હેમંત સોરેનની ધરપકડ બાદ વિપક્ષના આ નેતાઓ પણ ઇડીના રડારમાં આવ્યા
રાંચીમાં હેમંત સોરેન બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તપાસ બેસી શકે છે
ઇડીના રડારમાં આવેલા વિપક્ષના નેતાઓની સંખ્યા વધી ગઈ છે
રાંચીમાં હેમંત સોરેન બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તપાસ બેસી શકે છે. ઇડીના રડારમાં આવેલા વિપક્ષના નેતાઓની સંખ્યા વધી ગઈ છે. બિહારમાં તેજસ્વી યાદવ, આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેરળના મુખ્યમંત્રી પી.વિજયન પણ લાઈનમાં છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભુપેન્દ્રસિંહ હુડ્ડા, કાર્તી ચિદમ્બરમ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ ઉપર પણ ગમે ત્યારે તપાસ આવી શકે છે.
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાની કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી. આ ઉપરાંત શરદ પવાર અને બીએસપી નેતા માયાવતી પણ રડારમાં છે.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીની પાંચમી નોટીસ મળી ચુકી છે. દિલ્હીની લીકર પોલીસીને લઈને ઇડીનો આરોપ છે કે આશરે 100 કરોડનું કૌભાંડ થયું છે. જોકે કેજરીવાલે તમામ આરોપો ફગાવી દીધા છે. આમ આદમી પાર્ટીના બે નેતાઓ મનીષ સિસોદિયા અને સંજયસિંહ આ મામલે જેલમાં છે. કેજરીવાલને મળેલ તાજેતરની નોટીસમાં 2 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
રેવંત રેડ્ડી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે પણ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. રેવંત રેડ્ડી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં હતા ત્યારે આ આરોપ લાગ્યો હતો. રેવંત રેડ્ડી પર આરોપ છે કે તેમણે 2015ની એમએલસી ચૂંટણીમાં એક ધારાસભ્યને તેમની તરફેણમાં મત આપવા માટે 50 લાખ રૂપિયાની લાંચ આપી હતી.
પી. વિજયન
કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન વીજમંત્રી હતા ત્યારનો કેસ ચાલુ છે. આ મામલો કેનેડિયન ફર્મને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. CBIએ આ કેસમાં 1995માં ચાર્જશીટ દાખલ કરી હતી અને 2021માં EDએ તેની તપાસ શરૂ કરી છે.
જગનમોહન રેડ્ડી
કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારથી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. ત્યારપછી તેઓ કેટલોક સમય જેલમાં પણ રહ્યા હતા.વર્ષ 2015માં EDએ જગનમોહન રેડ્ડી વિરુદ્ધ તેમની કંપની ભારતી સિમેન્ટમાં નાણાકીય અનિયમિતતા માટે પણ કેસ નોંધ્યો હતો. 2019માં મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેઓ NDAમાં જોડાયા નથી પણ સતત સમર્થન આપતા હોય છે. કોરોના સમયે તેમણે ભાજપ સરકારનો પક્ષ લઈને હેમંત સોરેન સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.
યુપી-બિહારના નેતાઓ વિરુદ્ધ પણ પગલા ભરાશે
બિહારમાં સત્તા ગુમાવ્યાના આગલા દિવસે જ પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની ઇડી ઓફીસમાં પૂછપરછ કરાઈ હતી. લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવી પણ IRCTC કેસ અને નોકરીના બદલામાં જમીન મામલે મુખ્ય આરોપી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ગોમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અને ખાણ કેસમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ઇડીની તપાસના રડારમાં છે. સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે.