ઇડી-આઈટીના દરોડા પછી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીમાં વધારો થયો હતો
- લોટરી કિંગ ફ્યુચર ગેમિંગ, વેદાન્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઘા એન્જિનિયરિંગ સહિત 11 કિસ્સાઓ જોવા મળ્યા
અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડની થયેલી ખરીદીના આંકડા આપ્યા બાદ ગુરુવારે ચૂંટણી પંચે તેને જાહેર કર્યા હતા. આ ૩૩૭ પાનાની યાદીમાં ખરીદવામાં આવેલા ૨૨,૨૧૭ બોન્ડની યાદીમાં એક વાત ચોક્કસ સામે આવે છે કે એવી ડઝનબંધ કંપનીઓ છે કે જેમણે તેમની સામે ઇન્કમ ટેક્સ કે એન્ફોર્સમેન્ટ ડીરેકટરોરેટ (ઇડી)ની તપાસ શરુ થઇ કે દરોડા પડયા પછીના મહિના કે સમયગાળામાં જંગી માત્રામાં બોન્ડની ખરીદી કરી છે.
ઇડીની રેડ પછી લોટરી કિંગની ખરીદી
સૌથી વધુ બોન્ડની ખરીદી કરનાર પાંચમાંથી ત્રણ કંપનીઓ એવી છે કે જેમની સામે કેન્દ્રની એજન્સી દ્વારા તપાસ થઇ પછી સૌથી વધુ માત્રમાં ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી હોય. લોટરી કિંગ તરીકે જાણીતા અને ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પ્રાઈવેટ લીમીટેડના માલિક સેન્ડીયેગો માર્ટીન સૌથી વધુ બોન્ડની ખરીદી કરનારમાં અવ્વલ નંબર પણ છે.
તેમની કંપનીએ રૂ.૧,૩૬૮ કરોડના ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી છે. આ કંપની સામે ૨૦૧૯માં ઈડીએ તપાસ શરૂ કરી હતી. જુલાઈ ૨૦૧૯માં કંપનીની રૂ.૨૫૦ કરોડની મિલકત અને પછી એપ્રિલ ૨૦૨૨માં બીજી રૂ.૪૦૯ કરોડની મિલકત ઇડીએ જપ્ત કરેલી છે.
કંપની સામે આરોપ છે કે લોટરીમાં ઇનામની રકમ અને રાજ્ય સરકારની જાણ બહાર વધારે માત્રામાં લોટરી છાપી કંપનીએ રૂ.૯૧૦.૩૦ કરોડની કાળી કમાણી કરી છે. આ માટે સીબીઆઈએ પણ ફ્યુચર ગેમિંગ સામે કેસ કરેલો છે.
ઓક્ટોબર ૨૦૧૯માં ફ્યુચર ગેમિંગ સામે કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયે કેસ કર્યો ત્યારે તરત જ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી શરુ કરી હતી.
કંપનીએ ઓક્ટોબર ૨૦૨૦માં પ્રથમ વખત રૂ.૧૯૦ કરોડની ખરીદી કરી હતી અને પછી ૨૦૧૯-૨૦૨૪ના સમયગાળામાં બીજા રૂ.૧૩,૦૦૦ કરોડથી વધારાના ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હોવાનું પંચે બહાર પાડેલા ડેટા ઉપરની જાણવા મળે છે.
આવક વેરાની તપાસ બાદ ઇન્ફ્રા જાયન્ટ 'મેઘાનું બોન્ડ'
તેલંગાનાના સરકારના કલેર્શ્વ્મ ડેમ, ઝોઝીલા પાસ, મુંબઈમાં થાણે અને બોરીવલીને જોડતા રૂ.૧૪,૪૦૦ કરોડના પ્રોજેક્ટ જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના બાંધકામ સાથે જોડાયેલી મેઘા એન્જીનિયરિંગ સૌથી મોટા દાતામાં રૂ.૧૦૦૦ કરોડ સાથે બીજા ક્રમે આવે છે.
