoogle News