હોંગકોંગથી ચીન તરફ ગયું ભયાનક વાવાઝોડું ‘યાગી’, હાઈએલર્ટ બાદ ચાર લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
China Typhoon Yagi : હોંગકોંગને પાર કર્યા બાદ શક્તિશાળી વાવાઝોડું 'યાગી' શુક્રવારે ચીનના ટાપુ પ્રાંત હૈનાનમાં ત્રાટક્યું હતું. જેના કારણે ત્યાનું સ્થાનિક જનજીવન ઠપ થઈ ગયું હતું. હૈનાન પ્રાંતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટાયફૂન યાગીના કારણે લગભગ 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ વાવાઝોડું પ્રાંતના વેનચાંગ શહેરમાં સ્થાનિક સમયાનુસાર સાંજે 4:20 વાગ્યે પહોંચ્યું હતું અને બેઇબુ ખાડી તરફ આગળ વધતા પહેલા ટાપુના અન્ય ભાગોને અસર કરે તેવી સંભાવના રહેલી છે.
સૌથી શક્તિશાળી વાવાઝોડું છે 'યાગી'
ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'યાગી' એ શરદઋતુમાં ચીનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેઓએ અનુમાન લગાવ્યું હતું, આ પડોશી ગુઆંગડોંગ પ્રાંતમાં જુવેન કાઉન્ટીમાં શુક્રવારે રાત્રે બીજી વખત લેન્ડફોલ કરશે. ચીનની સરકારી સમાચાર એજન્સી 'સિન્હુઆ'ના જણાવ્યા અનુસાર હેનાનમાં લગભગ 420,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, લોકોએ સંભવિત પૂરથી બચવા માટે ઇમારતોની બહાર રેતીની બોરીઓ મુકવામાં આવી છે. અને પોતાના ઘરની બારીઓને મજબૂત રીતે બાંધવામાં આવી છે.
હાઈ એલર્ટ જારી
સરકારી મીડિયાના રિપોર્ટ પ્રમાણે બુધવારે સાંજથી પ્રાંતના કેટલાક ભાગોમાં વર્ગો, કાર્યાલયો, પરિવહન અને વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ટાપુના ત્રણ એરપોર્ટ પરથી ચાલતી ફ્લાઈટ્સ પણ શુક્રવારે રદ કરવાની શક્યતા છે. રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, ગુઆંગસીના કિંગઝોઉ શહેરમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, યાગી શનિવારે બપોરે પ્રદેશના શહેર ફેંગચેનગેંગ અને ઉત્તરી વિયેતનામના દરિયાકાંઠાના વિસ્તાર વચ્ચે ફરીથી લેન્ડફોલ કરી શકે છે. આ પહેલા શુક્રવારે ટાયફૂન યાગીને કારણે હોંગકોંગમાં સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, બેંકિંગ સેવાઓ અને શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
હોંગકોંગમાં કેવી છે સ્થિતિ
હોંગકોંગમાં યાગીના કારણે 270 થી વધુ લોકોને અસ્થાયી સરકારી આશ્રયસ્થાનોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને શહેરમાં 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હાલના આંકડા પ્રમાણે નવ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે ડઝનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. 'યાગી'એ ઉષ્ણકટિબંધીય તોફાન મચાવ્યું છે, જે ઉત્તરપશ્ચિમ ફિલિપાઇન્સથી દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. જેના કારણે આશરે 16 લોકોના મોત થયા છે અને 17 લોકો ગુમ થયા છે. મોટાભાગના મૃત્યુ ભૂસ્ખલન અને પૂરના કારણે થયા છે. ઉત્તર અને મધ્ય પ્રાંતમાં 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.