પી.પી. રેડ્ડી અને ક્રિશ્ના રેડ્ડીની આ કંપની મીડિયા સાથે જોડાયેલી એક ખાનગી ન્યુઝ નેટવર્કમાં પણ પ્રમોટર તરીકે જોડાયેલી હોવાનું કહેવાય છે.
ઓક્ટોબર ૨૦૧૯માં ઇડીની તપાસ બાદ આવકવેરાના દરોડા બાદ મેઘા એન્જીનિયરિંગની રૂ. ૫૦ કરોડના બોન્ડ ખરીદવાની શરૂઆત થાય છે અને પછી તે સતત ખરીદનાર તરીકે પંચની યાદીમાં જોવા મળે છે.
ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ: રાહુલ ગાંધી
ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે. ભારત જોડો ન્યાય યાત્રાના અંતિમ તબક્કામાં થાણે આવી પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ રાજકીય પક્ષોને તોડવા માટે તથા વિપક્ષી સરકારોને ઉથલાવવા માટે થયો છે.
રાહુલે કહ્યું હતું કે થોડાં વર્ષો પહેલાં વડાપ્રધાને જાહેર કર્યું હતું કે રાજકીય ભંડોળની સિસ્ટમને સ્વચ્છ કરવા માટે ઈલેક્ટોરલ બોન્ડની રચના કરવામાં આવી છે. જોકે, હવે એવું પુરવાર થયું છે કે આ યોજના વાસ્તવમાં ભારતનાં મોટા ગૃહો પાસેથી ખંડણી વસૂલવાની એક સ્કિમ હતી.
કોર્પોરેટ ગૃહોને ધાકધમકી આપીને તથા કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીનો ડર દેખાડીને ભાજપ માટે પૈસા મેળવવામાં આવ્યા હતા. આ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે.
કેટલીક કંપનીઓએ કોંગ્રેસ કે અન્ય વિપક્ષી દળોને પણ નાણાં આપ્યાં છે તે વિશે પૂછાતાં રાહુલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા મેળવાયેલાં ઈલેક્ટોરલ બોન્ડ તથા કોગ્રેસ કે અન્ય વિપક્ષી સરકારો દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટસને સાંકળે તેવી કોઈ કડી નથી. તેમણે કહ્યું હતું કે વિપક્ષી દળોની સરકારોએ રાષ્ટ્ર્ીય ધોરીમાર્ગો કે ડિફેન્સ પ્રોજેક્ટસના કોન્ટ્રાક્ટસ આપ્યા નથી કે પછી ઈડી અથવા ઈનકમ ટેક્સ જેવી એજન્સીઓ પણ વિપક્ષી દળોની સરકારોના તાબામાં નથી.
કોઈ વિપક્ષી પાર્ટીએ પેગાસુસ જાસૂસી સોફ્ટવેર પણ વાપર્યું નથી.
કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ મળે અને પછી તરત જ ભાજપને બોન્ડ મળે, કોઈ કંપની પર ઈડી કે સીબીઆઈની કાર્યવાહી થાય અને પછી તરત જ ભાજપને બોન્ડ મળે. આ સૂચવે છે કે આ એક પ્રકારનું ખંડણી રેકેટ જ હતું. કેટલીક કંપનીઓ અગાઉ ક્યારેય ભાજપને દાન આપતી ન હતી. પરંતુ તેમને ત્યાં સીબીઆઈ ે ઈનકટેક્સની કાર્યવાહી થઈ તે પછી જ તેમણે દાન આપવાનું શરુ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાના જનક ખુદ વડાપ્રધાન છે. એનસીપી તથા શિવસેના જેવા પક્ષોને તોડવા તથા તેમની સરકારના પતન માટે આ ઈલેક્ટોરલ બોન્ડનાં નાણાંનો ઉપયોગ થયો હતો.
રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા ભિવંડી તથા પાલઘર સહિતના વિસ્તારોમાં પહોોંચી હતી. આ યાત્રા મુંબઈ આવી પહોંચ્યા બાદ રવિવારે તેનું વિધિવત્ત સમાપન થશે. દાદર શિવાજી પાર્ક ખાતે યોજાનારી સભામાં રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષી દળોના મુખ્યપ્રધાનો અને નેતાઓ હાજર રહેશે.
