અમારી સામેના આરોપો પાયાવિહોણા, આ તપાસ થઈ ચૂકી છે; હિંડનબર્ગ રિપોર્ટ અંગે અદાણી જૂથનો જવાબ
Adani Group On Hindenburg Report: અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં શેર માર્કેટના રેગ્યુલેટર 'સેબી' પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા છે. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ સેબીના વડા માધબી પુરી બૂચે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું હતું કે, આ બધા આરોપો પાયાવિહોણા છે. તો બીજી તરફ અદાણી જૂથ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. જૂથે આ આરોપોને તથ્યો અને કાયદાની અવગણના તરીકે ગણાવ્યા હતા.
અદાણી જૂથે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને નિવેદનમાં કહ્યું છે કે, 'આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો દુર્ભાવનાથી પ્રેરિત છે અને તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા જૂથ વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે ફક્ત અમને બદનામ કરવા માટે દાવાઓનું રિસાયક્લિંગ છે. અદાણી જૂથ વતી એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરી લેવામાં આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા સાબિત થયા હતા. આ આરોપોને પહેલા જ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. અમારું વિદેશી હોલ્ડિંગ માટેનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો નિયમિતપણે જાહેર દસ્તાવેજોમાં પ્રદર્શિત થાય છે.' અમને બદનામ કરવાના ઇરાદાથી રિપોર્ટમાં ઉલ્લેખિત વ્યક્તિઓનો અદાણી જૂથનો બિલકુલ કોઈ વ્યવસાયિક સંબંધ નથી.'
આ પણ વાંચો: મોદી સરકારે અદાણીનેે બચાવવા માધબીને ચેરપર્સન બનાવ્યાં? હિંડનબર્ગના ધડાકા બાદ ઊઠ્યો સવાલ
હિંડનબર્ગે શું આક્ષેપો કર્યા?
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડેનબર્ગે દ્વારા શનિવારે જાહેર કરેલા રિપોર્ટમાં અદાણી જૂથ અને સેબીના ચીફ માધબી પુરી બુચ વચ્ચેના સંબંધો હોવાનો દાવો કર્યો હતો. અને તેમના પર આરોપ લગાવ્યો છે કે અમને વ્હિસલબ્લોઅર પાસેથી મેળલા દસ્તાવેજો દર્શાવે છે કે જે કોઈપણ ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફ્નીંગ કૌભાંડમાં થયો હતો તેમાં સેબીના અધ્યક્ષની હિસ્સેદારી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માધાબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં આઈપીઈ પ્લસ 1 ફંડ સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા અદાણી જૂથના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન કહેવાતા દેશ મોરેશિયસમાં રજીસ્ટર થયેલી છે.
અદાણી ગ્રુપ પર શું આરોપો લાગ્યા હતા?
ગયા વર્ષે, 24 જાન્યુઆરી, 2023 ના રોજ, હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં જૂથની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં હેરાફેરીથી લઈને જૂથ પર દેવા સુધીના અનેક ગંભીર આરોપો લગાવયા હતા. આ રિપોર્ટ જાહેર થયા બાદ કંપનીઓના શેરમાં 85% સુધી ઘટી ગયા હતા. અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 60 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
અગાઉ અદાણી જૂથે આ રિપોર્ટને ખોટી માહિતીનો સમૂહ કહ્યું
અગાઉ હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથને લઈને જે રિપોર્ટ જાહેર કરાયો હતો તેમાં તેમણે 88 પ્રશ્નો ઉઠાવયા હતા. તેની સામે અદાણી જૂથે 413 પેજનું સ્પષ્ટતા કરતું નિવેદન આપ્યું હતું. જૂથે કહ્યું હતું કે, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા 24 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં 'જૂઠાણા સિવાય કંઈ નથી'. દસ્તાવેજ એ જૂથને બદનામ કરવાના હેતુથી ખોટી માહિતીનો સમૂહ છે. તેમાં ખાસ ઉદેશ્યથી જૂથને બદનામ કરવામાટે પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગ મોટી સંખ્યામાં રોકાણકારોને નુકસાન પહોંચાડીને શોર્ટ સેલિંગ કરીને નફો કરવા માંગે છે. રહ્યું છે. જો કે, આ નિવેદન આપ્યા છતાં પણ રોકાણકારો પર હિંડનબર્ગ રિપોર્ટની અસરને કારણે અદાણી જૂથને ભારે નુકસાન થયું હતું.