સુપ્રીમના આદેશ બાદ કોલકાતાની હોસ્પિટલ પર સીઆઇએસએફના 150 જવાન તૈનાત

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
સુપ્રીમના આદેશ બાદ કોલકાતાની હોસ્પિટલ પર સીઆઇએસએફના 150 જવાન તૈનાત 1 - image


હોસ્પિટલમાં રેપ-હત્યા બાદ અનેક ડોક્ટરો હોસ્ટેલ છોડીને જતા રહ્યા

હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પર મૃતદેહોની તસ્કરી અને વિદ્યાર્થીઓને નશો કરાવવાનો અન્ય અધિકારીનો આરોપ

કોલકાતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજી કર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઇએસએફના ૧૫૦ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. બુધવારે વહેલી સવારે સીઆઇએસએફની એક ટીમને ડીઆઇજી રેંકના અધિકારી આરજી કર હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા કે જ્યાં એક ટ્રેની ડોક્ટરની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ જવાનો હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડોક્ટરોના રહેણાંક અને હોસ્ટેલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ કેમ્પસમાં રહેતા અનેક ડોક્ટરો અન્ય સ્થળે જતા રહ્યા છે.  

બીજી તરફ ડોક્ટરોની સુરક્ષાને લઇને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ અસોસિએશન (ફેઇમા)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સંગઠને કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓ વચ્ચે હાલ ડોક્ટરો પર જોખમ વધી ગયું છે. જ્યારે કોલકાતાની આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે હોસ્પિટલના જ એક પૂર્વ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે. સીબીઆઇએ પણ સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી. હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિડેન્ડન્ટ અખ્તર અલીએ દાવો કર્યો છે કે સંદીપ ઘોષ હોસ્પિટલની લાવારિસ લાશોને વેચવાનું રેકેટ ચલાવે છે. તેઓ બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી સાથે પણ સંકળાયેલા છે. તેઓ ઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને નાપાસ કરતા હતા, ટેન્ડર ઓર્ડર પર ૨૦ ટકા કમિશન લેતા હતા,   પોતાના ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને દારુ પણ પિવડાવતા હતા, પત્ની સાથે મારપીટ કરી હતી આવા અનેક આરોપ તેમના પર લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ ટીએમસીમાં આ સમગ્ર મામલે તડા જોવા મળી રહ્યા છે. ખુદ મમતા બેનરજીના ભત્રિજા અભિષેક બેનરજી પણ પશ્ચિમ બંગાળ પોલીસ જે રીતે મામલાની તપાસ કરી રહી છે તેનાથી ખુશ ન હોવાના સંકેતો મળી રહ્યા છે. આરજી કર હોસ્પિટલના આરોપીનું એન્કાઉન્ટર કરવાની માગણી કરનારા અભિષેક તાજેતરમાં મમતા બેનરજી દ્વારા યોજવામાં આવેલી રેલીમાં નહોતા જોવા મળ્યા. અભિષેક બેનરજી રેલીમાં ગેરહાજર રહીને મમતાને સંદેશો આપવા માગતા હતા કે તેઓ હોસ્પિટલની ઘટના અને તે બાદ પોલીસ દ્વારા કરાયેલી નબળી કાર્યવાહીથી ખુશ નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બદલાપુરમાં બે બાળકીઓના શારિરીક શોષણ બાદ કહ્યું હતું કે સમાજ તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ તે વિચારવા મજબૂર કરી દે છે, તમામ સરકારો અને પક્ષોએ એક થઇને મહિલાઓની સુરક્ષા માટે ક્યા પગલા લઇ શકાય તેને લઇને ચિંતન મનન કરવું જોઇએ.


Google NewsGoogle News