રેકોર્ડતોડ ગરમી પછી દિલ્હી વરસાદથી પણ પાણી પાણી.. ૮૮ વર્ષ પછી રેકોર્ડ સર્જાયો
અનેક રહેઠાણ વિસ્તારો અને કોમ્પલેક્ષમાં વીજ પુરવઠો કપાઇ ગયો હતો
ટ્રાફિક જામ અને બંધ ગાડીઓએ વરસાદી વ્યવસ્થાપનની પોલ ખોલી
નવી દિલ્હી,૨૮ જૂન,૨૦૨૪,શુક્રવાર
દિલ્હીમાં રેકોર્ડતોડ ગરમી પછી વરસેલા વરસાદે પાણી પાણી કરી નાખ્યું છે. લોકો વરસાદની આતૂરતાથી રાહ જોતા હતા પરંતુ જૂન મહિનામાં ૮૮ વર્ષમાં કયારેય ના ખાબકયો હોય તેટલો વરસાદ પડતા ગરમીની માફક વરસાદ પણ આફત સમાન બની ગયો છે. અગાઉ ૨૮ જૂન ૧૯૩૬ના રોજ ૨૩૫.૫ મિમી વરસાદ નોંધાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાઓ પર પાણીના વહેતા વોકળા જેવું પાણી, ટ્રાફિક જામ અને બંધ ગાડીઓએ વરસાદી વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. સવારે વરસાદની શરુઆત થતા જ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-૧ ની છતનો ભાગ તૂટી જવાથી એક શખ્સનું મુત્યુ થયું હતું.
સામાન્ય લોકોને જેમ ગરમી વિતાડતી હતી તેવી જ હાલત એક સાથે ખાબકેલા અતિ વરસાદથી થઇ હતી. દિલ્હી માટે શિયાળો હોય,ઉનાળો હોય કે ચોમાસુ દરેક સિઝન આફત બની રહી છે. ભારતીય મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે ૮.૩૦ થી શરુ કરીને છેલ્લા ૨૪ કલાકમાં સફદર જંગ બેસ સ્ટેશન પર ૨૨૮.૧ મિમી વરસાદ નોંધાયો હતો. રાત્રે ૨.૩૦ થી સવારે ૫.૩૦ સુધીમાં જ ૧૪૮.૫ મિમી વરસાદ પડયો હતો. અચાનક ભારે વરસાદ થવાથી ઠેર ઠેર પાણીનો ભરાવા જોવા મળ્યો હતો. અનેક રહેઠાણ વિસ્તારો અને કોમ્પલેક્ષમાં વીજ પુરવઠો કપાઇ ગયો હતો. હવાઇ ઉડયન અને મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ હતી.
દિલ્હીમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની એન્ટ્રી
ભારતીય મૌસમ વિભાગે દિલ્હીમાં ભારે વરસાદ પડવાની સાથે જ ઉત્તર ભારત થતા દેશના અન્ય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની જાહેરાત કરી હતી. મા દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અગાઉ ઉત્તરી અરબ સાગર, ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગો,મધ્યપ્રદેશના મોટાભાગમાં, પશ્ચિમી ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો, બિહાર અને પૂર્વી ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો, ઉતરાખંડના કેટલાક ભાગો તેમજ હિમાચલપ્રદેશ,જમ્મુ કાશ્મીર, લડ્ડાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન,મુઝફરાબાદ અને પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધી ચુકયું છે.