Get The App

સાક્ષી મલિકની નિવૃત્તિ પછી હવે બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
સાક્ષી મલિકની નિવૃત્તિ પછી હવે બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો 1 - image


- કુશ્તી મહાસંઘમાં બ્રિજભૂષણના પ્રભુત્વથી નારાજ પહેલવાનોનું પગલું

- પદ્મશ્રી પરત કરવાનો પુનિયાનો નિર્ણય વ્યક્તિગત, રેસલિંગ ફેડરેશનની ચૂંટણી ન્યાયિક રીતે થઈ છે ઃ સરકાર

- મહિલા પહેલવાનોએ પોતાની સુરક્ષા માટે કુશ્તી છોડવી પડી રહી છે ઃ પુનિયાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં વ્યથા ઠાલવી

નવી દિલ્હી : ભારતીય કુશ્તી મહાસંઘમાં ઓલિમ્પિયન મહિલા પહેલવાન સાક્ષી મલિકે ડબલ્યુએફઆઈના ચૂંટણી પરીણામો જાહેર થયા પછી પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણના પ્રભુત્વના વિરોધમાં કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી શુક્રવારે રમતને વધુ એક ફટકો પડયો છે. પહેલવાન બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરવાની જાહેરાત કરી છે. બીજીબાજુ સરકારનું કહેવું છે કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

ભારતીય કુશ્તી મહાસંઘમાં મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોની લડત હજુ પણ ચાલુ છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ની ચૂંટણીમાં બૃજભૂષણના વિશ્વાસુ સંજય સિંહનો પ્રમુખપદે વિજય થતાં રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં ભારતને કુશ્તીમાં ચંદ્રક અપાવી વિક્રમ સર્જનાર સાક્ષી મલિકે ગુરુવારે કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

હવે વધુ એક પહેલવાન બજરંગ પુનિયાએ કુશ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણસિંહના પ્રભુત્વ સામે અવાજ ઉઠાવતા તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપી દેવાની જાહેરાત કરી છે. જોકે, સરકારનું કહેવું છે કે આ બજરંગ પુનિયાનો વ્યક્તિગત નિર્ણય છે. ચૂંટણી એકદમ ન્યાયિક રીતે થઈ હતી, તેમાં કોઈ ગડબડ થઈ નથી. અમે તેમને પદ્મશ્રી પરત આપવાનો નિર્ણય બદલવા સમજાવી રહ્યા છીએ તેમ રમત મંત્રાલયે જણાવ્યું હતું.

આ પહેલાં પહેલવાન બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે લખ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી, તમે હાલ વ્યસ્ત હશો. પરંતુ હું કુશ્તી તરફ તમારું ધ્યાન અપાવવા માગું છું. આ વર્ષે જાન્યુઆરીમાં દેશની મહિલા પહેલવાનોએ કુશ્તી મહાસંઘ પર કબજો જમાવનારા બૃજભૂષણ શરણ સિંહ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપ મૂક્યા હતા અને આંદોલન શરૂ કર્યું હતું.

આ પહેલવાનોને સરકારે બૃજભૂષણ વિરુદ્ધ નક્કર કાર્યવાહીનું આશ્વાસન આપતાં તેમણે આંદોલન સમેટી લીધું હતું. પરંતુ ત્રણ મહિના પસાર થવા છતાં બૃજભૂષણ સામે એફઆઈઆર પણ ના થઈ ત્યારે અમારે એપ્રિલમાં ફરીથી રસ્તા પર ઉતરવું પડયું હતું. અમારે કોર્ટમાં જઈને એફઆઈઆર કરાવવી પડી હતી. 


Google NewsGoogle News