અમેરિકામાં ગણદેવીના મોટેલ સંચાલકને ગોળી મારી હત્યા બાદ હુમલાખોરે જાતે આપઘાત કર્યો
- સત્યેન નાયક
- અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
- નોર્થ કેરોલિનના ન્યુ પોર્ટમાં સોનવાડી ગામના સત્યેન નાયકની હત્યાથી અનાવિલ સમાજમાં શોક : હોમલેશ શખ્સે પોતાની જાતને પણ ગોળી મારી
- બે દિવસ પહેલા જ વતન આવેલા સત્યેન નાયકના કાકા પરિવારજનો સાથે અમેરિકા જવા રવાના
બીલીમોરા : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા નો મામલો સામે આવ્યો છે. ગણદેવીના સોનવાડી ગામનાં અનાવિલ પરિવારના મોટેલ સંચાલક યુવાન પર ફાયરીંગ કરી હત્યા કરાઇ હતી. એનઆરઆઈ યુવાનની હત્યાથી સમગ્ર ગણદેવી પંથકમાં અને અનાવિલ સમાજમાં શોક વ્યાપી ગયો છે. જોકે, યુવાનની હત્યા બાદ હુમલાખોરે પણ આપઘાત કરી લેતા હત્યાનું રહસ્ય ઘેરાયું છે.
તાજેતરમાં આણંદના નિવૃત્ત ડીવાયએસપી, તેમના પત્ની અને પુત્રની હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં અમેરિકામાં સ્થાયી થયેલા વધુ એક ગુજરાતી એવા નવસારી જિલ્લાના સોનવાડી ગામનાં અનાવિલ એન.આર.આઇ.ની ગોળીૃ મારી હત્યાની ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના સોનવાડી ગામે દેસાઈ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ નાયકનો પરિવાર છ દાયકા અગાઉ અમેરિકામાં સ્થાયી થયો હતો. પરીવારનો મોટો પુત્ર સત્યેન નાયક (ઉ.વ.૪૬) અમેરિકાનાં નોર્થ કેરોલિનનાં ન્યુ પોર્ટ શહેરમાં હોસ્ટેસ હાઉસ નામની મોટેલ ચલાવતો હતો.
બુધવારે સાંજે એક કેલમ નામનો હોમલેશ શખ્સ મોટેલમાં ધસી આવ્યો હતો. જેણે એકાએક પિસ્તોલ કાઢી સત્યેન નાયક ઉપર ગોળીબાર કરી દીધો હતો. જેને કારણે સત્યેન નાયકનું કરુણ મોત થયું હતુ. આ અંગે પોલીસને જાણ કરાતા સ્પેશિયલ રિસ્પોન્સ ટીમ (એસઆરટી) ધસી આવી હતી અને આરોપી યુવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આરોપીએ જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ અણધારી ઘટનાની વતન ગણદેવીનાં સોનવાડી ગામે જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ ઊંડા શોકની લાગણી વ્યકત કરી હતી. મૃતકનાં સગા કાકા સનતભાઈ ધીરૂભાઇ નાયક પરિજનો સાથે બે દિવસ અગાઉ વતન સોનવાડી ગામે આવ્યા હતા. જેમને આ સમાચાર મળતા ગુરૂવારે પરત અમેરિકા જવા રવાના થયા હતા. હાલમાં સોનવાડી ગામે કૌટુંબિક પિતરાઈ પરિવાર વસવાટ કરે છે. જેઓ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૃતક સત્યેન નાયકનું સાસરૂં બારડોલી નજીકનું રાણત ગામ છે. સત્યેન નાયકને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. સમગ્ર પ્રકરણમાં હોમલેશ શખ્સે કયા કારણોસર ફાયરીંગ કર્યું ?