દરોડા - તપાસ પછી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર અન્ય કંપનીઓ
કંપનીનું નામ |
કોની તપાસ |
કુલ ખરીદી રૂ. કરોડ |
|
વેદાન્તા જૂથ |
ચીનની વ્યક્તિઓને વિઝા આપવાના કેસમાં ઈડી અને સીબીઆઈની તપાસ |
૩૭૯ |
|
જીન્દાલ સ્ટીલ એન્ડ પાવર |
ફોરેકસના
નિયમોના ઉલ્લંઘન માટે ઇડીનો કેસ |
૧૨૩ |
|
રિત્વિક પ્રોજેક્ટ |
આવક વેરાના દરોડા |
૪૫ |
|
ઓરોબિંદો ફાર્મા |
દિલ્હી લીકર
પરમીટ કેસમાં ઇડીની તપાસ |
૪૯ |
|
રશ્મિ સિમેન્ટ |
રેલવેના ભાડાંમાં ગેરરીતિ સંદર્ભે ઇડીની તપાસ |
૬૪ |
|
શિરડી સાઈ ઈલેક્ટ્રીક્લસ |
આવક વેરાના
દરોડા |
૪૦ |
|
હીરો મોટોકોર્પ |
આવક વેરાના દરોડા |
૨૦ |
|
યશોદા હોસ્પિટલ |
આવક વેરાના
દરોડા |
૧૬૨ |
|
કલ્પતરુ પ્રોજેક્ટ |
આવક વેરાના દરોડા |
૨૮ |
|
દરોડા અને સત્તાધારી પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી : નાણામંત્રી
આવક વેરા વિભાગ કે ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે કંપનીઓએ સત્તાધારી પક્ષને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી કરી દાન આપ્યું હોવાના વિપક્ષના આક્ષેપોને નાણામંત્રી નિર્મલા સિતારામને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે એજન્સીની કાર્યવાહી અને બોન્ડની ખરીદી વચ્ચે કોઈ સંબંધ નથી. 'આ એક ધારણા છે કે એજન્સી દરવાજા ઉપર ઉભી છે એટલે કંપનીઓએ બોન્ડની ખરીદી કરી. આ બોન્ડની ખરીદી કરી તેમણે ભાજપને જ દાન આપ્યું હોવાની ધારણા છે. એવી પણ શક્યતા છે કે આવી કંપનીઓએ કોઈ અન્ય કે પ્રાદેશિક પક્ષને પણ દાન આપ્યું હોય. એમ દલીલ પણ થઇ શકે કે દાન મળ્યા પછી પણ એજન્સીએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી છે,' એમ એક ખાનગી કાર્યક્રમમાં નાણામંત્રીએ જણાવ્યું હતું.
સરકાર આધારિત બિઝનેસ સૌથી મોટા દાતા
- મેટલ્સ, માઈનીંગ, ઇન્ફ્રા, વીજળી ક્ષેત્રનો કુલ દાનમાં સૌથી મોટો હિસ્સો
એપ્રિલ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ના સમયમાં રૂ.૧૨,૧૫૬ કરોડના કુલ ઇલેક્ટોરલ બોન્ડના કોણે ખરીદ કર્યા તેના ડેટા અનુસાર સૌથી મોટો હિસ્સો સરકારી પરવાના, મંજૂરી કે અન્ય પ્રકારની સહાય જોઈતી હોય અથવા તો જે ક્ષેત્રમાં ખનીજ કે અન્ય મહત્વના રિસોર્સ ઉપર સરકારનો આધાર રાખવો પડતો હોય તેવા ક્ષેત્રોનો રહ્યો છે. આ દર્શાવે છે કે રાજ્ય કે કેન્દ્ર સરકાર (અત્યારે આ બોન્ડની ખરીદી કરી કઈ રાજકીય પાર્ટીને દાન મળ્યું તે અંગે કોઈ વિગત ઉપલબ્ધ નથી)માં સત્તાપક્ષને ઇલેક્ટોરલ બોન્ડનો સીધો ફાયદો થયો છે. એસબીઆઈએ ચૂંટણી પંચને આપેલા ડેટા અનુસાર બધા બોન્ડમાં ટોચના ૨૦ ખરીદનારનો હિસ્સો ૪૮ ટકા કે રૂ.૫,૮૩૦ કરોડનો છે.
