Get The App

રાજીનામું આપ્યા પછી હવે આ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધારશે કેજરીવાલ? મોટો ખેલ કરી શકે છે AAP

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
રાજીનામું આપ્યા પછી હવે આ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધારશે કેજરીવાલ? મોટો ખેલ કરી શકે છે AAP 1 - image


Image Source: Twitter

Haryana Election 2024: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી ઋતુ વચ્ચે તેમણે ન માત્ર ખુદને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીથી અલગ કરી લીધા છે પરંતુ એક નવા મિશન તરફ અગ્રેસર થયા છે. આ મિશન હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે સબંધિત છે, જેના માટે તેઓ સક્રીય થઈ ગયા છે. આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પાર્ટીઓ સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ પાસે મોટા ચહેરા છે પરંતુ આમ આદમી પાર્ટી પાસે દિલ્હી, પંજાબની તુલનામાં હરિયાણામાં કોઈ મોટો ચહેરો નથી, જે તેમના કાર્યકર્તાઓમાં જોશ ભરી શકે. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં આપ માટે એ ચહેરો બની શકે છે, જેમની એન્ટ્રીથી કાર્યકર્તાઓમાં જોશ વધી શકે છે. 

દિલ્હીના કથિત દારૂ કૌંભાડ મામલે જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની ગેર-હાજરીમાં તેમના પત્ની સુનીતા કેજરીવાલે પાર્ટીની કમાન સંભાળી હતી. તેમણે હરિયાણામાં ઘણી ચૂંટણી સભાઓ કરી છે. તેઓ કેજરીવાલની ગેરેંટી લોકોની વચ્ચે લઈને આવ્યા. ઘણી વખત તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. સુનીતા કેજરીવાલની ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પણ હતા. તેમણે ચૂંટણી સભાઓમાં પોતાના પતિને સિંહ ગણાવ્યા હતા. કારણ કે, અરવિંદ કેજરીવાલ હરિયાણાથી આવે છે. આવી સ્થિતિમાં તેમણે કેજરીવાલને હરિયાણાનો લાલ પણ કહ્યો હતો. અરવિંદ કેજરીવાલ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે. ત્યારે હરિયાણા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડો. સુશીલ ગુપ્તાએ તાજેતરમાં જ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યા બાદ કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે.

કેજરીવાલ હરિયાણાની ચૂંટણીમાં પાર્ટીની કમાન સંભાળશે

અરવિંદ કેજરીવાલ હરિયાણાની ચૂંટણીમાં પાર્ટીની કમાન સંભાળશે. જો કે સવાલ એ છે કે તેમના હરિયાણા વિધાનસભા ચૂંટણી ઉતરવાથી પાર્ટીને ફાયદો થશે? અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકોની તકલીફને સારી રીતે સમજે છે. પોતાના શબ્દો દ્વારા તેઓ નીચેના સ્તર પર ઉભેલા વ્યક્તિના મન સુધી સરળતાથી પહોંચી શકે છે. તેમણે આ કામ દિલ્હી અને પંજાબમાં કર્યું છે. દિલ્હીમાં 2015 અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. પંજાબમાં પાર્ટીને મજબૂત કરી. પંજાબમાં પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર છે. હવે કેજરીવાલની નજર હરિયાણા પર છે. જો કે, હરિયાણામાં AAPનો આધાર દિલ્હી અને પંજાબ જેટલો મજબૂત નથી પરંતુ તેઓ દિલ્હીને અડીને આવેલ ફરીદાબાદ, ગુરુગ્રામ, કરનાલ, સોનીપત, પાણીપતમાં પડતી વિધાનસભાઓ પ્રભાવ પાડી શકે છે. 

હરિયાણામાં મોટો ખેલ કરી શકે છે AAP 

આમ આદમી પાર્ટી ગત વિધાનસભાની તુલનામાં અહીં વધુ મજબૂત બની છે અને સમયાંતરે અહીં પાર્ટીનો વિસ્તાર પણ થયો છે. અરવિંદ કેજરીવાલ નવ વર્ષથી દિલ્હીમાં સરકાર ચલાવી રહ્યા હતા. જો કે નવ વર્ષની સરકાર દરમિયાન સતત ઉપરાજ્યપાલ સાથે તેમનો ઘર્ષણ થતો રહ્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ આને મુદ્દો બનાવી શકે છે અને આ સાથે જ કેજરીવાલના આવવાથી ભાજપ-કોંગ્રેસને પણ ઝટકો લાગી શકે છે. તેનું કારણ એ છે કે તેઓ હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હરિયાણાની ચૂંટણીમાં નથી આવી રહ્યા પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડીને જનતાની વચ્ચે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલનો આ દાવ હરિયાણા ચૂંટણીમાં પ્રભાવ પાડી શકે છે. 


Google NewsGoogle News