Explainer: લોકસભાને 10 વર્ષ પછી મળશે વિપક્ષના નેતાનો હોદ્દો, ક્યારે રચાયો હતો આ હોદ્દો, જાણો સૌથી પહેલા કોની નિમણૂક થઈ હતી
Leader of Opposition Appointment In Lok Sabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે,' તેમના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને વિરોધ પક્ષનો અભાવ લાગ્યો હતો'. પરંતુ તેનો જવાબ પરિણામોમાં મજબુત વિપક્ષ આપીને જનતાએ આપ્યો છે. તેમની વાત સાચી હતી કારણ કે, 10 વર્ષથી લોકસભામાં કોઈ પણ વિરોધ પક્ષના નેતા હતા જ નહી. પરંતુ આ પહેલી ઘટના નથી. અગાઉ 1980, 1989 અને 2014થી 2024 સુધી વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી રહ્યું હતું.
જવાહર લાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન કોઇપણ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા હતા જ નહી. જો કે તે સમયે ઘણાં દિગ્ગજ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં હતા. વર્ષ 1952માં થયેલ પહેલી ચૂંટણીમાં 489 બેઠક પર ચૂંટણી થઇ હતી. જેમાં કોંગ્રેસે 364 બેઠક જીતી હતી. જયારે બીજો સૌથી મોટો પક્ષ સીપીઆઈ હતો. જેમના 16 સાંસદો હતા. આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠક જીતી હતી. જયારે કોંગ્રેસને 99 બેઠક મળી હતી. જે પાછલા દસ વર્ષમાં કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
રાહુલ વિપક્ષના નેતા બનવા તૈયાર નથી!
18મી લોકસભાનું પહેલું સત્ર 24 જૂનથી શરુ થશે. આ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણી અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ થશે. આ સાથે લોકસભામાં 10 વર્ષ બાદ કોઈ વિપક્ષના નેતા બનશે. નિયમ અનુસાર વિપક્ષના નેતા બનવા માટે કોઇપણ પક્ષ પાસે લોકસભાની કુલ બેઠકમાંથી 10 ટકા એટલે કે 54 સાંસદો હોવા જોઈએ. આ વખતે આ પદ કોંગ્રેસને મળશે. કારણ કે તેની પાસે 99 બેઠકો છે. પહેલા કહેવાઈ રહ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર તે આ પદ લેવા માટે ઈચ્છુક નથી.
રામ સુભગ સિંહ પહેલા વિપક્ષના નેતા હતા
વિપક્ષના નેતાનું પદ 1969 બાદ કોંગ્રેસના વિભાજન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસ(ઓ)ના સુભગ સિંહે આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. સંસદના 1977ના એક અધિનિયમ દ્વારા વિપક્ષના પદને બંધારણીય દરજ્જો અપાયો હતો. જેમાં જણાવ્યું હતું કે વિપક્ષના પક્ષોએ પોતાના વિરોધ પક્ષના નેતા બનાવવા માટે વિશેષાધિકાર અને પગારનો દાવો કરવા માટે સંસદની કુલ બેઠકમાંથી 10 ટકા બેઠક પર પોતાનો અધિકાર હોવો જોઈએ. કોંગ્રેસ પાસે અત્યારે કુલ 99 બેઠકો છે.
રામ સુભગ સિંહ કોણ હતા?
રામ સુભગ સિંહનો જન્મ 7 જુલાઈ, 1917ના રોજ બિહારના આરા જિલ્લામાં થયો હતો. તેમને 1942માં મહાત્મા ગાંધી સાથે ભારત જોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ જવાહરલાલ નેહરુના નજીકના સહયોગી હતા. તેઓ 1952માં બિહાર રાજ્યના સાસારામ સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડ્યા હતા. અને પહેલી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1957માં ફરી વખત અહીંથી જ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1962માં બિહારના વિક્રમગંજ સંસદીય ક્ષેત્રની બેઠક પરથી જીત્યા હતા. 1967માં બક્સર બેઠક પરથી સતત ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે તેઓ કોંગ્રેસ પક્ષની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા. પરંતુ 1969માં કોંગ્રેસ પક્ષનું વિભાજન થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)માં જોડાઈ ગયા હતા. કોંગ્રેસ(ઓ) દ્વારા તેમને લોકસભામાં વિપક્ષના નેતા બનાવ્યા હતા.
બીજી ઘણી જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા
રામ સુભગ સિંહ સતત 22 વર્ષથી વધારે સમય સુધી કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તેઓ ચાર વખત સાંસદ અને સંસદમાં કોંગ્રેસ પક્ષના સચિવ પણ રહ્યા હતા. તેમની રાજનીતિક કારકિર્દી દરમિયાન કેન્દ્રીય ખાદ્ય અને કૃષિ રાજ્ય મંત્રી, સામાજિક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ મંત્રી, રેલ રાજ્ય મંત્રી, સંસદીય કાર્ય મંત્રી, સંચાર અને સૂચના મંત્રી અને રેલ મંત્રી તરીકે પદ સંભાળી ચૂક્યા હતા. તેઓ 1969-1970 દરમિયાન લોકસભામાં ભારતના પહેલા વિપક્ષના નેતા હતા. તેમનું મૃત્યુ 16 ડીસેમ્બર, 1980ના રોજ થયું હતું.