ક્યા ક્ષેત્રમાંથી સૌથી મોટા ખરીદદાર
કંપની |
ક્ષેત્ર |
બોન્ડ રૂ. કરોડ |
ફ્યુચર ગેમિંગ |
લોટરી |
૧૩૬૮ |
મેઘા એન્જિનિયરિંગ |
ઇન્ફ્રા |
૯૬૬ |
કેવેન્ટર જૂથ |
ઇન્ફ્રા |
૬૧૭ |
ક્વિક સપ્લાય ચેન |
લોજીસ્ટીક્સ |
૪૧૦ |
હલ્દીયા એનર્જી |
વીજ ઉત્પાદન |
૩૭૭ |
વેદાન્તા જૂથ |
મેટલ્સ, માઈનીંગ |
૩૭૬ |
એસેલ માઈનીંગ |
મેટલ્સ, માઈનીંગ |
૨૨૫ |
વેસ્ટર્ન યુપી પાવર |
વીજ વિતરણ |
૨૨૦ |
ભારતી એરટેલ |
ટેલિકોમ |
૧૯૮ |
યશોદા હોસ્પિટલ |
હોસ્પિટલ |
૧૬૨ |
કોર્પોરેટના બદલે કોઈએ વ્યક્તિગત તો સાવ અજાણ્યા પણ મોટા દાનવીર
- આર્સેલર મિત્તલ, બાયોકોન અને પોલીકેબના માલિકોએ વ્યક્તિગત નામે બોન્ડ ખરીદ્યા
ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીમાં નામ ગુપ્ત રાખવામાં આવશે એવી જોગવાઈ છતાં કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓએ કંપનીના બદલે વ્યક્તિગત નામે દાન આપવું પસંદ કર્યું છે. બોન્ડની ખરીદી બાદ આ બોન્ડ ટ્રસ્ટ દ્વારા રાજકીય પક્ષોને ફાળવવામાં આવતા હોય છે જે પક્ષ પછીથી રોકડમાં વટાવી શકે છે. વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં બીજી સૌથી મોટી કંપની આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી નિવાસ મિત્તલે કુલ રૂ.૩૫ કરોડના ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી છે પણ કંપનીના નમે નહી પરંતુ વ્યક્તિગત નામે તેમણે આ રીતે રાજકીય પક્ષોને દાન આપ્યું છે.
આવી જ રીતે દેશની સૌથી મોટી બાયોફાર્મા કંપનીના ફાઉન્ડર કિરણ મઝમુદાર શોએ પણ પોતાની કંપની કંપની બાયોકોન કે માયલાનના બદલે વ્યક્તિગત રીતે રૂ.૬ કરોડના બોન્ડની ખરીદી કરી છે. યાદી અનુસાર ત્રીજી વ્યક્તિ પોલીકેબના ફાઉન્ડર ઇન્દ્ર રાજસિંઘાની છે. પોલીકેબ ઇલેક્ટ્રિક કેબલ અને વાયરની દેશના સૌથી મોટી ઉત્પાદક છે પણ તેમણે કંપનીના બદલે પોતાના નામે રૂ.૧૪ કરોડના બોન્ડની ખરીદી કરી છે.
આ યાદીમાં વ્યક્તિગત નામથી કરોડ કરતા વધારે દાન કરનાર કેટલીક અજાણી વ્યક્તિઓ પણ છે. સૌથી ઉડીને આંખે વળગે એવું નામ મણવર ફેમીલીનું છે. બચીબેન, દેવળ અને સવાભાઇ મણવરે કુલ રૂ.૮.૮૫ કરોડના બોન્ડની ખરીદી કરી છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં ફાઈનાન્સ ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત, ડબ્બા ટ્રેડીંગમાં થોડા સમય પહેલા જેના ઉપર દરોડા પડયા હતા એવા અગ્રવાલ ફેમીલીની એલસેવન હાઈટેક નામની કમ્પનીએ રૂ.૨૨ કરોડના ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી છે. એવી જ રીતે અનિતા શાહ નામની કોઈ મહિલાએ રૂ.૮.૨૦ કરોડના બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને દાન આપ્યું છે.
