અનોખો ચોર! ચોરી કર્યા બાદ પત્ર મૂકી ગયો, લખ્યું- ટેન્શન ના લેતા, મહિનામાં પાછો આપી જઇશ
તમિલનાડુનો અનોખો કિસ્સો
'તબિયત ખરાબ હોવાથી ગુનો કરવા મજબૂર બન્યો, મહિનામાં પરત કરીશ'
Chennai Robery News | તમિલનાડુમાં એક ચોરે નિવૃત શિક્ષકોના ઘરમાંથી ચોરી કરી હતી. તેણે ચોરી બાદ ચિઠ્ઠી લખીને માફી પણ માંગી હતી. માફીનામા સાથે તેણે નાણા એક મહિનાની અંદર પરત કરવાનો વાયદો પણ કરી નાખ્યો હતો.
એક રિપોર્ટ મુજબ, તમિલનાડુના મેઘનાપુરમના સથાનકુલમ રોડ પર સ્થિત મકાનમાં નિવૃત શિક્ષણ દંપતી રહે છે. સેલ્વિન અને તેમની પત્ની ૧૭ જૂનના રોજ તેમના દીકરાને મળવા ચેન્નઈ ગયા હતા. આ દરમિયાન ઘરની સારસંભાળ રાખવા માટે તેમણે સેલ્વી નામની કામવાળી બાઈ રાખી હતી.
સેલ્વી જ્યારે 26 જૂનના રોજ દંપતીના ઘરે પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈને ચોંકી ગઈ હતી. જે બાદ તેણે સેલ્વિન અને તેની પત્નીને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. જ્યારે, દંપતી પરત ઘરે પરત આવ્યું ત્યારે તેમને રૂપિયા 60000ની રોકડ અને 12 ગ્રામ સોનું ગુમ થયું હોવાની માહિતી મળી હતી.
પોલીસ ફરિયાદ બાદ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લેતા સ્થળ પરથી એક લેટર મળી આવ્યો હતો. જેમાં, ચોરનું માફીનામું હતું. આ લેટરમાં ચોરે એક મહિનાની અંદર ચોરીનો સામાન પરત કરવાનો વાયદો કર્યો હતો. તેણે વધુમાં લખ્યું કે, તે ખૂબ જ બીમાર છે એટલે તે ચોરી કરવા મજબૂર બન્યો હતો.