વ્યક્તિનું નામ |
બોન્ડ રૂ. કરોડ |
લક્ષ્મી મિત્તલ |
૩૫.૦૦ |
એલસેવન હાઈટેક |
૨૨.૦૦ |
અનિતા શાહ |
૮.૨૦ |
સવાભાઈ મણવર |
૬.૬૪ |
કિરણ મઝમુદાર |
૬.૦૦ |
અબ્રાજીત મિત્રા |
૪.૦૦ |
અજય ગુપ્તા |
૪.૦૦ |
અવિનાશ મોદી |
૩.૦૦ |
રાકેશ પ્રવીણચંદ્ર શાહ |
૧.૮૭ |
દેવલ મણવર |
૧.૧૩ |
બચીબેન મણવર |
૧.૦૮ |
કંપની અજાણી પણ રાજકીય ગુપ્ત દાનમાં ત્રીજા ક્રમે
કોલકતાના મિલ્ક શેક વેચતા જુથે રૂ. 617 કરોડના બોન્ડ ખરીદ્યા
એપ્રિલ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ના ગાળામાં ઇલેક્ટરોલ બોન્ડ ખરીદનારની યાદી બહાર પડતા જ અજાણી કંપનીઓ અને અજાણ્યા જૂથના મોટા ગુપ્ત દાનવીરોના નામ સામે આવી રહ્યા છે. લોટરીનો દેશવ્યાપી ધંધો ચલાવતી ફ્યુચર ગેમિંગ જેમ સૌથી અવ્વલ ક્રમ ઉપર છે એમ હવે જાણવા મળ્યું છે કે કોલકતા સ્થિત મહેન્દ્ર કુમાર જાલનની ફૂડ અને એગ્રો ફૂડસ ક્ષેત્રે કાર્યરત કેવેન્ટર જુથે કુલ રૂ.૬૧૭ કરોડના બોન્ડની ખરીદી રાજકીય પક્ષોને દાન કર્યું છે.
આ સાથે ફ્યુચર ગેમિંગ, મેઘા એન્જિનિયરિંગ બાદ હવે આ જૂથ સૌથી મોટા દાનવીરમાં ત્રીજા ક્રમે આવે છે.
કેવેન્ટર જૂથની કેવેન્ટર ફૂડ પાર્ક દ્વારા રૂ.૧૯૫ કરોડ, અન્ય જૂથ કંપનીઓ મદનલાલ લીમીટેડ રૂ.૧૮૫.૫ કરોડ અને એમકેજે એન્ટરપ્રાઈસે રૂ.૧૯૨.૪ કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી આ સમયગાળામાં કરી છે. કુલ રૂ.૬૧૭ કરોડના બોન્ડની ખરીદી સાથે જાલનની માલિકીનું આ જૂથ સૌથી વધુ દાન આપનારની યાદીમાં આગળ નીકળી ગયું છે.
દાયકાઓ જૂની કેવેન્ટર નામની મિલ્ક શેકની બ્રાન્ડ ૧૯૮૬માં હસ્તગત કરી કંપનીએ ડેરી, રીઅલ એસ્ટેટ, ફૂડ પ્રોડક્ટ ક્ષેત્રે દેશવ્યાપી સામ્રાજ્ય ફેલાવ્યું છે. એક તબક્કે કંપની શેરબજારમાં લીસ્ટીંગ માટે તૈયારીઓ કરી રહી હતી, સેબીની મંજુરી મેળવી લેવામાં આવી હતી પણ બજારમાં ભારે વધઘટના કારણે તે પ્લાન રદ્દ કરવામાં આવ્યો હતો.